બ્રેઇલ, લૂઈ (જ. 4 જાન્યુઆરી 1809, કાઉપ્રે, ફ્રાન્સ; અ. 28 માર્ચ 1852) : અંધજનો માટે વાંચવા-લખવાની સ્પર્શ-પદ્ધતિની લિપિના ફ્રાન્સના અંધ શોધક. તેઓ તેમના પિતાના જીન બનાવવાના વર્કશૉપમાં રમતી વેળાએ મોચીકામનો સોયો આકસ્મિક રીતે પોતાની આંખોમાં પેસી જવાથી 3 વર્ષની નાની વયે જ તદ્દન અંધ બનેલા. તેમના પિતાએ તેમને 10 વર્ષની ઉંમરે પૅરિસની નાનાં અંધ બાળકો માટેની રાષ્ટ્રીય સંસ્થામાં દાખલ કરાવ્યા. તેમાંથી તેઓ સ્નાતક થયા અને એ જ સંસ્થામાં પ્રોફેસર નિમાયા (1826).
આ સંસ્થામાં ‘ક્રૉસ્ડ ટ્વિગ’ પદ્ધતિથી અંધ બાળકોને બારાખડી, શીખવવામાં આવતી હતી. પણ આ પદ્ધતિ વધુ લાભદાયી ન હોવાથી તેમણે અંધજનોના અંધકારમાં પ્રકાશ ફેલાવે તેવી પદ્ધતિ શોધી કાઢવા ઘણા પ્રયોગો કર્યા, છતાં તેમને જોઈએ તેવી સફળતા ન મળી.
એક રાત્રે ફ્રેન્ચ લશ્કરના કૅપ્ટને તેમને રાત્રિ-લખાણ વિશે વાત કરી. યુદ્ધમાં રાત્રે ભયજનક પ્રકાશ થાય ત્યારે એક મથક પરથી બીજા મથકે જાડા કાગળ પર ટપકાં ઉપસાવીને કરેલાં સંકેતચિહ્નો વડે સંદેશા પહોંચાડવામાં આવતા. બ્રેઇલે આના પર ઊંડો વિચાર કર્યો અને 1829માં સંકેતો ઉપસાવવા માર્ગદર્શક તરીકે વાપરવામાં આવતાં 6 ટપકાંવાળી સ્લેટની નવતર લિપિ શોધી કાઢી. તે લિપિ સમગ્ર વિશ્વમાં ‘બ્રેઇલ લિપિ’ તરીકે આજે પણ જાણીતી છે. તેના વડે અનેક અંધજનો લખતા-વાંચતા થયા છે.
આ લિપિમાં માત્ર 43 સંકેતચિહ્નો છે, જેમાં આખી બારાખડી તમામ સંયુક્ત સ્વરો અને ઉચ્ચાર-સંકેતોનો સમાવેશ થાય છે. પાયાનાં 10 ચિહ્નો બાકીનાં બીજાં બધાંનો આધાર બને છે. આ 10 ચિહ્નો બારાખડીના 10 અક્ષરો અને 1થી 10 – એમ દસ સંખ્યાના આંકડા દર્શાવે છે. પાયાના દરેક ચિહ્નની ડાબી બાજુ એક બિંદુ મૂકવાથી પછીના 10 અક્ષરોની બનેલી બીજી શ્રેણી તૈયાર થાય છે. એ રીતે પાયાના દરેક ચિહ્ન નીચે બે બિંદુઓ મૂકવાથી ત્રીજી શ્રેણી તૈયાર થાય છે. આશ્ચર્યજનક તો એ છે કે ર્દષ્ટિવાન કરતાં અંધજનો માટે આ પદ્ધતિથી સંગીતનું વાચન અને લખાણ સરળ બનાવાયું છે અને તેનો ઉપયોગ ગણિત તથા ઉચ્ચ ગણિત માટે પણ કરી શકાય છે.
જોકે જીવનપર્યંત તેમનો ઉપહાસ કરવામાં આવ્યો હતો અને તેમના મૃત્યુ પછી જ આ લિપિ અપનાવવામાં આવી. લગભગ બધી જ ભાષાઓમાં આ પદ્ધતિનું લિપ્યંતર કરવામાં આવ્યું છે અને હજારો-લાખો પ્રજ્ઞાચક્ષુઓ આ ટાંકીને ઉપસાવેલ અક્ષરો પર તેમનાં આંગળાનાં ટેરવાંના સ્પર્શમાત્રથી પુસ્તકોનાં પુસ્તકો વાંચી શકે છે. નવાઈની વાત તો એ છે કે બ્રેઇલને અંધ બનાવવામાં કારણભૂત સોયાના સાધનનો જ ઉપયોગ બ્રેઇલ લિપિ લખવા માટે થાય છે !
મહેશ ચોકસી
બળદેવભાઈ કનીજિયા