બ્રાહ્મણસાહિત્ય : વૈદિક સાહિત્યનો એક મહત્વનો વિભાગ. વૈદિક સાહિત્યમાં બે વિભાગો છે : (1) મંત્રો અને (2) બ્રાહ્મણો. મંત્રોમાં વેદના ઋષિઓએ કરેલી સ્તુતિઓનો સંગ્રહ છે, જેને સંહિતાઓ કહેવામાં આવે છે; જ્યારે બ્રાહ્મણોમાં એ મંત્રોનો કર્મકાંડમાં ઉપયોગ અને સમજૂતીનો સમાવેશ થાય છે. એ પછી બ્રાહ્મણગ્રંથના અંતિમ બે પેટાવિભાગો કે જેને જ્ઞાનકાંડ કહે છે તેનો સમાવેશ પણ બ્રાહ્મણ ગ્રંથોમાં જ થાય છે; છતાં તે બંને વિભાગો વેદોનો સાર ગણાય છે. એમાં જે અરણ્યમાં રહીને જગતમાં જીવન જીવવાના માર્ગદર્શક સિદ્ધાન્તો ઋષિઓને ધ્યાનમાં આવ્યા તેનો સંગ્રહ કરતા બ્રાહ્મણગ્રંથનો ભાગ આરણ્યકસાહિત્યના નામે ઓળખાય છે; જ્યારે પરલોકના જીવન વિશે, જગતના પ્રારંભિક તત્વ બ્રહ્મ કે પરમાત્મા, આત્મા, જીવ, દેહ વગેરે વિશે જે રહસ્યોનું જ્ઞાન ઋષિઓને લાધ્યું તેનો સંગ્રહ કરતા બ્રાહ્મણગ્રંથનાં અંતિમ ભાગનો ‘ઉપનિષત્-સાહિત્ય’ કે વેદનો અંતિમ ભાગ હોવાથી ‘વેદાંતસાહિત્ય’ના નામે ઓળખાય છે. આમ બ્રાહ્મણસાહિત્યના ત્રણ વિભાગો હોવા છતાં મુખ્યત્વે બ્રાહ્મણગ્રંથો એટલે કર્મકાંડવિષયક ગ્રંથો એવી સમજ પ્રવર્તે છે; એનું કારણ એ છે કે આરણ્યકસાહિત્ય અને ઉપનિષત્-સાહિત્ય એ બંનેનો જ્ઞાનકાંડમાં સમાવેશ થાય છે અને તે બંને સાહિત્યો કદમાં નાનાં છે. બ્રાહ્મણસાહિત્યમાં કર્મકાંડનો વિભાગ સૌથી મોટો છે. બ્રાહ્મણસાહિત્યનો મોટો ભાગ યજ્ઞની આધિભૌતિક અને આધ્યાત્મિક મીમાંસા કરે છે. વેદકાળમાં યજ્ઞને ધર્મ, સમાજ અને રાજ્ય ત્રણેયનું કેન્દ્રબિંદુ ગણવામાં આવતો હોવાથી યજ્ઞ વિશે ઘણી ઝીણવટભરી માહિતી બ્રાહ્મણસાહિત્યમાં મળે છે.

બ્રાહ્મણસાહિત્યના રચનાકાળ વિશે જુદા જુદા મતો પ્રચલિત છે. લોકમાન્ય બાળગંગાધર ટિળકના મતે એ રચનાકાળ ઈ. પૂ. 2000ની આસપાસનો છે. પરદેશી વિદ્વાનો ઈ. પૂ. 200 કે ઈ. પૂ. 1200ની આસપાસનો માને છે. ભારતીય વિદ્વાનો એ રચનાકાળ ઈ. પૂ. 2000થી પણ વધુ પ્રાચીન હોવાનું માને છે.

રાજશેખરના મતે બ્રાહ્મણ ગ્રંથોમાં વેદના મંત્રોના (1) સ્તુતિ, (2) નિંદા, (3) વ્યાખ્યાન અને (4) વિનિયોગ – આ ચાર વિષયો રજૂ થયા છે. ભટ્ટ ભાસ્કરના મત મુજબ બ્રાહ્મણગ્રંથોમાં યજ્ઞની વિધિઓ અને એ વિધિમાં વપરાતા મંત્રોની સમજ આપવામાં આવી છે. મીમાંસાસૂત્રો પર શબર સ્વામીએ લખેલા શાબરભાષ્યમાં 2/1/8 સૂત્ર પરના ભાષ્યમાં બ્રાહ્મણસાહિત્યના (1) હેતુ, (2) વ્યુત્પત્તિ, (3) નિષિદ્ધનિંદા, (4) કર્તવ્યસ્તુતિ, (5) સંશય, (6) વિધિ, (7) અન્યકર્તૃક કર્મનું પ્રતિપાદન, (8) ભૂતકાળની કથા, (9) નિશ્ર્ચય અને (10) ઉપમાન – એ દસ વિષયો ગણાવ્યા છે. તેમાં હેતુ એટલે યજ્ઞયાગ કરવાના કારણ કે તેના નિમિત્તની વાત કરવી. વ્યુત્પત્તિ એટલે નિરુક્તિ અર્થાત્ મંત્રમાં આવતા શબ્દોની વ્યુત્પત્તિ આપવી. યજ્ઞમાં જે બાબતોનો નિષેધ કર્યો હોય તેની નિંદા કરવી. યજ્ઞમાં જે બાબત કરવાની કહી હોય તેની પ્રશંસા કરવી. આ અને નિષિદ્ધનિંદા તથા કર્તવ્યસ્તુતિ – એ બંનેને ‘અર્થવાદ’ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. તદુપરાંત, અર્થવાદમાં યજ્ઞ કરવાથી મળતાં ફળોની વખાણભરી વાત પણ કરવામાં આવે છે. યજ્ઞની બાબત વિશે શંકાની વાત સંશયમાં રજૂ થાય છે. યજ્ઞમાં કરવામાં આવતી ક્રિયાઓ એટલે વિધિઓ એ બ્રાહ્મણસાહિત્યનો પ્રધાન મુદ્દો છે. શ્રૌત યજ્ઞમાં કઈ ઇષ્ટિઓ કેવી રીતે કરવી, દરેક ઇષ્ટિમાં નાનામાં નાની ક્રિયાઓ કઈ છે અને કેવી રીતે કરવાની છે – એ પ્રત્યેક ક્રિયા વખતે  કયો મંત્ર વાપરવો એ વિશે વિસ્તારથી રજૂઆત કરવામાં આવી છે. જેમાં યજ્ઞનું અને યજ્ઞની ક્રિયાનું વિધાન કરવામાં આવે તેને વિધિવાક્ય કહે છે. જેમાં યજ્ઞમાં કોઈ ક્રિયા કરવાનો નિષેધ કરવામાં આવ્યો હોય તેને નિષેધવાક્ય કહે છે. એને જ નિયમવિધિ પણ કહે છે. જે વાક્યમાં ચોક્કસ વસ્તુને બાકાત રાખવામાં આવે તેને પરિસંખ્યાવાક્ય કે પરિસંખ્યાવિધિ કહે છે. એવી રીતે યજ્ઞમાં બીજાએ કરવાનાં કર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. યજ્ઞમાં કરવામાં આવતા વિધિવિધાનનું સમર્થન કરનારી ભૂતકાળની વાર્તાને આખ્યાન કહેવામાં આવે છે. નિશ્ર્ચય અને ઉપમાન એટલે ચોક્કસ વસ્તુઓની બાબતમાં સરખામણી અથવા યજ્ઞ વિશે નિર્ણય કે તત્ત્વજ્ઞાન કે રહસ્યભરી ગંભીર વાત.

બ્રાહ્મણગ્રંથોમાં શ્રૌત યજ્ઞોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં અગ્નિહોત્રી જ યજ્ઞનો અધિકારી છે. વેદના અધ્યયનનું ફળ અગ્નિહોત્ર છે. આથી વેદજ્ઞાની માણસ અગ્નિહોત્ર રાખે અને ચોક્કસ સમય સુધી સતત ચાલુ રાખેલા અગ્નિમાં સવાર, બપોર અને સાંજ ત્રણેય સમય હોમ કરે, અમાસ અને પૂનમને દિવસે દર્શપૂર્ણમાસ ઇષ્ટિ કરે. એ રીતે ચોક્કસ વર્ષો સુધી અગ્નિહોત્ર રાખે અને એ પછી તે શ્રૌત યજ્ઞ કરી શકે. બ્રાહ્મણગ્રંથોમાં યજ્ઞના ત્રણ મુખ્ય પ્રકારો કહ્યા છે. દરરોજ કરવાના યજ્ઞો અર્થાત્ પ્રાત:, મધ્યાહ્ન અને સાયં સમયે કરવાના હોમ વગેરે નિત્યયજ્ઞો કહેેવાય છે; જ્યારે સોમ, રાજસૂય વગેરે ચોક્કસ નિમિત્ત આવતાં કરવામાં આવતા યજ્ઞોને નૈમિત્તિક યજ્ઞો કહે છે. ત્રીજો પ્રકાર કામ્ય યજ્ઞોનો છે; જે જ્યોતિષ્ટોમ વગેરે ચોક્કસ ફળ મેળવવાની ઇચ્છાથી કરવામાં આવે છે. આ બધી જાતના યજ્ઞોને બ્રાહ્મણગ્રંથોમાં વર્ણવવામાં આવ્યા છે. એમાં કેટલાક યજ્ઞો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણો માટે હોય છે; જ્યારે રાજસૂય જેવા યજ્ઞ ફક્ત ક્ષત્રિય જેવા એકાદ વર્ણને માટે હોય છે.

બ્રાહ્મણગ્રંથોમાં ઐતિહાસિક અને અનૈતિહાસિક – બધી જાતનાં આખ્યાનો જોવા મળે છે. બ્રાહ્મણગ્રંથો મુજબ યજ્ઞમાં ચારેય વર્ણોની સહાય જરૂરી છે. સ્ત્રીઓને પણ યજ્ઞકાર્યમાં અધિકાર આપવામાં આવ્યો છે. તૈત્તિરીય બ્રાહ્મણ તો સ્ત્રી વિના કરવામાં આવેલો યજ્ઞ, યજ્ઞ જ નથી એમ કહે છે. બ્રાહ્મણગ્રંથોમાં ધર્મ, સમાજ અને રાજ્યનું કેન્દ્રબિંદુ યજ્ઞને ગણ્યો છે; તેથી તત્કાલીન ધર્મ, સમાજ અને રાજ્ય વિશે ઘણી માહિતી બ્રાહ્મણગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણગ્રંથો એકપત્નીત્વ પર ભાર મૂકે છે. ફક્ત રાજા માટે જ અનેકપત્નીત્વની ભલામણ બ્રાહ્મણગ્રંથોએ કરી છે. તદુપરાંત, ભાષાશાસ્ત્ર, વ્યાકરણ, જ્યોતિષ, ઇતિહાસ, પુરાકથા, મીમાંસા, વૈદ્યક, ગણિત, રસાયણ, ખેતી, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રના પ્રાથમિક સ્વરૂપની માહિતી બ્રાહ્મણગ્રંથો આપે છે. એ જમાનાના લોકોની રહેણીકરણી, વેશભૂષા, આહાર વગેરે અનેક બાબતોની માહિતી બ્રાહ્મણગ્રંથો આપે છે. યજ્ઞમાં બ્રાહ્મણોને એકબીજાને ધાર્મિક ઉખાણાં કે કોયડાઓ પૂછવામાં આવતાં તે બ્રહ્મૌદ્ય પણ બ્રાહ્મણગ્રંથોમાં રજૂ થયાં છે. સંક્ષેપમાં, બ્રાહ્મણગ્રંથોમાં વિવિધ વિષયની માહિતી રજૂ થઈ છે એ સ્પષ્ટ છે.

વેદકાળમાં રચાયેલા અનેક બ્રાહ્મણગ્રંથોમાંથી આપણને હાલ પ્રાપ્ત થતા બ્રાહ્મણગ્રંથો ફક્ત 14 છે. એમાં ઋગ્વેદનાં ઐતરેય અને શાંખાયન બ્રાહ્મણો, શુક્લ યજુર્વેદનો શતપથબ્રાહ્મણ અને કૃષ્ણ યજુર્વેદનો  તૈત્તિરીય બ્રાહ્મણગ્રંથ, અથર્વવેદનો ગોપથબ્રાહ્મણ અને સામવેદના (1) તાંડ્યમહાબ્રાહ્મણ, (2) ષડ્વિંશબ્રાહ્મણ, (3) દૈવતબ્રાહ્મણ, (4) આર્ષેય બ્રાહ્મણ, (5) જૈમિનીય બ્રાહ્મણ, (6) સામવિધાનબ્રાહ્મણ, (7) સંહિતોપનિષદબ્રાહ્મણ, (8) તલવકારબ્રાહ્મણ અને (9) વંશબ્રાહ્મણનો સમાવેશ થાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી