બ્રેગ, વિલિયમ હેન્રી (જ. 2 જુલાઈ 1862, વેસ્ટવર્ડ, કંબરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 10 માર્ચ 1942, લંડન) : એક્સ-કિરણો વડે સ્ફટિક-સંરચનાનું વિશદ વિશ્લેષણ કરનાર પ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની.
તેઓ પોતાના પુત્ર સાથે રહીને જીવનભર શોધખોળો કરતા રહ્યા અને ‘બ્રેગ પિતાપુત્ર’ની જોડી રૂપે ભૌતિકવિજ્ઞાનમાં એક વિશેષ છાપ મૂકતા ગયા. તેમણે ઉચ્ચશિક્ષણ કિંગ્ઝ કૉલેજ-લંડન તેમજ ટ્રિનિટી-કૉલેજ કૅમ્બ્રિજ ખાતે લીધું હતું. 1885થી 1908 દરમિયાન તેઓ એડીલેઇડ–ઑસ્ટ્રેલિયા ખાતે ભૌતિકશાસ્ત્ર અને ગણિતના પ્રાધ્યાપક-પદે રહ્યા અને તે દરમિયાન પુત્ર (વિલિયમ) લૉરેન્સનો જન્મ થયો. ત્યારબાદ પિતા બ્રેગ ઇંગ્લૅન્ડ પરત આવ્યા અને યુનિવર્સિટી કૉલેજ, લંડન અને ફેરડે રિસર્ચ લૅબોરેટરીમાં વડા બન્યા. એક્સ-કિરણો અંગેનાં સંશોધનો માટે 1915માં તેમને પુત્ર વિલિયમ લૉરેન્સ બ્રેગ સાથે ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મળતાં આ પિતાપુત્રની જોડી જગપ્રસિદ્ધ બની. 1920માં વિલિયમ હેન્રી બ્રેગને ‘નાઇટ’નો ખિતાબ મળ્યો. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેમના અધ્યાપન અને સંશોધનકાર્યમાં ભારે વિક્ષેપ પડ્યો. આથી થોડાક સમય માટે તેમણે નૌકાદળમાં કામ કર્યું. તે દરમિયાન તેમણે પનડૂબિકા(submarine)ને શોધી કાઢવા માટે હાઇડ્રોફોન વિકસાવીને તેનો ઉપયોગ કરી બતાવ્યો. તેઓ 1907માં રૉયલ સોસાયટીના ફેલો થયા અને 1935–40ના સમય દરમિયાન ઉક્ત સોસાયટીના અધ્યક્ષ રહ્યા. આ ઉપરાંત કેટલીક જાણીતી વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓના નિયામકપદે પણ તેઓ રહ્યા હતા. 1912ના અરસામાં તેમણે રેડિયોઍક્ટિવિટી પર સંશોધનો કરીને એક પુસ્તક પણ લખ્યું હતું; પરંતુ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર એક્સ-કિરણોને લગતું રહેલું, જેમાં પુત્ર સાથે મળીને તેમણે એક પુસ્તક પણ લખ્યું હતું. એક્સ-કિરણોના સ્ફટિકો દ્વારા થતા વિવર્તનના અભ્યાસક્ષેત્રના તેઓ જનક ગણાય છે. તેમના નામ પરથી ‘બ્રેગ એક્સ-કિરણ સ્પેક્ટ્રોમીટર’ જાણીતું થયું છે. તેમણે ‘ધ વર્લ્ડ ઑવ્ સાઉન્ડ’ (1920) અને ‘કર્ન્સર્નિંગ ધ નેચર ઑવ્ થિંગ્ઝ’ (1925) જેવાં કેટલાંક લોકભોગ્ય પુસ્તકો-લેખો પણ લખ્યાં હતાં.
કમલનયન ન. જોશીપુરા