બ્રેગ, વિલિયમ લૉરેન્સ

January, 2001

બ્રેગ, વિલિયમ લૉરેન્સ (જ. 31 માર્ચ 1890, એડીલેઇડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા; અ. 1 જુલાઈ, 1971, લંડન) : ઍક્સ–કિરણોના માધ્યમ દ્વારા સ્ફટિકોની સંરચનાના વિષદ વિશ્લેષક અને અંગ્રેજ ભૌતિકવિજ્ઞાની.

વિલિયમ લૉરેન્સ બ્રેગ

તેઓ પોતાના પિતા સાથે કામ કરીને વિજ્ઞાનજગતમાં સુપ્રસિદ્ધ બન્યા હતા તેમણે ઉચ્ચશિક્ષણ ઑસ્ટ્રેલિયા તેમજ ઇંગ્લૅંન્ડમાં ટ્રિનિટી કૉલેજ કૅમ્બ્રિજ ખાતે લીધું હતું. યુવાનવયે જ તેઓ પિતા સાથે ઍક્સ-કિરણોના પ્રાયોગિક અભ્યાસમાં જોડાયા હતા. એક્સ-કિરણોના સ્ફટિકો દ્વારા થતાં પરાવર્તન માટે ભૌતિકવિજ્ઞાનમાં નીચેનું સમીકરણ ખૂબ જ જાણીતું છે : ηλ = 2d Sin θ જ્યાં n = 1, 2, 3, ….. પૂર્ણાંક અત્રે, l ઍક્સ-કિરણોની તરંગલંબાઈ છે. ‘d’ એ સ્ફટિક રચનાનું આંતરસમતલ (interplanar) અંતર છે, અને ‘q’ એ પરાવર્તન-કોણ છે. આ સમીકરણને ‘બ્રેગનું સમીકરણ’ અથવા ‘બ્રેગનો નિયમ’ કહે છે. આ શોધખોળ માટે પુત્ર અને પિતા બ્રેગને સંયુક્તપણે 1915નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. વિલિયમ લૉરેન્સ, રૉયલ સોસાયટી ઑવ્ લંડનના ફેલો બનવા ઉપરાંત અન્ય રીતે પણ ઘણું માનપાન પામ્યા હતા. તેમણે જાણીતી વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં જુદા જુદા તબક્કે કામગીરી બજાવી હતી. 1919માં માન્ચેસ્ટરમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક અને 1937માં નૅશનલ ફિઝિકલ લેબૉરેટરીના નિયામક બન્યા. તેમનો મુખ્ય અભ્યાસનો વિષય ઍક્સ-કિરણો અને સ્ફટિક-રચના અંગેનો રહ્યો હતો. એક્સ-કિરણ સ્ફટિક-રચનાશાસ્ત્ર(X-ray crystalography)ના તેઓ જનક ગણાય છે. આ ક્ષેત્રમાં તેમણે ખનિજ(mineral)–સ્ફટિકોનો વિશેષ અભ્યાસ કર્યો. વિશેષમાં તેમણે સિલિકેટ-ખનિજોની રચનામાં સંશોધનો કરીને તેનું વર્ગીકરણ કર્યું હતું. વળી તેમણે મિશ્ર ધાતુઓની જટિલ સંરચના, ડી. એન. એ. જેવા જૈવિક અણુ અને માયોગ્લોબિન તથા હીમોગ્લોબિન ઉપર સંશોધન કાર્ય કરેલું. તેમણે એ અંગે લેખો અને પુસ્તકો પણ લખ્યાં હતાં.

કમલનયન ન. જોશીપુરા