બ્રુટસ, માર્ક્સ જુનિયસ (જ. આ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42, ફિલિપી નજીક, મૅસેડૉનિયા) : રોમન રાજકારણી. રોમના આપખુદ સત્તાધીશ જુલિયસ સીઝરના મુખ્ય ખૂની તરીકે તેઓ બહુ પંકાયા છે. તેમની માતા સર્વિલિયા કૅટો(યંગર)નાં સાવકી બહેન થતાં હતાં તથા સીઝરનાં જાણીતા પ્રેયસી હતાં. પાછળથી બ્રુટસને ક્વિન્ટસ સર્વિલિયસ કેપિયોએ દત્તક લીધા હતા તેથી બ્રુટસે ‘ક્વિન્ટસ કેપિયો બ્રુટસ’ નામ ધારણ કર્યું હતું. ઈ. પૂ. 50માં બ્રુટસ કૅટોની સાથે સાયપ્રસ ગયા અને ઈ. પૂ. 53 દરમિયાન ત્યાં નામાંકિત ઍપિયસ ક્લૉડિયસ પુલચરની સેવામાં રહ્યા.
ઈ. પૂ. 49માં પૉમ્પીનાં દળો તથા સીઝર વચ્ચે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો ત્યારે બ્રુટસે પૉમ્પી(ધ ગ્રૅટ)ને ટેકો આપ્યો, પરંતુ પૉમ્પીની હાર થયા પછી સીઝરે બ્રુટસને માફી આપી તેમના પ્રત્યે સદભાવ દાખવ્યો. તેમને ઈ. પૂ. 46માં સિસલપાઇન ગૉલના ગવર્નર અને ઈ. પૂ. 44માં પ્રેટર (આજના મૅજિસ્ટ્રેટના સમકક્ષ) બનાવાયા. આમ છતાં તેઓ સીઝર વિરુદ્ધના ષડ્યંત્રમાં સામેલ થયા. સીઝરની હત્યા પછીના બનાવોથી નારાજ-નિરાશ થયેલા બ્રુટસ, માર્ક ઍન્ટની તથા ઑક્ટેવિયન(પાછળથી સમ્રાટ ઑગસ્ટસ)નો ફિલિપી આગળ સામનો કરવા કાયસ કૅસિયસ લાજા ઈનસનાં દળો સાથે જોડાયા; ત્યાં બ્રુટસની હાર થઈ અને તેમણે નવેમ્બર 42(ઈ. પૂ.)માં આત્મહત્યા કરી.
તત્વદર્શનનું તેઓ સાચું અને તાત્વિક ગુણદર્શન કરી શકતા હતા. સીમિત અર્થમાં તેઓ ઍરિસ્ટોક્રૅટિક રિપબ્લિકન પરંપરાના સંનિષ્ઠ ભક્ત હતા. સીઝર સિવાય બીજા કોઈની પણ હત્યા કરવાનો તેમણે શુદ્ધબુદ્ધિથી વિરોધ કર્યો હતો; વિશેષ હિંસા કર્યા વિના જ પ્રજાસત્તાકની પુન:સ્થાપના કરવાની તેઓ આશા અને શ્રદ્ધા ધરાવતા હતા; પણ કમનસીબે તેઓ સાચી પરિસ્થિતિનો તાગ મેળવવામાં નિષ્ફળ નીવડ્યા.
મહેશ ચોકસી