બ્રૅડલી, એન્ડ્રુ સેસિલ (જ. 26 માર્ચ 1851, ચૅલ્ટનહેમ, ગ્લૉસેસ્ટર-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 સપ્ટેમ્બર 1935, લંડન) : સાહિત્યના અને તેમાંયે શેક્સપિયરના નાટ્યસર્જનના અગ્રગણ્ય વિવેચક. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમીના પૂર્વાર્ધમાં તેમની વિવેચક તરીકે નામના. શિક્ષણ ઑક્સફર્ડમાં. યુનિવર્સિટી ઑવ્ લિવરપુલમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યના પ્રાધ્યાપક (1882–1890). યુનિવર્સિટી ઑવ્ ગ્લાસગૉ (1890–1900) અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘પોએટ્રી ચૅર’(1901–1906)ના પદ પર. તેમના વિશિષ્ટ વિવેચનગ્રંથ શેક્સપિરિયન ટ્રૅજેડી’(1904)માં હેમ્લેટ, મૅકબેથ, ઑથેલો અને કિંગ લિયર વગેરે કરુણાંતિકાઓનું પોતાની આગવી ષ્ટિએ ઊંડું અને વિશદ અર્થઘટન કર્યું છે. શેક્સપિયરનાં પાત્રોને જાણે સાખપાડોશી હોય તેવી રીતે એમણે ઓળખ્યાં છે. રસાળ ગદ્યમાં લખાયેલા આ ગ્રંથનું શેક્સપિયરવિષયક વિવેચન-સાહિત્યમાં આગવું સ્થાન છે. ફ્રોઇડિયન વિવેચકો અને શેક્સપિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર એક સમયે બ્રેડલીના વિવેચનનો પ્રબળ પ્રભાવ હતો. એમનાં અન્ય પ્રકાશનોમાં ‘ઑક્સફર્ડ લેક્ચર્સ ઑન પોએેટ્રી’ (1909) અને ‘અ મિસેલેની’ (1929) છે.
વિ. પ્ર. ત્રિવેદી