બ્રોકર, ગુલાબદાસ (જ. 20 સપ્ટેમ્બર 1909, પોરબંદર; અ. 10 જૂન 2006, પુણે) : ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘કથક’. તેમણે ટૂંકી વાર્તા, એકાંકી, નાટક, વિવેચન, ચિંતનાત્મક નિબંધ, પ્રવાસવર્ણન, સંસ્મરણ-આલેખન, અનુવાદ વગેરે ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. મૅટ્રિક થયા પછી મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મુખ્ય વિષય અંગ્રેજી સાથે સ્નાતક થયા. 1930–32ની સત્યાગ્રહ-લડતોમાં તેમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો અને જેલમાં પણ જઈ આવ્યા હતા. તેઓ મુંબઈની કૉંગ્રેસ સમિતિમાં પણ હતા. તેમણે 1933થી 1964 સુધી મુંબઈ શૅરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું હતું. હાલ તેઓ મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળે છે.

ગુજરાતી ટૂંકી વાર્તાના વિધાયકોમાં તેમની ગણના થાય છે. તેમણે અત્યાર સુધીમાં તેર જેટલા વાર્તાસંગ્રહો આપ્યા છે. એમાં ‘લતા અને બીજી વાતો’ (1938). ‘વસુંધરા અને બીજી વાતો’ (1941), ‘ઊભી વાટે’ (1944), ‘પ્રેમ પદારથ’ (1974) વગેરે જાણીતા છે. એમની વાર્તાઓનાં સંપાદનો પણ થયાં છે. ‘પુણ્ય પરવાર્યું નથી’ (1952) એ તેમનો સત્યકથાઓનો સંગ્રહ છે. એમના ‘અમૃતદીક્ષા’(1976)માં જીવનચરિત્રો તો ‘સ્મરણોનો દેશ’માં વ્યક્તિચિત્રો છે. તેમણે ‘મનનાં ભૂત’, ‘જ્વલંત અગ્નિ’ જેવાં નાટકો આપ્યાં છે. ‘ધૂમ્રસેર’ નાટક ધનસુખલાલ મહેતા સાથે રચેલું છે. ‘વસન્તે’(1964)માં તેમણે કવિતા પણ આપી છે. તેમણે 1970માં ‘નવા ગગનની નીચે’ નામનો પ્રવાસગ્રંથ આપ્યો છે.

‘રૂપસૃષ્ટિમાં’ અને ‘અભિવ્યક્તિ’ એ તેમના વિવેચનસંગ્રહો છે. ‘સાહિત્ય : તત્વ અને તંત્ર’ એ વિવેચનગ્રંથની પ્રસ્તાવનામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ગુલાબદાસ બ્રોકરના ‘પ્રસન્ન ગંભીર સાહિત્યવિચાર’ની પ્રશંસા કરી છે.

ગુલાબદાસ બ્રોકર

‘લતા શું બોલે ?’ એ વાર્તાનો આરંભ ગુલાબદાસે કરેલો પછી સુન્દરમ્ વગેરેએ એને આગળ ધપાવેલી. ‘નીલીનું ભૂત’ અને ‘ગુલામદીન ગાડીવાળો’ એમની વખણાયેલી વાર્તાઓ છે. ‘માનો જીવ’, ‘ચિત્રાનું ચલચિત્ર’, ‘પ્રકાશનું સ્મિત’, ‘ઘૃણા કે કરુણા ?’ પણ સહજ યાદ આવતી નવલિકાઓ છે. તેમની વાર્તાઓ આદર્શ અને વાસ્તવના સહિયારે આરે મળે છે, પણ એમની વિશેષતા કદાચ માનસવ્યાપારોના સૂક્ષ્મ નિરૂપણમાં છે.

તેમણે લાંબાં નાટકો પણ આપ્યાં છે અને એકાંકીના તો તેઓ કીમિયાગર છે. ‘મનનાં ભૂત’, ‘ધૂમ્રસેર’, ‘મહા-નિબંધ’ અને ‘ઇતિહાસનું એક પાનું’ પણ નોખી તરી આવે એવી કલાકૃતિઓ છે. ગુલાબદાસની આ સર્જનાત્મક કૃતિઓમાં વિષયનું વૈવિધ્ય છે તો ટેકનિકની નવીનતા પણ છે. કુશળ પ્રસંગ-સંકલના, સરળ સુંદર કથનરીતિ, સુરેખ પાત્રચિત્રણ, માનવમનનાં ઊંડાણોનો તાગ લેવાની વૃત્તિશક્તિ અને સ્વકીય ર્દષ્ટિકોણ – એ બધાંને લઈને ગુલાબદાસ બ્રોકરની વાર્તાસૃષ્ટિ આગવું આકર્ષણ જન્માવે છે. એના ભાવજગતમાં પ્રવેશવું એટલે કે જેનું ચોક્કસ નામ ન પાડી શકાય એવા ભાવનાસૌન્દર્યનો સંસ્પર્શ પામવો. તાજેતરમાં તેમનો નવો વાર્તાસંગ્રહ ‘પદ્મા ! પદ્મિની !’ પ્રગટ થયો છે. તેમની સાહિત્યકૃતિઓ ભારતીય તેમજ વિદેશી ભાષાઓમાં અનૂદિત થઈ છે.

ગુલાબદાસને સાહિત્યિક પ્રદાન માટે 1968નો ‘કુમાર’ ચંદ્રક, મહિડા સુવર્ણચંદ્રક, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારનાં પારિતોષિકો તથા રણજિતરામ સુવર્ણચંદ્રક (1998) એનાયત થયાં છે. 1995માં ગુજરાત સાહિત્ય અકાદમીએ અગ્રગણ્ય સાહિત્યકાર તરીકે તેમનું સન્માન કર્યું હતું. તેઓ વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય પી.ઈ.એન.ના સભ્ય હતા. તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા અને જર્મનીનો સાહિત્યિક પ્રવાસ કરેલો છે. 1974–’75માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. સ્નેહાળતા, સમતોલ વિચારશક્તિ અને સ્વસ્થ જીવન-અભિગમનો પ્રભાવ ગુલાબદાસના જીવન અને સાહિત્યમાં વરતાય છે.

રમણલાલ જોશી