બ્રૂગલ, પીટર (જ. 1525, સંભવત: બ્રેડા, નેધરલૅન્ડ્ઝ; અ. 1569, બ્રસેલ્સ, બેલ્જિયમ) : નેધરલૅન્ડ્ઝના ચિત્રકાર. રેમ્બ્રાં અને રુબેન્સની સાથે બ્રૂગલની ગણના નેધરલૅન્ડ્ઝના 3 મહાન ચિત્રકારોમાં થાય છે. નિસર્ગનું એક સ્વયંસંપૂર્ણ સ્વતંત્ર વિષય તરીકે ચિત્રમાં નિરૂપણ કરવાનો આરંભ કરનાર ચિત્રકારોમાં તેમની પણ ગણના થાય છે. આ ઉપરાંત રોજિંદી ક્ષુલ્લક ક્રિયાઓનાં અને ખેડૂત તથા ગ્રામજીવનનાં ચિત્રો કરવા માટે તેઓ ખાસ જાણીતા બન્યા હતા. ખેડૂત તથા ગ્રામજીવનનાં આ ચિત્રોમાં તેમણે માનવસ્વભાવની નબળાઈઓ પર વ્યંગ્યપૂર્ણ કટાક્ષ કર્યા છે.

બ્રૂગલના જીવનની ઘણી ઓછી વિગતો મળે છે. એવું મનાય છે કે પીટર કોયક ફાન ઇલ્સ્ટના બ્રૂગલ શિષ્ય હતા. હિરોનિમસ કૉક નામના પ્રકાશકે બ્રૂગલનાં ઘણાં ચિત્રોનું ઍન્ગ્રેવિંગ પદ્ધતિથી પ્રકાશન કર્યું હતું. 1552થી 1553 સુધી તેમણે ઇટાલીની યાત્રા કરી. તે દરમિયાન તેઓ સિસિલી ટાપુ પર પણ પહોંચ્યા. પાછા ફર્યા પછી થોડો સમય એન્ટ્વર્પ રહ્યા અને તે પછી તેઓ 1556માં બ્રસેલ્સમાં સ્થિર થયા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા. અહીં તેમણે પોતાના ગુરુ કોયકની પુત્રી સાથે લગ્ન કર્યું. તેમને 2 દીકરા થયા : પીટર ધ યન્ગર (1564–1638) તથા જાન બ્રૂગલ (1568–1625). બ્રૂગલે ચર્ચ કે જાહેર સ્થળો માટે નહિ પણ અંગત કલારસિક ખરીદદારો માટે ચિત્રો કર્યાં હતાં.

બ્રૂગલનાં ચિત્રો ધારદાર વ્યંગ્યને કારણે હિરૉનિમસ બૉશનાં ચિત્રો સાથે સામ્ય ધરાવે છે. ‘વેડિંગ પાર્ટી’ ચિત્રમાં ખેડૂત કુટુંબમાં લગ્નપ્રસંગે યોજેલ ભોજન-સમારંભનું ચિત્રણ છે. પણ આ વિષયના ઓઠા હેઠળ બ્રૂગલે માનવીમાં જન્મજાત પડેલી ખાઉધરાવૃત્તિ પર કટાક્ષ કર્યા છે. અકરાંતિયાની પેઠે ખાતા વયસ્કો અને પહોંચા સુધીની આંગળીઓ ચાટતાં બાળકો આ ચિત્રનો કેન્દ્રવર્તી વિષય છે. ચિત્ર ‘ટ્રાયમ્ફ ઑવ્ ડેથ’માં મૃત્યુ અને નરકની વરવી ભૂતાવળ તેમણે ચીતરી છે. દુકાળ, આગ, હાડપિંજર જેવાં ભૂતનાં ટોળાં અને વચ્ચે સબડતા કૃશકાય માનવોની રિબામણી એ ચિત્રનો વિષય છે.

ચિત્ર ‘નેધરલૅન્ડિશ પ્રૉવર્બ્સ’માં ડચ કહેવતોને બ્રૂગલે ચિત્ર દ્વારા નિરૂપી છે. ચિત્રો ‘સેવન ડેડ્લી સિન્સ’ અને ‘સેવન કાર્ડિનલ વર્ચ્યુઝ’માં બોશના જેવી ભયંકર માનવઆકૃતિઓ વડે બ્રૂગલે પોતાનો તરંગી મનોવ્યાપાર નિરૂપ્યો છે. ચિત્ર ‘ચિલ્ડ્રન્સ ગૅમ્સ’માં બાળકોનાં પાત્રો નિમિતે ઠિંગુ જેવા પુખ્ત માનવોની હેતુહીન–અર્થહીન પ્રવૃત્તિઓ અને ઘેલછાઓ ચીતરી છે. ચિત્ર ‘બિગ ફિશ ઇટ લિટલ ફિશ’માં દુનિયાનો મોટો માણસ નાના માણસનું કેવું શોષણ કરે છે તેનું માછલીના પ્રતીક વડે નિરૂપણ કર્યું છે. ચિત્ર ‘ટાવર ઑવ્ બૅબલ’માં ખ્રિસ્તી ધર્મકથામાં આવતા આ ભવ્ય મિનારાને બ્રૂગલે પોતાની કલ્પના વડે ચીતર્યો છે.

ચિત્ર ‘પ્રૉસેસન ઑવ્ કૅવલ્રી’માં ખૂંખાર ઘોડેસવારોના ટોળા હેઠલ ક્રૂસ ઊંચકેલા ખ્રિસ્તને ચગદાઈ જતા ચીતરી બ્રૂગલે પોતાનામાં રહેલ નિરાશા પ્રદર્શિત કરેલ છે.

આ બધા ઉપરાંત નિસર્ગચિત્રણમાં પણ બ્રૂગલનું કૌશલ ખીલી ઊઠે છે. ‘સિઝન્સ’ નામની ચિત્રમાળા આલેખી બ્રૂગલે દરેક ઋતુની આગવી ખાસિયતો પર ભાર મૂક્યો છે. તેમાં ઋતુએ ઋતુએ બદલાતી માનવ-પ્રવૃત્તિઓ અને માનવચિત્તના બદલાતા વ્યાપારોનું નિરૂપણ કરાયું છે.

આ બ્રૂગલની કલાનું શિરટોચ સમું ચિત્ર તો છે ‘ધ બ્લાઇન્ડ લીડિંગ ધ બ્લાઇન્ડ’ છે. અહીં 6 અંધ-પુરુષ એકબીજાને હારબંધ દોરે છે. તેમાં પહેલો પુરુષ એક ઊંડી ખાઈમાં પડી રહ્યો છે તે ક્ષણનું નિરૂપણ થયેલું છે. જીવન પ્રત્યેના બ્રૂગેલના નૈરાશ્યપૂર્ણ અભિગમનું આ ચિત્ર દ્યોતક છે : ‘આંધળો જો આંધળાને દોરશે તો તો બંને ખાઈમાં પડશે.’

અમિતાભ મડિયા