બ્રૂનેઈ : અગ્નિ એશિયામાં બૉર્નિયોના ટાપુના ઉત્તરભાગમાં આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 4° 55´ ઉ. અ. અને 114° 55´ પૂ. રે.ની આસપાસ 5,765 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તે ઉત્તર અને વાયવ્ય તરફ દક્ષિણી ચીની સમુદ્રથી અને બાકીની બધી દિશાઓમાં સારાવાક(મલયેશિયા)થી ઘેરાયેલું છે. દેશનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે, અંતરિયાળ ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે તથા ઈશાન ભાગમાં આવેલા તેના પાટનગર બંદર સેરી બેગવાનને વીંધીને બ્રૂનેઇ નદી પસાર થાય છે.

આબોહવા : બ્રૂનેઇની આબોહવા ગરમ, ભેજવાળી, દરિયાઈ અયનવૃત્તીય છે. વર્ષ દરમિયાન કોઈ પણ ઋતુ સૂકી હોતી નથી, વધુ ભેજ અને ભારે વરસાદ બ્રૂનેઇની વિશિષ્ટતા છે. અહીંનું સરેરાશ માસિક તાપમાન 27° સે. (બંદર સેરી બેગવાન : જાન્યુઆરીનું 26.7° સે.; જુલાઈનું 27.8° સે.) રહે છે. કિનારા પર વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,500 મિમી. અને અંદરના ભૂમિભાગમાં 5,000 મિમી. જેટલું રહે છે, સરેરાશ વાર્ષિક વર્ષા પ્રમાણ 3,275 મિમી.નું ગણાય છે.

બ્રૂનેઈ

અર્થતંત્ર : દેશમાં ખેતી, માછીમારી, જંગલની પેદાશો તથા ઉદ્યોગોનું પ્રમાણ ઘણું ઓછું છે. ઉત્તર તરફ દૂરતટીય ખનિજતેલ અને વાયુના જથ્થા મળી આવવાથી દેશનું અર્થતંત્ર વિકસ્યું છે. તેલ, વાયુ અને તેની પેદાશોની મોટેભાગે નિકાસ થાય છે. ખનિજતેલ-ઉદ્યોગના ક્ષેત્રે દેશનો 10 % મજૂરવર્ગ નભે છે. દેશની તેલ-વાયુની વર્તમાન અંદાજી અનામત સંપત્તિ એકવીસમી સદીના પ્રથમ ચરણ સુધી જ ચાલી શકે તેમ હોઈ સરકાર ખાનગી ક્ષેત્રે નવા ધંધા તેમજ ખેતી વિકસે એવા પ્રયાસો કરે છે, જેથી હવે પછીની પેઢીને કામ મળી રહે.

બ્રૂનેઇના મુખ્ય વેપારી ભાગીદારો જાપાન, સિંગાપુર અને યુ.એસ. છે. ઇન્ડોનેશિયા, મલયેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપુર અને થાઇલૅન્ડથી બનેલા અગ્નિ એશિયાઈ રાષ્ટ્રોનું બ્રૂનેઇ સભ્યપદ પણ ધરાવે છે અને આ રાષ્ટ્રો સાથે તે વેપારથી સંકળાયેલું છે. દેશ માટે જરૂરી ચીજવસ્તુઓની આયાત તે સિંગાપુર (22 %), જાપાન (16 %) અને યુ.એસ.(14 %)માંથી કરે છે, જ્યારે 62 % જેટલી નિકાસ જાપાન ખાતે કરે છે. પ્રવાસન-ઉદ્યોગમાંથી પણ દેશને થોડીઘણી આવક થાય છે. આશરે 4 લાખથી વધુ પ્રવાસીઓ દર વર્ષે આ દેશની મુલાકાત લે છે.

વસ્તી–લોકો : દેશનું સત્તાવાર નામ બ્રૂનેઇ દરુ સલામ (અર્થ શાંતિ માટેનું નિવાસસ્થાન) છે. 1991 મુજબ બ્રૂનેઇની કુલ વસ્તી 2,60,482 હતી, જે 1993માં આશરે 2,76,300 જેટલી થવાનો અંદાજ હતો. શહેરી વસ્તી 70% અને ગ્રામીણ વસ્તી 30% મુજબની છે. વસ્તીવૃદ્ધિ દર 3.2% જ્યારે આયુ-દર 72 વર્ષ (પુરુષો) અને 76.6 વર્ષ (સ્ત્રીઓનો) છે. બ્રૂનેઇને કુલ ચાર જિલ્લાઓ(વિભાગો અથવા પ્રાંતો)માં વહેંચી નાખવામાં આવેલું છે : બ્રૂનેઇ-મુઆરા, બેલેત, તુતાંગ અને તેમ્બુરાંગ. બંદર સેરી બેગવાન દેશનું પાટનગર અને સૌથી મોટું શહેર (વસ્તી : 45,867; 1991) છે. અન્ય મુખ્ય નગરો સેરિયા (21,082) અને કુઆલા બેલેત (21,163) છે.

ધર્મ પ્રમાણેના જાતિસમૂહોમાં મલાયન મુસ્લિમો 67%; ચીની– મુખ્યત્વે ખ્રિસ્તી 10% અને બૌદ્ધો 13% છે. મોટાભાગના બ્રૂનેઇવાસીઓ અહીંની સત્તાવાર ભાષા મલાયન બોલે છે; આ ઉપરાંત અંગ્રેજી અને ચીની ભાષાઓનો પણ ઉપયોગ થાય છે.

મોટાભાગના શહેરી નિવાસીઓ પશ્ચિમી ઢબનો પોશાક પહેરે છે અને ઈંટ કે પથ્થરથી બાંધેલાં અદ્યતન ઘરો કે મકાનોમાં રહે છે. ગ્રામીણ લોકો ત્યાંનો સ્થાનિક પોશાક પહેરે છે અને ઘાસથી બનાવેલાં છાપરાંવાળાં લાકડાનાં ઘરોમાં રહે છે.

સામાન્ય રીતે અહીંના લોકોનું જીવનધોરણ ઊંચું છે, બેકારીનું પ્રમાણ ઘણું ઓછું છે. મોટાભાગના ધંધા ચીની લોકોના હસ્તક હોવા છતાં તેમને 10 %થી પણ ઓછા પ્રમાણમાં નાગરિકત્વ અપાયેલું છે.

શિક્ષણ : સરકાર તરફથી અપાતું તમામ સ્તરનું શિક્ષણ અને સ્વાસ્થ્યસેવાઓ અહીં નિ:શુલ્ક છે. ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ જતા કે મોકલાતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી પૂરેપૂરી સહાય મળે છે. 1993ના સર્વેક્ષણ મુજબ બ્રૂનેઇમાં 201 પૂર્વ-પ્રાથમિક શાળાઓ; 40,194 પ્રાથમિક શાળાઓ; 26,166 માધ્યમિક શાળાઓ; 7 તકનીકી અને ધંધા-રોજગારી માટેની કૉલેજો; 1 શિક્ષક-તાલીમી કૉલેજ; બ્રૂનેઇ-દરુસલામ યુનિવર્સિટી (1985) તથા 1 ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાની સુવિધા ઉપલબ્ધ છે.

સ્વાસ્થ્ય : બ્રૂનેઇમાં ઔષધીય તેમજ સ્વાસ્થ્યસેવાઓ નાગરિકો માટે નિ:શુલ્ક છે. દેશમાં ઉપલબ્ધ ન હોય એવી ઔષધીય તથા સ્વાસ્થ્ય અંગેની તાલીમ માટે સરકાર નાગરિકોને ખર્ચ આપીને પરદેશ મોકલે છે. આ ઉપરાંત દેશના અંદરના ભાગોમાં પણ હવાઈ સેવા મારફતે સ્વાસ્થ્ય-સુવિધા પૂરી પાડવામાં આવે છે. દેશમાં 10 હૉસ્પિટલો, 197 ડૉક્ટરો, 27 દંતચિકિત્સકો, 10 ઔષધવિદો, 254 દાયણો તથા 1228 પરિચારિકાઓ છે.

પરિવહન : આખા દેશમાં 2,443 કિમી.ના રસ્તાઓ પૈકી 1296 કિમી.ના પાકા માર્ગો છે. પાટનગર બંદર સેરી બેગવાન સેરિયા અને કુઆલા બેલેત સાથે ભૂમિમાર્ગોથી જોડાયેલું છે.

સંદેશાવ્યવહાર : અહીંનું એક દૈનિક સમાચારપત્ર અને 76,200 પ્રતોનો ફેલાવો ધરાવે છે. 17 જેટલી ટપાલકચેરીઓ છે. દેશેનાં મુખ્ય મથકો વચ્ચે ટેલિફોન, રેડિયો અને દૂરદર્શનની સગવડો છે.

વહીવટ : સુલતાન બ્રૂનેઇ સરકારના વડા ગણાય છે. સુલતાન તરીકે જેની વરણી થાય તે મૃત્યુપર્યંત એ દરજ્જો ભોગવે છે. 1967થી સર મુદા હસનાલ બોલ્કિઆહ અહીંના સુલતાન છે. તેઓ દેશના વડાપ્રધાન, નાણાંપ્રધાન અને ગૃહપ્રધાનની સેવાઓ પણ બજાવે છે. સુલતાનના કુટુંબના ઘણા સભ્યો ઉચ્ચ સરકારી હોદ્દાઓ ભોગવે છે. સરકારી વહીવટ ચલાવવામાં સુલતાને નિયુક્ત કરેલી કાયદાકીય તથા સલાહકાર સમિતિઓ મદદ કરે છે. આ દેશમાં હાલ નૅશનલ ડેમોક્રૅટિક પાર્ટી એકમાત્ર પક્ષ છે. સરળ વહીવટી સંચાલન માટે દેશને ચાર વહીવટી એકમોમાં વહેંચી નાખવામાં આવેલો છે. દરેક એકમને અલગ વહીવટી સમિતિ હોય છે, જેના સભ્યોની નિમણૂક સુલતાન કરે છે. સુપ્રીમ કૉર્ટ (સર્વોચ્ચ અદાલત) નાનીમોટી અદાલતો સાથે સંકળાયેલી રહે છે. તેમાં મુખ્ય ન્યાયાધીશ અને ઘણા કમિશનરો હોય છે. સૌની નિમણૂક પણ સુલતાન જ કરે છે.

ઇતિહાસ : ચીની લખાણોમાં બ્રૂનેઇનો ઉલ્લેખ વહેલામાં વહેલો સાતમી સદીનો હોવાનું જાણવા મળે છે. તે પછીથી બ્રૂનેઇ મહત્વનું વેપારી કેન્દ્ર બનેલું. બ્રૂનેઇનો સર્વપ્રથમ સુલતાન તેરમી સદીમાં સત્તા પર આવ્યો. બ્રૂનેઇની સલ્તનતનું એ અરસામાં આખાય બૉર્નિયો, સુલુ ટાપુઓ તથા ફિલિપાઇન્સ પર આધિપત્ય હતું. પંદરમી અને સોળમી સદી દરમિયાન બ્રૂનેઇ એક સમર્થ રાષ્ટ્ર ગણાતું હતું; પરંતુ સોળમી સદીના અંત વખતે તે ગ્રેટ બ્રિટન, સારાવાક અને બ્રિટિશ નૉર્થ બૉર્નિયો કંપનીને શરણે ગયું. સત્તરમી અને 18મી સદી દરમિયાન અગ્નિ એશિયા તરફ આવતાં યુરોપીય વહાણોને લૂંટતા ચાંચિયાઓને બ્રૂનેઇ સમર્થન આપતું રહેલું. 1847માં બ્રૂનેઇના સુલતાન અને યુ.કે. સાથે ચાંચિયાગીરી બંધ કરાવવા અને વેપારી સંબંધ વધારવા માટે સંધિ-કરાર થયા. આથી ભારત અને ચીન વચ્ચે જતાં-આવતાં વહાણોના રક્ષણ માટે ગ્રેટ બ્રિટને ઉત્તર બૉર્નિયો પર કબજો મેળવ્યો. આ સાથે બ્રૂનેઇએ પણ તેની કેટલીક ભૂમિ અને સત્તા ગુમાવ્યાં. 1888માં બ્રિટને બ્રૂનેઇને પોતાનું આરક્ષિત બનાવ્યું, જે 1984 સુધી આરક્ષિત રહ્યું. 1888 પછી બ્રૂનેઇ આજના તેના વિસ્તાર જેવડું નાનું બની રહ્યું.

1929માં અહીં દૂરતટીય તેલ-વાયુક્ષેત્રોની ખોજ થવાથી દેશના વિકાસને ઉત્તેજન મળતું ગયું. 1960–70 દરમિયાન રાજકીય અસ્થિરતા ઊભી થઈ, તેથી રાજકીય પક્ષોને વિલીન કરી દેવાની સુલતાનને ફરજ પડી. ત્યારથી આ દેશમાં એક જ પક્ષ માટેની અનુમતિ મળે છે. 1979ના જાન્યુઆરીની 7મીએ બ્રૂનેઇના સુલતાન અને યુ.કે. વચ્ચે સંધિ-કરાર પર હસ્તાક્ષર થયા. 1984ના જાન્યુઆરીની પહેલી તારીખથી બ્રૂનેઇ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. આજે તો તે સમૃદ્ધ હોવા છતાં તેની પાસેની તેલસંપત્તિ પૂરી થાય પછીની મુશ્કેલીઓ નિવારવા માટે તેણે અત્યારથી જ અન્ય આર્થિક પ્રવૃત્તિઓને વિકસાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

ગિરીશભાઈ પંડ્યા