બ્રોકહાઉસ બર્ટ્રામ (Bertram Brockhouse) (જ. 15 જુલાઈ 1918, લેથબ્રિજ, અલ્બૅર્ટા) : ન્યુટ્રૉન વર્ણપટશાસ્ત્ર(spectroscopy)ના વિકાસ માટે 1994ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કૅનેડાની રાષ્ટ્રીયતા ધરાવનાર ભૌતિકવિજ્ઞાની.

નાનપણથી બ્રોકહાઉસનું કુટુંબ સ્થળાંતર કરીને વાનકુંવર(કૅનેડા)માં સ્થિર થયું. 1935માં ઉચ્ચ શાળામાંથી સ્નાતક થયા ત્યારબાદ પ્રયોગશાળામાં મદદનીશ તરીકે કામ કર્યું. પછી રેડિયોનું સમારકામ ઘરઆંગણે શરૂ કર્યું. આ પ્રવૃત્તિ તેમણે વાનકુંવર અને શિકાગોમાં ચાલુ રાખી. બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન તેમણે રૉયલ કૅનેડિયન નૅવી વૉલન્ટિયર રિઝર્વમાં સેવાઓ આપી. 1947માં બ્રિટિશ કૉલમ્બિયા યુનિવર્સિટીમાંથી ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રના વિષયો સાથે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈને સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેમણે ટોરન્ટો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી સંશોધનકાર્ય શરૂ કર્યું અને 1960માં ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે પછી તેઓ કૅનેડાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલના ઍટમિક એનર્જી પ્રૉજેક્ટ(પરમાણુઊર્જા પ્રકલ્પ)ના સ્ટાફમાં જોડાયા. આ કાઉન્સિલ પાછળથી ઍટમિક એનર્જી ઑવ્ કૅનેડા લિમિટેડ(AECL)ના નામે ઓળખાવા લાગી. તેનું કાર્યાલય ચૉક રિવર ન્યૂક્લિયર પ્રયોગશાળામાં રહ્યું.

તે સમયે ન્યુટ્રૉન અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન (inelastic scattering) ઉપર તેમનું સંશોધનનું કાર્ય ચાલતું હતું. આ સંશોધનાત્મક અભ્યાસને આનુષંગિક પદ્ધતિઓ, દ્રવ્ય અને સાધનસામગ્રીનું શોધન-વર્ધન કરવામાં તેમણે ઘણો સમય સખત પરિશ્રમ કર્યો.

ન્યુટ્રૉન પ્રકીર્ણનના નામે જાણીતી આ ટૅકનિકને નોબેલ સમિતિએ સ્વીકૃતિ આપી. ઘન પદાર્થના અંતર્ભાગમાં પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે તે જાણવા-જોવા માટે ન્યુટ્રૉન પ્રકીર્ણન ટૅકનિક ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ. તેનું કારણ એ છે કે ન્યુટ્રૉન વિદ્યુતભાર ધરાવતો નથી. માટે તે ઘન પદાર્થના ઊંડાણમાં બેરોકટોક ઘૂસી શકે છે. તેથી ઘન પદાર્થના ખૂબ જ ઊંડાણવાળા ભાગનો ન્યુટ્રૉન-કિરણો વડે સરળતાથી અભ્યાસ થઈ શકે છે. આ ટૅકનિકમાં ન્યુક્લિયર-રિઍક્ટરમાંથી નીકળતાં ન્યુટ્રૉન-કિરણોનો જે નમૂનાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો હોય તેના ઉપર આપાત કરવામાં આવે છે – કોઈ પણ પદાર્થ ઉપર ઝડપી ગોળીઓની ધારા અથડાવવામાં આવે તેમ. આથી અવપારમાણ્વિક (sub atomic) કણો ભિન્ન ભિન્ન દિશામાં વીખરાઈને અથડાતા હોય છે. આ ઘટના લક્ષ્યનાં આકાર અને સંરચના ઉપર આધારિત છે. કણોના પ્રકીર્ણનના વિશ્લેષણાત્મક અભ્યાસ ઉપરથી ઘન પદાર્થના નમૂનામાં પરમાણુઓની ગોઠવણીની જાણકારી વિજ્ઞાનીઓને સરળતાથી મળે છે.

પ્રો. બ્રોકહાઉસને કેટલાંય માન અને ચાંદ મળ્યાં છે. તેમાં કૅનેડાની રૉયલ સોસાયટીનો ટોરી-પદક, અમેરિકન ફિઝિકલ સોસાયટીનું બર્કલે પારિતોષિક, પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનની ઉત્કૃષ્ટ કામગીરી માટે બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ અને ફિઝિકલ સોસાયટીનાં ડડેલ પદક અને પારિતોષિક અને કૅનેડાના શતાબ્દી ઉત્સવ પદકનો સમાવેશ થાય છે.

તેઓ ઑર્ડર ઑવ્ કૅનેડાના અધિકારી, લંડન અને કૅનેડાની રૉયલ સોસાયટીના ફેલો અને રૉયલ સ્વીડિશ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના વિદેશ-સભ્ય છે. તેમને વૉટર્લૂ અને મૅકમાસ્ટર યુનિવર્સિટીએ ડી.એસસી.ની માનાર્હ ઉપાધિ એનાયત કરી છે. તેઓ ફિલૉસોફી ઑવ્ સાયન્સ ઍસોસિયેશનના પણ સભ્ય છે. તેમણે કરેલ ન્યુટ્રૉન વર્ણપટશાસ્ત્રના વિકાસથી ઘનપદાર્થોના વિશદ અભ્યાસ માટે વિજ્ઞાનીઓને એક નવી દિશા મળી છે.

પ્રહલાદ છ. પટેલ