બ્રાહ્મણી (નદી) – (1) : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની નદી. તે ચોટીલા તાલુકાની ટેકરીઓમાંથી નીકળી મૂળી તાલુકાની પશ્ચિમ સરહદે વહે છે. ત્યારબાદ તે હળવદ તાલુકામાં પ્રવેશે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેની લંબાઈ 65.6 કિમી. છે અને કચ્છના નાના રણમાં તે સમાઈ જાય છે. આ નદી જિલ્લાના દક્ષિણ ભાગમાંથી નીકળી ઉત્તર તરફ વહે છે. આ જિલ્લાના હળવદ તાલુકામાં ખેરડી, સુંદરી, પાલાસણ, પંડાતીર્થ, સુસવાવ, રાયસંગપુર, મયૂરનગર, ચાડઘરા, મિયાણી, ટીકર, માનગઢ અને અજિતગઢ તેના કાંઠા પરનાં ગામો છે. આ નદી ઉપરવાસમાં બલાણ અને હેઠવાસમાં બંભાણ તરીકે પણ ઓળખાય છે.

હળવદ તાલુકાના ગોવાસણ નજીક, હળવદથી 15 કિમી. દૂર બ્રાહ્મણી નદી ઉપર 2,652 મીટર લાંબો માટીનો બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધનો સ્રાવ-વિસ્તાર 200 ચોકિમી. જેટલો છે. અહીં સરેરાશ 405 મિમી. જેટલો વરસાદ પડે છે. આ બંધ 7,497 ઘનમીટર પાણી સંગ્રહી શકે છે. તેમાંથી નીકળતી મુખ્ય નહેર 56 કિમી. લાંબી છે. આ બંધ બાંધવાની શરૂઆત 1949માં થઈ હતી અને તે 1954માં પૂર્ણ થયો હતો. નદીના પટથી બંધની ઊંચાઈ 19 મીટર જેટલી છે, બંધનો તળિયાનો ભાગ 116 મીટર, જ્યારે ટોચનો ભાગ 5 મીટર પહોળો છે. તેની જમણી અને ડાબી બાજુએ વધારાના પાણીના નિકાલ માટે બે પાળા ‘વેસ્ટ વિયર’ છે. બંધ દ્વારા 10,127 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી શકે છે. પાણીના આવરા પ્રમાણે સિંચાઈ નીચેની જમીનના પ્રમાણમાં વધઘટ થાય છે.

બ્રાહ્મણી (નદી) – (2) : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં આવેલી નદી. તે દક્ષિણ બિહાર રાજ્યમાં શંખ અને દક્ષિણ કોયેલ નદીઓનો સંગમ થવાથી ઉદભવે છે. આ નદી કુલ 480 કિમી.ની લંબાઈમાં વહે છે. તે બોનાઈગઢ અને તાલ્ચીરના અગ્નિ તેમજ દક્ષિણ ભાગમાં થઈને પસાર થાય છે. ત્યાંથી તે પશ્ચિમ તરફ ફંટાઈને મહાનદીની ઉત્તર તરફની શાખાને મળે છે. છેવટે પાલમિરાસ નજીક બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા