બ્રૉયર, માર્સેલ લાજકો (જ. 22 મે 1902, પૅક્સ, હંગેરી; અ. આશરે 1977ના અરસામાં) : આધુનિક અમેરિકન સ્થપતિ અને ડિઝાઈનકાર. સ્ટીલની ટ્યૂબો (પોલાદી નળાકારો)નો સ્થાપત્યમાં વિનિયોગ કરનાર તેઓ પ્રથમ સ્થપતિ હતા. 1912થી 1920 સુધી પૅક્સ નગરની ‘અલ્લામી ફૉરાઇસ્કાલા’માં અને 1920થી 1924 સુધી વાઇમર નગરની ‘બાઉહાઉસ’ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. ડૅસ્સો નગરના સ્થપતિ અને આયોજક તરીકે તેમણે 1925થી 1928 સુધી કામ કર્યું. બર્લિન નગરના સ્થપતિ અને આયોજક તરીકે તેઓ 1928થી 1931 સુધી અને લંડન નગરના સ્થપતિ અને આયોજક તરીકે 1935થી 1936 સુધી રહ્યા. મૅસેચૂસેટ્સની ‘હાર્વર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ ડિઝાઇન’ કેમ્બ્રિજના ઍસોસિયેટ પ્રોફેસર તરીકે 1937થી 1946 સુધી તેઓ રહ્યા. કેમ્બ્રિજની ‘માર્સેલ બ્રૉયર ઍન્ડ ઍસોસિયેટ્સ’માં 1937થી 1946 સુધી તથા 1946થી તે નિવૃત્તિ (1976) સુધી ન્યૂયૉર્ક શહેરની ‘માર્સેલ બ્રૉયર ઍન્ડ ઍસોસિયેટ્સ’ના આચાર્ય તરીકે તેમણે કામગીરી બજાવી. નૅશનલ કાઉન્સિલ ઑવ્ આર્કિટેક્ચરલ રજિસ્ટ્રેશન બૉર્ડના તેઓ 1947માં સભ્ય હતા.

ન્યૂયૉર્કના ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’માં 1949માં તથા પૅરિસના લુવ્રના મ્યુઝિયમમાં 1973માં તેમણે વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. આ ઉપરાંત 1930માં પૅરિસમાં વર્કબુન્ડ એક્ઝિબિશનમાં, 1931માં બર્લિનના બાઉઆઉસ્ટેલ્લૂંગ તથા 1974માં બર્લિનના બાઉહાઉસ આર્કાઇવ્ઝમાં યોજાયેલાં પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો.

ઇન્ટરનૅશનલ ઍલ્યુમિનમ કૉમ્પિટિશનમાં તેમને 1930 અને 1933માં પ્રથમ ઇનામ મળ્યું હતું. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટૅક્ટ્સ તરફથી તેમને 1965માં ‘મેડલ ઑવ્ ઑનર’, 1968માં ‘ગોલ્ડ મેડલ’, 1970માં ‘ઍવૉર્ડ ફૉર ઍક્સલન્સ’ અને 1970, 1972 અને 1973માં ઑનર ઍવૉર્ડ મળેલા. તેમને 1967માં ન્યૂયૉર્ક સ્ટેટ કાઉન્સિલનો ‘ધી આર્ટ્સ ઍવૉર્ડ’ 1968માં સિટી ક્લબ ઑવ્ ન્યૂયૉર્કનો ‘બાર્ડ ઍવૉર્ડ’ તથા 1968માં યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયાનો ‘ટૉમસ જેફર્સન ફાઉન્ડેશન મેડલ’ મળેલા. 1976માં તેમને ફ્રેંચ એકૅડેમી ઑવ્ આર્કિટેક્ચરનો ‘ગ્રાન્ડ મેડલ દ’ઓર’ મળેલો.

તેમને ન્યૂયૉર્કના બ્રૂકલીન ખાતે પ્રાટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી 1950માં; યુનિવર્સિટી ઑવ્ બુડાપેસ્ટ તરફથી 1957; ઇન્ડિયાના યુનિવર્સિટી ઑવ્ નૉત્રદામ તરફથી 1968માં અને હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી 1970માં ડૉક્ટરેટની માનાર્હ પદવી મળી હતી.

અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેકટ્સના તેઓ ફેલો, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ ઍન્ડ લેટર્સના સભ્ય તથા ઍસોસિયેશન ઑવ્ આર્જેન્ટાઇન આર્કિટેક્ટસના તેઓ માનાર્હ સભ્ય હતા.

વીસમી સદીના સૌથી મહાન સ્થપતિઓમાં બ્રૉયર ટોચ પર હતા. તેમના સમગ્ર સર્જનની એકાદ શબ્દ કે લેબલ વડે ઓળખ આપવી શક્ય નથી. બ્રૉયરના સ્થાપત્યમાં ઉપભોગકર્તા લાગણીની ઉષ્મા અનુભવી શકે છે, જે તેમની મોટી સિદ્ધિ છે. એમની સ્થાપત્ય-કલાનો દર્શક એ પ્રકારની ઉષ્મા અનુભવતાં થોડી ક્ષણોમાં શાંતિ મેળવી શકે છે. બ્રૉયરે ડિઝાઇન કરેલી ‘વાસ્સિલી’ અને ‘ચેસ્કા’ ખુરસીઓ હળવાશ અનુભવતાં આરામ પામવા માટે વિશ્વવિખ્યાત બની છે.

તેમનાં અનેક સુખ્યાત સર્જનો પૈકી કેટલાંક આ પ્રમાણે છે : પૅરિસ ખાતે આવેલું ‘યુનેસ્કો’નું મકાન. પોલાદનું ફર્નિચર (1924થી 1928 દરમિયાન તૈયાર થયેલું); ડૉલ્ડેર્ટલ ઍપાર્ટમેન્ટ્સ, ઝ્યુરિખ તથા ઇસોકૉન લેમિનેટેડ ફર્નિચર (1936), હેગર્ટી હાઉસ, વિટૉન કૉલેજ આર્ટ સેન્ટર, મૅસેચ્યુસેટ્સ (વૉલ્ટર ગ્રોપિયસના સંગાથમાં) (1938), ચેમ્બર્લિન કૉટેજ, વૅલેન્ડ, મેસેચ્યુસેટ્સ (1940); સાઉથ બૉસ્ટન રિડેવલપમેન્ટ પ્રિફૅબ્રિકેટેડ હાઉસિસ, કૅમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ (1942); ટૉરિન કૉર્પોરેશન બિલ્ડિંગ, ઑન્ટેરિયો (1953); યુનાઇટેડ સ્ટેટ્સ એમ્બસી, હૅગ (1958), ફ્લેઇને સ્કી સેન્ટર, ફ્રાંસ (1960); ન્યૂયૉર્ક યુનિવર્સિટી ડૉર્મિટરી, ન્યૂયૉર્ક (1965), સ્ટિલ્માન હાઉસ-3, લિરિફલ્ડ, કનેક્ટિકટ; ઑસ્ટ્રેલિયન એમ્બસી, પૅરિસ અને ગૅગરીન હાઉસ-2, લિરિફલ્ડ, ક્નેક્ટિકટ (1975); ટૉક્સબરી હાઇસ્કૂલ, બૉસ્ટન (ટી. પાપાક્રિસ્ટોના સંગાથમાં) (1977).

મહેશ ચોકસી

અમિતાભ મડિયા