બ્રૅડમૅન, ડૉન (જ. 27 ઑગસ્ટ 1908, કૂટામુદ્રા, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 25 ફેબ્રુઆરી 2001, ઍડિલેડ) : ક્રિકેટની રમતમાં દંતકથારૂપ બનેલા ઑસ્ટ્રેલિયાના મહાન ટેસ્ટ-ક્રિકેટર અને સુકાની.

સર ડૉન બ્રૅડમૅનની મહાનતા અનન્ય હતી. તેમને અન્ય કોઈ ક્રિકેટરની સાથે સરખાવી શકાય તેમ નહોતા, પણ વિશ્વના બીજા ધુરંધર બૅટ્સમૅનોની સરખામણી ડૉન બ્રૅડમૅન સાથે અવશ્ય કરવામાં આવે છે.

તેમનું બૅટ મેદાન પર ગોલંદાજો સામે એવું તો વીંઝાતું કે એમાંથી રનનો વરસાદ વરસતો ! સિડનીથી 100 કિમી. દૂર આવેલા બ્લૅકહીથ ખાતે 3જી નવેમ્બર 1931ના રોજ બ્લૅકહીથ ઇન્વિટેશન ઇલેવન તરફથી લીથગો પૉટરી ઇલેવન સામે રમતાં ડૉન બ્રૅડમૅને આઠ દડાની ત્રણ ઓવર્સના 22 દડાઓમાં જ સદી ફટકારી હતી ! એથીયે વિશેષ 1930માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં લીડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં લગભગ 22 વર્ષની ઉંમર ધરાવતા ડૉન બ્રૅડમૅન સૌથી નાની વયે ત્રેવડી સદી નોંધાવનાર બન્યા. એમણે એક વખત એક જ દિવસની રમતમાં 309 રન નોંધાવ્યા હતા.

ડૉન બ્રૅડમૅન

ખેડૂત કુટુંબમાં જન્મેલા ડૉન બ્રૅડમૅને ગૉલ્ફના દડાથી ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું હતું. 1927માં ન્યૂ સાઉથવેલ્સ ક્લબ તરફથી વિક્ટોરિયા સામે રમીને તેમણે પ્રથમ કક્ષાની ક્રિકેટકારકિર્દીનો પ્રારંભ કર્યો હતો, અને નવેમ્બર 1928માં બ્રિસ્બેનમાં પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ-પદાર્પણ કર્યું હતું. ટેસ્ટપ્રવેશે તો બ્રૅડમૅન ઝળક્યા નહોતા, પરંતુ સિડની ખાતે ન્યૂ સાઉથવેલ્સ તરફથી  વિક્ટોરિયા સામેની 1928–29ની મૅચમાં બ્રૅડમૅને અણનમ 340 રન નોંધાવ્યા હતા.

1928–29થી 1947–48ના ગાળામાં ડૉન બ્રૅડમૅને ટેસ્ટ તથા પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 200 કે 300 ઉપરાંતના 37 જુમલા નોંધાવ્યા હતા, જેમાં 1929–30માં સિડનીમાં ન્યૂ સાઉથવેલ્સ તરફથી ક્વીન્સલૅન્ડ સામે તેમણે નોંધાવેલો અણનમ 452 રનનો જુમલો તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો હતો.

ડૉન બ્રૅડમૅને 52 ટેસ્ટમૅચોમાં 80 દિવસમાં 10 વાર અણનમ રહીને 29 સદી (સર્વોચ્ચ 334) સાથે કુલ 6,996 રન નોંધાવીને 99.94ની બૅટિંગ સરેરાશ પ્રાપ્ત કરી હતી. 14મી ઑગસ્ટ 1948ના રોજ ઓવલના મેદાન પર ડૉન બ્રૅડમૅન ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં પોતાની ઝળહળતી ટેસ્ટ-ક્રિકેટ-કારકિર્દીની અંતિમ અને 52મી ટેસ્ટ રમ્યા હતા. સ્ટેડિયમ પૂરેપૂરું ભરાઈ ગયું હતું. સૌકોઈને ખાતરી હતી કે ટેસ્ટ-ક્રિકેટમાં જંગી જુમલા ખડકનારા ડૉન બ્રૅડમૅન તેમની આખરી ટેસ્ટ પણ ગજવશે. ઇંગ્લૅન્ડના સુકાની યાર્ડલીએ બ્રૅડમૅન સામે હોલીસ નામના અનિયમિત ગોલંદાજને અજમાવ્યો અને તેના બીજા જ બૉલે ડૉન બ્રૅડમૅન ‘શૂન્ય’ રનના જુમલે ‘ક્લીન બોલ્ડ’ થઈ ગયા ! ડૉનને ટેસ્ટ-ક્રિકેટમાં 7,000 રન પૂરા કરવામાં માત્ર ચાર જ રન ખૂટતા હતા અને આ ચાર રન તેઓ નોંધાવી શક્યા હોત તો તેમની બૅટિંગ-સરેરાશ 100.00 થઈ ગઈ હોત !

પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ડૉન બ્રૅડમૅને 1927થી 1949ના ગાળામાં કુલ 338 દાવમાં 43 વાર અણનમ રહીને 117 સદીઓ (સર્વોચ્ચ 452 નૉ.આ.) સાથે કુલ 28,067 રન નોંધાવ્યા હતા. 29 ટેસ્ટ સદીઓમાં બે ત્રેવડી સદી, 10 બેવડી સદી અને 17 સદીઓ નોંધાવનારા ડૉન બ્રૅડમૅને 1930ના ઇંગ્લૅન્ડપ્રવાસમાં પાંચ ટેસ્ટ-મૅચોની શ્રેણીમાં એક ત્રેવડી સદી (334), બે બેવડી સદી (254 અને 232) તથા સદી (131) સાથે 139.14ની બૅટિંગ-સરેરાશથી શ્રેણીમાં કુલ 974 રન નોંધાવ્યા હતા.

1949માં તેમની ક્રિકેટ-ક્ષેત્રની અભૂતપૂર્વ સેવાઓને ધ્યાનમાં લઈ ઇંગ્લૅન્ડની રાણીએ તેમને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો અને 1979માં ઑસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ ખિતાબ ‘કંપનેયિન ઑવ્ ધી ઑર્ડર ઑવ્ ઑસ્ટ્રેલિયા’ એનાયત થયો. સફળ શેરદલાલ અને વેપારી હોવા ઉપરાંત તેઓ સફળ ક્રિકેટર તરીકે પણ યાદ રહેશે. ક્રિકેટની રમત પર એમનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ક્રિકેટ વિશે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બૉર્ડના ચેરમૅન તરીકે પણ ત્રણ વર્ષની બે મુદત સુધી કામગીરી બજાવેલી. 1997ની 27મી ઑગસ્ટે ઍડીલૅડમાં એમણે 90મો જન્મદિવસ ઊજવ્યો. ત્યારે જેની બૅટિંગના બ્રૅડમૅન પ્રશંસક છે તેવા સચિન તેંડુલકરને તેમણે ખાસ નિમંત્રણ આપ્યું હતું.

જગદીશ બિનીવાલે