બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ

January, 2001

બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ (જ. 9 એપ્રિલ 1806, પૉર્ટસ્મથ, હૅમ્પશાયર, લંડન; અ. 15 સપ્ટેમ્બર 1859, વેસ્ટમિન્સ્ટર, લંડન) : ઉચ્ચ કક્ષાના બ્રિટિશ સિવિલ અને મિકૅનિકલ ઇજનેર. તેમણે સૌપ્રથમ ટ્રાન્સલાન્ટિક સ્ટીમરની ડિઝાઇન કરી હતી.

સૌપ્રથમ ટેમ્સ ટનલના કામ પર એન્જિનિયર તરીકે શરૂઆત કરી. તેમણે તૈયાર કરેલ એવન ગોર્જે (Avon Gorge) પર બાંધવાના ઝૂલતા પુલ(suspension bridge)ની ડિઝાઇન સ્કૉટિશ ઇજનેર થૉમસ ટેલફોર્ડે રજૂ કરેલ ડિઝાઇનની સરખામણીમાં વધુ સારી લાગતાં પસંદ થઈ. બ્રિસ્ટૉલ ડૉક્સમાં એન્જિનિયર તરીકે કેટલાંક મહત્ત્વનાં કાર્યો કર્યાં. 1831માં મૉન્કરમાઉથના વહાણવાડા(dock)ની ડિઝાઇન કરી. ત્યારબાદ તેવા જ પ્રકારનાં કામો બ્રેન્ટફોર્ડ, બ્રિટન ફેરી, મિલ્ફોર્ડ હેવન અને પ્લીમથમાં કર્યાં. 1833માં ગ્રેટ વેસ્ટર્ન રેલવેના મુખ્ય ઇજનેર તરીકે નિમણૂક થઈ. તેમણે રેલવેમાં બ્રૉડગેજ ટ્રૅકની શરૂઆત કરી, જેને લીધે રેલગાડીની ઝડપ વધી તેમજ તેને લીધે તેનો વિકાસ પણ થયો. પશ્ચિમ ભાગ, મિડલેન્ડ્ઝ, સાઉથ વેલ્સ અને આયર્લેન્ડમાં થઈને કુલ 1,600 કિમી.ની લંબાઈની રેલવે-લાઇનનું નિર્માણ કર્યું. ઇટાલી, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં પણ રેલવેના કાર્યમાં સલાહકાર તરીકે તેમનું યોગદાન રહ્યું છે. બૉક્સ ટનલ, મેઇડનહેડ બ્રિજ અને ચેપ્સટો તેમજ સલ્તાશના પુલોનું તેમનું કામ નમૂનારૂપ ગણાયું છે. ખાસ કરીને મેઇડનહેડ પુલમાં ઈંટોથી બાંધેલી ચપટા આકારની લાંબી કમાનો (arches) જે તે પ્રકારની વિશ્વની સૌપ્રથમ કમાનો હતી. નદીમાં પાણી નીચે પુલોના પાયા માટે કૂવાઓ (caisons) તૈયાર કરવામાં દબાણયુક્ત હવાનો પણ તેમણે સૌપ્રથમ ઉપયોગ કર્યો. આ કારણે કાર્ય-ઝડપ ખૂબ વધી.

તેમણે બાંધેલ ત્રણ મોટાં જહાજો – ‘ગ્રેટ વેસ્ટર્ન’ (1837), ‘ગ્રેટ બ્રિટન’ (1843) અને ‘ગ્રેટ ઈસ્ટર્ન’ (1858) એ મરીન-એન્જિનિયરિંગમાંનું તેમનું બહું મોટું પ્રદાન લેખાય છે. આ ત્રણેય જહાજો તે સમયે તે પ્રકારનાં વિશ્વનાં સૌથી મોટાં જહાજો હતાં. રેલવે, પુલો અને જહાજો ઉપરાંત તેમણે બાર્જમાં તરતી તોપ(floating armoured barge)ની રચના કરી. જે 1854ના ક્રિમિયન યુદ્ધ(Crimean War)માં ક્રૉન્સ્ટર્ટ (Kronstart) પરના હુમલામાં વાપરવામાં આવી હતી. છેલ્લે 1855માં પૂર્વરચિત (prefabricated) હૉસ્પિટલના મકાનની રચના કરી, જે છૂટક ભાગોમાં ક્રિમિયા (Crimea) મોકલાવવામાં આવી હતી.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ