બ્રિગ્સ, બૅરી (જ. 1934, ન્યૂઝીલૅન્ડ) : મોટરસાઇકલના અતિઝડપી ચાલક-સવાર (rider). 1954થી 1970 દરમિયાન તેઓ સતત 17 વાર વિશ્વ-ચૅમ્પિયનશિપની અંતિમ સ્પર્ધા (final) સુધી પહોંચી શક્યા. આ એક પ્રકારનો વિશ્વવિક્રમ લેખાય છે. એ દરમિયાન તેમણે જે 201 પૉઇન્ટ નોંધાવ્યા તે પણ એક વિશ્વવિક્રમ લેખાય છે. તેમણે કુલ 87 વાર રેસ-સ્પર્ધામાં ભાગ લીધો અને 1957 –1958, 1964 અને 1966માં સ્પર્ધાના પદકના તેઓ વિજેતા નીવડ્યા હતા. 1968થી 1970 દરમિયાન, બ્રિટિશ લીગ રાઇડર્સ ચૅમ્પિયનશિપના તેઓ 6 વાર વિજેતા બનેલા. 1976માં તેઓ નિવૃત્ત થયા અને મોટરસાઇકલના વેપારનો વ્યવસાય અપનાવ્યો. લૉસ ઍન્જિલસ ખાતેની 1982ની વિશ્વકક્ષાની ચૅમ્પિયનશિપના તેઓ સહ-પ્રયોજક હતા.

મહેશ ચોકસી