બ્રોનૉવ્સ્કી જૅકોબ (જ. 18 જાન્યુઆરી 1908, પોલૅન્ડ; અ. 22 ઑગસ્ટ 1974, ઈસ્ટ હૅમ્પટન, એન.વાય., યુ.એસ.) : જન્મે પોલૅન્ડના છતાં બ્રિટિશ ગણિતશાસ્ત્રી. તેમણે વિજ્ઞાનના માનવતાવાદી પાસાંઓની વિશ્વમાં તેમની વિશિષ્ટ વાક્પટુતા દ્વારા રજૂઆત કરી હતી.

શિશુ-અવસ્થામાં જ તેમના કુટુંબે જર્મની અને ત્યારબાદ ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કર્યું. તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરી વિશેષ યોગ્યતા મેળવી અને પારિતોષિકો પ્રાપ્ત કર્યાં. તે ઉપરાંત તેમણે તેમની ગદ્ય અને પદ્ય-રચનાઓ માટે પણ માન મેળવ્યું. 1933માં તેમણે ‘ડૉક્ટરેટ’ની ઉપાધિ પ્રાપ્ત કરી અને 1934થી 1942 સુધી હલની યુનિવર્સિટી કૉલેજમાં ગણિતશાસ્ત્ર વિષય શીખવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સંક્રિયાત્મક સંશોધન (operational research) તરીકે હાલમાં જાણીતા ક્ષેત્રમાં અગ્રણી (pioneer) સંશોધનો કર્યાં અને બૉમ્બ-વિસ્ફોટન સાથે સંકળાયેલ ક્રિયાવિધિની અસરકારકતા વધારવા માટેનાં કાર્યો કર્યાં. બીજા વિશ્વયુદ્ધ પછી 1948માં તેઓ યુનેસ્કોના પરિયોજનાઓ વિભાગના અધ્યક્ષ બન્યા અને ત્યારપછી તેમણે 1950થી 1963 સુધી ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય કોલસા-નિગમના નિયામક તરીકે સેવાઓ આપી.

તેઓ 1945માં જાપાનમાં પરમાણુ-બૉમ્બના વિસ્ફોટની અસરોના અભ્યાસ માટે ગયા અને નાગાસાકીમાં થયેલા વિનાશને પ્રત્યક્ષ નિહાળ્યા પછી યુદ્ધ અંગેનાં સંશોધનો છોડી દીધાં અને વિજ્ઞાનનાં પ્રાવૈધિક (technological) પાસાંઓ અને નૈતિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ગણિતશાસ્ત્રને બદલે માનવ-પ્રકૃતિ અને તેનાં સાંસ્કૃતિક ઉદવિકાસનો અભ્યાસ શરૂ કર્યો.

‘The Common Sense of Science’ (1951) અને અત્યંત પ્રસિદ્ધ ‘Science and Human Values’ (1956 ; પુનર્મુદ્રણ : 1965) નામનાં તેમનાં પુસ્તકોમાં માનવતા અંગેના નૂતન અભિગમ માટેના વિચારો અભિવ્યક્ત થયા છે. તેમના ‘The Identity of Man’ (1965) નામના પુસ્તકમાં માનવ-પ્રકૃતિના તત્વજ્ઞાનની રજૂઆત થઈ છે. તેમણે ‘William Blake’ (1757–1827) : ‘A Man Without a Mask’ 1943માં લખ્યું, આ William Blake and The Age of Revolution’ 1965માં પુનર્મુદ્રિત થયું. તેમણે ચાર રેડિયો નાટકો પણ લખ્યાં. તે પૈકી ‘The Face of Violence’ નામના યુરોપીય નાટક માટે 1951માં તેમને ઇટાલિયા પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

1964થી મૃત્યુપર્યંત સૉલ્ક ઇન્સ્ટિટયૂટ ઑવ્ બાયોલૉજિકલ સાયન્સિઝ(સાન ડિયેગો, કૅલિફૉર્નિયા)ના સ્થાનિક ફેલો તરીકે રહ્યા. તેમના અંતિમ પુસ્તક ‘The Ascent of Man’(1973)માં માનવ-ઇતિહાસમાં વિજ્ઞાન, કલા અને તત્વજ્ઞાનનો જે ફાળો છે તે અંગે સુંદર અહેવાલ આપવામાં આવ્યો છે. તેનું બી.બી.સી. દ્વારા ટેલિવિઝન શ્રેણીમાં રૂપાંતર પણ થયેલું છે.

બળદેવભાઈ પટેલ