બ્લડ, ટૉમસ (જ. આશરે 1618; અ. 1680) : આયર્લૅન્ડના સાહસિક રાજકારણી. તેઓ કૅપ્ટન બ્લડ તરીકે વિશેષ જાણીતા હતા. ઇંગ્લૅન્ડના આંતરવિગ્રહ દરમિયાન તેઓ ત્યારની પાર્લમેન્ટમાં હતા. રેસ્ટૉરેશન દરમિયાન એટલે કે ચાર્લ્સ બીજો પુન: ગાદીએ આવવાની સાથે તેમની જાગીર જપ્ત કરવામાં આવી હતી. 1663માં ડબ્લિન કૅસલને સર કરવાનું કાવતરું તેમની આગેવાની હેઠળ ઘડવામાં આવ્યું; પરંતુ એ ષડયંત્ર પકડાઈ જવા પામ્યું અને તેમના મુખ્ય સહ-અપરાધીનો વધ કરવામાં આવ્યો. 1671માં 3 સાથીદારો સાથે તેઓ મહેલના ટાવરમાં છૂપી રીતે ઘૂસી ગયા અને બ્લડે રાજવીનો તાજ તફડાવ્યો, જ્યારે અન્ય સાથીએ રાજવીનો ઝભ્ભો ઉઠાવ્યો; પરંતુ તેમનો પીછો કરીને તેમને પકડી પાડવામાં આવ્યા. રાજવી ચાર્લ્સે બ્લડને માફી આપી અને તેમને રાજદરબારમાં લઈ જઈ તેમની જાગીર પાછી આપી.

મહેશ ચોકસી