બ્રોન, વર્નર ફૉન (જ : 23 માર્ચ, 1912, Wirsitz, જર્મની; અ. 16 જૂન, 1977, ઍલેક્ઝાંડ્રિયા, વર્જિનિયા, યુ. એસ.) : શરૂઆતમાં જર્મનીમાં અને બીજા વિશ્વયુદ્ધ પછી યુ. એસ.માં રૉકેટ-શાસ્ત્ર અને અંતરીક્ષ-અન્વેષણોનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રમુખ ભૂમિકા ભજવનાર જર્મન ઇજનેર. તેમનો જન્મ ધનાઢ્ય અને વૈભવશાળી પરિવારમાં થયો હતો. પુત્રની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાના હેતુથી તેમની માતાએ તેમને દૂરબીન ભેટ આપ્યું હતું. આ રીતે નાનપણથી જ તેમને ખગોળ અને અંતરીક્ષના વિષયમાં રસ જાગ્રત થયો હતો, જે જીવનપર્યંત રહ્યો. શાળાના અભ્યાસમાં તેઓ સાધારણ હતા અને ખાસ કરીને ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં તેઓ અત્યંત કાચા હતા. 1925માં તે વખતના જર્મન રૉકેટ-નિષ્ણાત હરમાન ઓબર્થનું પુસ્તક ‘આંતરગ્રહીય અંતરીક્ષમાં રૉકેટ-ઉડ્ડયન’ (The Rocket into interplanetary space) તેમના વાંચવામાં આવ્યું, જેથી તેમના જીવનમાં ગજબનું પરિવર્તન આવ્યું. ગણિતશાસ્ત્રમાં તેઓ કાચા હોવાથી તે હતાશ થઈ ગયા હતા, છતાં તેમણે વધારે ખંતથી ભણવાનું શરૂ કર્યું અને વર્ગમાં પ્રથમ આવ્યા.

વર્નર ફૉન બ્રોન

1930માં બ્રોન બર્લિન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં દાખલ થયા અને સાથે સાથે ‘જર્મન સોસાયટી ફૉર સ્પેસ ટ્રાવેલ’(જર્મન રૉકેટ સોસાયટી)ના સભ્ય બન્યા. ફાજલ સમયમાં પ્રવાહી બળતણની રૉકેટે-મોટરના પરીક્ષણમાં તેઓ ઑબર્થને મદદ કરતા હતા. લગભગ આ જ અરસામાં તેમણે ગ્લાઇડિંગ તથા વિમાની ઉડ્ડયનની તાલીમ લીધી અને વિમાન-ચાલકનો પરવાનો મેળવ્યો. 1932માં તેઓ બર્લિનની ટૅકનિકલ ઇન્સ્ટિટયૂટમાંથી યાંત્રિક ઇજનેરી શાસ્ત્રના સ્નાતક બન્યા અને ત્યારબાદ બર્લિન યુનિવર્સિટીમાં જોડાયા. સંરક્ષણ ખાતાના ઑર્ડિનન્સ વિભાગની શિષ્યવૃત્તિ મેળવીને તેમણે રૉકેટ અંગે સંશોધનાત્મક પ્રયોગો કર્યા; જેના ફળસ્વરૂપે 1934માં તેમને ભૌતિકશાસ્ત્રમાં બર્લિન યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી મળી. ત્યારપછી પણ તેમણે જર્મન રૉકેટ સોસાયટીમાં રૉકેટ-ઉડ્ડયનોના પ્રયોગો ચાલુ રાખ્યા; પરંતુ, લશ્કરી હુકમનામા દ્વારા ખાનગી. રૉકેટ-પરીક્ષણો ઉપર મનાઈ લાદવામાં આવી હતી; તેથી જર્મન રૉકેટ સોસાયટી બંધ થઈ ગઈ.

વાયવ્ય જર્મનીમાં બાલ્ટિક સમુદ્રના કિનારે પીનેમુન્ડે ગામ નજીક રૉકેટના વિકાસકાર્ય માટે સ્થાપવામાં આવેલી વિશાળ લશ્કરી સુવિધામાં, બ્રોનને ટેક્નિકલ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અહીં પ્રવાહી બળતણવાળાં રૉકેટવિમાન, લાંબા અંતરના પ્રક્ષેપાસ્ત્ર, અને વિમાનને તોડી પાડે તેવાં પરાશ્રાવ્ય (ultrasonic) પ્રક્ષેપાસ્ત્ર ‘Wasserfall’ બનાવવામાં આવ્યાં. જર્મનીના પ્રચાર-મંત્રાલય દ્વારા A–4 પ્રક્ષેપાસ્ત્રને V–2 નામ આપવામાં આવ્યું, જેનો અર્થ ‘Vengeance weapon 2’ (પ્રતિકાર-શસ્ત્ર-2) થતો હતો. 1944 સુધીમાં પીનેમુન્ડે ખાતે વિકસાવવામાં આવેલી રૉકેટ અને પ્રક્ષેપાસ્ત્ર અંગેની ટૅકનૉલૉજી બીજા કોઈ દેશ કરતાં ઘણાં વર્ષોથી આગળ હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી બ્રોન અને તેના સંખ્યાબંધ સાથીદારો અમેરિકન લશ્કરને તાબે થઈ ગયા હતા. થોડા મહિના પછી બ્રોન અને તેના જૂથના સો જેટલા સાથીદારોએ અમેરિકામાં વ્હાઇટ સેન્ડ્ઝ, ન્યૂ મૅક્સિકો ખાતેના લશ્કરી શસ્ત્રપરીક્ષણ મથક પરથી ઉચ્ચ વાતાવરણના સંશોધન માટે કબજે કરાયેલાં V-2 રૉકેટોનાં ઉડ્ડયનો કર્યાં હતાં. આ ઉપરાંત, રૉકેટ અને પ્રક્ષેપાસ્ત્રની ટૅકનૉલૉજીમાં આગળ પ્રગતિ કરી હતી. યુદ્ધને અંતે અમેરિકાએ નિયંત્રિત (ગાઇડેડ) પ્રક્ષેપાસ્ત્રના ક્ષેત્રમાં કોઈ જ અનુભવ વગર પ્રવેશ કર્યો હતો, જ્યારે બ્રોનના જૂથની ટેક્નિકલ ક્ષમતા ઘણી જ ઊંચી હતી. આ અંગે બ્રોને કહ્યું હતું કે અમે આ ક્ષેત્રમાં વધારે નિપુણ છીએ, કારણ કે ભૂલો કરીને તેમાંથી શીખવાનો અમારો અનુભવ 15 વર્ષ જેટલો વધારે છે.

1952માં બ્રોન અમેરિકાના હન્ટ્સવિલે, આલાબામા ખાતેના લશ્કરી પ્રક્ષેપાસ્ત્ર કાર્યક્રમના ટૅકનિકલ નિયામક અને ત્યાર બાદ વડા બન્યા હતા. તેમના નેતૃત્વમાં રેડસ્ટોન, જ્યૂપિટર-સી, જ્યુનો અને પરશિંગ નામનાં પ્રક્ષેપાસ્ત્રો બનાવવામાં આવ્યાં. 1950ના દસકામાં અંતરીક્ષ ઉડ્ડયનને પ્રોત્સાહન આપવાના હેતુથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. લેખક તથા સહ-લેખક તરીકે તેમણે લોકભોગ્ય લેખો તથા પુસ્તકો લખ્યાં હતાં અને એ વિષય ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં. 1955માં બ્રોને અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું હતું.

બ્રોન અને તેમના લશ્કરી જૂથે અમેરિકાનો પહેલો ઉપગ્રહ ‘‘એક્સપ્લોરર–1’’ 31 જાન્યુ. 1958ના દિવસે પ્રક્ષેપિત કર્યો હતો. 1958માં અમેરિકાના અંતરીક્ષ-કાર્યક્રમનું સંચાલન કરવાના હેતુથી નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન’’(નાસા)ની સ્થાપના થઈ તે પછી બ્રોન અને તેના સંગઠનની ‘નાસા’માં બદલી કરવામાં આવી. હન્ટ્સવિલે ખાતે ‘નાસા’ના ‘જ્યોર્જ સી. માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટર’ના નિયામક તરીકે બ્રોને ‘સેટર્ન–I’ IB અને V નામનાં મોટાં અંતરીક્ષ-પ્રમોચન વાહનોનો વિકાસ કર્યો.

માર્ચ, 1970માં નાસાના મુખ્ય કાર્યાલયમાં ‘ડેપ્યુટી ઍસોશિયેટ ઍડમિનિસ્ટ્રેટર ફૉર પ્લાનિંગ’ તરીકે બ્રોનની નિમણૂક કરવામાં આવી. 1972માં બ્રોને ‘નાસા’માંથી રાજીનામું આપ્યું અને ફેરચાઇલ્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇનકૉર્પોરેટેડ નામની ઍરોસ્પેસ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.

1975માં તેમણે નૅશનલ સ્પેસ ઇન્સ્ટિટ્યૂટ નામની ખાનગી સંસ્થાની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ અંતરીક્ષ સંબંધિત પ્રવૃત્તિઓ વિશે લોકોની સમજ કેળવાય અને એ પ્રવૃત્તિઓ માટે લોકોનો ટેકો મળે તે હતો.

જર્મન V–2 રૉકેટ બનાવવા માટે તેઓ જે કાર્ય કરતા હતા તેના સમર્થન અંગે તેઓ એમ માનતા હતા કે યુદ્ધના સમયમાં દરેક વ્યક્તિએ પોતાના દેશ માટે કાર્ય કરવું જોઈએ; પછી ભલે તે તેના દેશની નીતિ સાથે સંમત હોય કે નહીં.

1971માં બ્રોને વિજ્ઞાનની ભૂમિકા વિશે તેમના વિચારો નીચેના શબ્દોમાં સ્પષ્ટ કર્યા હતા –

‘‘વિજ્ઞાનને કોઈ નૈતિક પરિમાણો હોતાં નથી, જે ઔષધ થોડી માત્રામાં રોગને નાબૂદ કરી શકે છે એ જ ઔષધ અધિક માત્રામાં મૃત્યુનું નિમિત્ત બનતું હોય છે. શસ્ત્રવૈદ્યના નિષ્ણાત હાથમાં જે છરી જીવ બચાવી શકે છે એ જ છરી વધારે ઊંડી ઉતારવાથી મોત નિપજાવી શકે છે. રિએક્ટરમાં જોતરવાથી ન્યુક્લિયર શક્તિ વડે સસ્તી વિદ્યુતશક્તિ પેદા કરી શકાય છે, એ જ ન્યુક્લિયર શક્તિનો બૉમ્બમાં એકાએક વિસ્ફોટ કરવાથી વિનાશ સર્જાય છે. આમ, વિજ્ઞાનીને તેનાં ઔષધ, છરી કે ન્યુક્લિયર શક્તિ, માનવજાત માટે ‘સારાં’ છે કે ‘ખરાબ’ તે પૂછવાનો કોઈ અર્થ નથી.’

બ્રોનને અમેરિકન સરકાર તથા અમેરિકા અને અન્ય દેશોની વ્યાવસાયિક સંસ્થાઓ તરફથી ઉચ્ચ કોટિનાં પારિતોષિકો મળ્યાં હતાં.

પરંતપ પાઠક