બ્રાહે, ટાયકો (જ. 14 ડિસેમ્બર 1546, નુડસ્ટ્રુપ, દક્ષિણ સ્વીડન; અ. 24 ઑક્ટોબર 1601, પ્રાગ) : ડેન્માર્કનો ખગોળશાસ્ત્રી. મહત્વનાં તારાપત્રકો બનાવનાર; દૂરબીન શોધાયા પહેલાંનો મહાન આકાશ-નિરીક્ષક. અત્યંત ચોકસાઈથી તારાઓનાં સ્થાન નિર્ધારિત કરનાર અને ગ્રહોની ગતિ માપનાર એક અસાધારણ વેધકાર.

ટાયકો ડેન્માર્કના ઉમરાવ કુટુંબનું સંતાન હતો. તેના પિતાનું નામ ઑટો બ્રાહે (Otto Brahe) અને માતાનું નામ બીટી બિલી (Beatte Bille) હતું. તેના પિતા હેલસિંગબૉર્ગના ગવર્નર હતા. તેને બાર ભાઈબહેનો હતાં. ટાયકો તેના માતા-પિતાનું બીજું સંતાન હતો અને પુત્રોમાં પ્રથમ હતો. તેનો જન્મ જોડિયા બાળક રૂપે થયો હોવાનું માનવામાં આવે છે. દાદા કજિયાખોર, વાતવાતમાં મિજાજ ગુમાવે તેવા અને ધનના લાલચી હતા. નામ સાથે તેના દાદાના આ બધા દુર્ગુણો પણ ટાયકોમાં ઊતરી આવ્યા હતા. ટાયકોને પ્રભાવશાળી બોલવા-લખવાની કળા(વાક્પટુતા)માં એટલે કે વક્તૃત્વશાસ્ત્ર(rhetorics)માં પારંગત થવા અને તત્વજ્ઞાનના વધુ અભ્યાસ માટે 1559માં કૉપનહેગન યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યો. અહીં તે 1562 સુધી રહ્યો અને તેણે વક્તૃત્વશાસ્ત્ર તથા તત્વજ્ઞાન ઉપરાંત, નીતિશાસ્ત્ર (ethics), સંગીત, પ્રાકૃતિક વિજ્ઞાનો (natural sciences) અને ગણિત જેવા વિષયોનું પણ શિક્ષણ લીધું; પરંતુ અહીંના અભ્યાસકાળ દરમિયાન, ટાયકો જ્યારે ચૌદેક વર્ષનો હતો ત્યારે, 21 ઑગસ્ટ 1560ના રોજ સૂર્યગ્રહણ જોયું અને ત્યારે ખગોળવિદોએ કરેલી તેની સચોટ આગાહીથી એ એટલો બધો પ્રભાવિત થયેલો કે તેણે પોતાનું સમગ્ર જીવન ગણિત અને ખગોળના અભ્યાસ પાછળ ગાળવાનું નક્કી કર્યું. વળી ફ્રાન્સિસ્ક નામના તેના પ્રાધ્યાપક પાસેથી પણ આકાશી નિરીક્ષણની તેને પ્રેરણા મળી. એ કાળે મુદ્રિત રૂપમાં ખગોળ ઉપરનો એકમાત્ર ઉપલબ્ધ ટૉલેમીનો ‘અલ્માજેસ્ટ’ નામનો ગ્રંથ પણ તેણે ખરીદીને વાંચ્યો. આમ નાનપણથી જ ટાયકો એક મહાન ખગોળવિજ્ઞાની બનવાનાં સ્વપ્નાં સેવતો થયો હતો.

આકૃતિ 1 : ટાયકોની વીન ખાતેની મુખ્ય વેધશાળા યુરાનિબૉર્ગ

લાઇપ્ઝિગ યુનિવર્સિટીના વસવાટ દરમિયાન 17 ઑગસ્ટ 1563ના રોજ ટાયકોએ એક આકાશી ઘટના નિહાળી, જે ટાયકોની કારકિર્દી ઘડવામાં નિર્ણાયક બની. આ ઘટના તે ગુરુ-શનિની યુતિ. તે કાળે ટાયકોની વય સત્તર વર્ષની હતી. આ યુતિનું નિરીક્ષણ કરતાં ટાયકોને માલૂમ પડ્યું કે ગ્રહોનાં સ્થાન સૂચવતી જે સારણીઓ તે કાળે ઉપલબ્ધ હતી તેમાં કરેલી આ ઘટનાની આગાહી અને એના પ્રત્યક્ષ દર્શન વચ્ચે કોઈ મેળ ન હતો. મતલબ કે તેમાં કલાક કે એકાદ દિવસનો નહિ, બલકે અઠવાડિયાથી તે મહિના સુધીનો ફેર આવતો હતો. ટાયકોને સમજાયું કે આકાશી પિંડોનાં અને એમાંય ખાસ તો ગ્રહોની ગતિ અને તેમનાં સ્થાન નિર્ધારિત કરવાનું ક્ષેત્ર હજુ વણખેડાયેલું છે. વળી એ અઘરું પણ છે. આથી તેણે આ ક્ષેત્રને પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. ટાયકોનો આ નિર્ધાર બહુ યોગ્ય હતો અને પાછળથી ખગોળશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનો બનવાનો હતો.

આ પછી ટાયકોએ અભ્યાસાર્થે યુરોપની, ખાસ કરીને ઉત્તર યુરોપની મુસાફરી કરી. 1565થી 1570 દરમિયાન વિટનબર્ગ, રૉસ્ટૉક, આઉસબર્ગ, બેસ્લે વગેરેમાં અભ્યાસ કર્યો. અહીંના ખગોળવિદો, ખગોળનાં ઉપકરણો બનાવનારાઓ અને આશ્રયદાતાઓ(પૅટ્રન)ની પણ મુલાકાત લીધી. આઉસબર્ગના કારીગરો આકાશી પિંડોનાં યંત્રો બનાવવામાં કુશળ હતા એટલે ટાયકો ત્યાં જઈને બે વર્ષ રહ્યો અને તેમની પાસેથી ખગોલીય ઉપકરણો બનાવવાનું અને એમનો ઉપયોગ કરીને આકાશી પિંડોના ચોક્કસપણે વેધ કેવી રીતે લેવા તેનું જ્ઞાન મેળવ્યું હતું. કેટલાંક મોટાં ખગોલીય ઉપકરણો પણ તેણે ખરીદ્યાં. રૉસ્ટૉક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ટાયકોના ઘમંડી અને ઝઘડાખોર સ્વભાવને કારણે 1567માં એક ઉમરાવ સાથે બેમાંથી મોટો ગણિતવિદ કોણ તે પ્રશ્ને વિવાદ થયો અને તે કાળના નિયમ મુજબ બંને વચ્ચે દ્વન્દ્વયુદ્ધ થયું, જેમાં ટાયકોએ હંમેશ માટે પોતાનું નાક ગુમાવ્યું. એ પછીની આખી જિંદગી ટાયકોએ સોના-ચાંદીની મિશ્રધાતુમાંથી બનાવેલું બનાવટી નાક, મીણ જેવા પદાર્થથી ચોંટાડીને પહેર્યું. એ પછી એના પિતાની તબિયત બગડતાં ટાયકો સ્વદેશ પાછો ફર્યો. 11 નવેમ્બર 1572ના રોજ તે પ્રયોગશાળામાંથી મોડી રીતે કાર્ય પતાવી ઘેર જમવા જતો હતો, ત્યારે તેણે શર્મિષ્ઠા તારામંડળમાં એક પ્રકાશિત નવો તારો જોયો. અગાઉ આ વિસ્તારમાં આવો તારો તેણે ક્યારેય જોયો ન હતો. ખરું પૂછો તો તે એક તારાનો મહાવિસ્ફોટ હતો, જેને આજે સુપરનોવા કહેવામાં આવે છે. ફાટી પડેલો આ તારો લાગલાગટ અઢાર મહિના સુધી દેખાયો હતો અને ઘણા મહિના તો દિવસે પણ તે દેખાતો હતો. ગ્રીક તત્વચિંતક ઍરિસ્ટૉટલે કહ્યું હતું કે આકાશ પરિવર્તનશીલ નથી, પરંતુ ટાયકોએ જોયેલા તારાના આ વિસ્ફોટે બતાવ્યું કે આકાશ પણ બદલાતું રહે છે. તેણે જાતે બનાવેલા ખાસ સાધનની મદદથી આ મહાવિસ્ફોટની જગ્યા ખૂબ જ ચોક્કસપણે નોંધી. આ તારાનું નરી આંખે થઈ શકે એટલું તમામ પ્રકારનું સૂક્ષ્મતમ નિરીક્ષણ કરીને ટાયકોએ સાબિત કર્યું કે તે એક નવો તારો છે અને લંબનમાપણી(parallax measurements)થી સાબિત કરવા પ્રયત્ન કર્યો કે ચંદ્ર કરતાં તો આ પ્રકાશપુંજ ક્યાંય દૂર આવેલો છે. આ તારો જોનાર ટાયકો કાંઈ પહેલો સંશોધક ન હતો, પરંતુ તે લોકોએ એના નિરીક્ષણમાં ટાયકો જેટલી કાળજી લીધી ન હતી; આથી તેના માનમાં આ મહાવિસ્ફોટને ક્યારેક ‘ટાયકોનો તારો’ (Tycho’s Star) કહેવામાં આવે છે.

1573માં તેણે આ નવા તારા વિશે એક પુસ્તક લખ્યું. લાંબા શીર્ષક ધરાવતા આ પુસ્તકને સામાન્ય રીતે ‘De Nova Stella’ એટલે કે ‘નવા તારા સંબંધે’ એવા ટૂંકા શીર્ષક હેઠળ ઓળખવામાં આવે છે. એમાં આ મહાવિસ્ફોટનું સ્થાન તેણે એટલી તો ચોકસાઈથી નોંધ્યું છે કે સદીઓ પછી ર્દષ્ટિથી તો તે સાવ ઓઝલ થઈ ગયો હોવા છતાંય હાલના ખગોળવિદો, તે તારાના મહાવિસ્ફોટનું સ્થાન ટાયકોની નોંધોને આધારે શોધીને, રેડિયો દૂરબીન વડે તેનો અભ્યાસ કરી શક્યા છે. આજે ખગોળશાસ્ત્રમાં સ્ફોટક તારાઓ (exploding stars) માટે પ્રચલિત થયેલો ‘નોવા’ શબ્દ, મૂળે ટાયકોએ પ્રયોજ્યો હતો. નવા તારા ઉપર લખેલું આ પહેલું પુસ્તક તો નાનું હતું, પાછળથી ટાયકોએ ‘અભિનવ ખગોળશાસ્ત્ર : એક પરિચય’ (Introduction to the New Astronomy) નામનું 300 પાનાંથી પણ વધુ પાનાં ધરાવતું વિસ્તૃત પુસ્તક લખ્યું.

આકૃતિ 2 : ટાયકોની વીન ખાતેની બીજી વેધશાળા સ્ટેલાબૉર્ગ

છવ્વીસ વર્ષની વયે અવલોકેલા નવા તારાને કારણે ટાયકો ઘણો જાણીતો થઈ ગયો હતો. 1574માં કોપનહેગન યુનિવર્સિટીમાંથી ટાયકોને ખગોળશાસ્ત્ર પર કેટલાંક પ્રવચનો આપવાનું આમંત્રણ મળતાં તે ત્યાં ગયો અને ખગોળવિદ્યા ઉપરાંત પહેલું પ્રવચન એણે ફલજ્યોતિષ (જ્યોતિષશાસ્ત્ર) ઉપર આપ્યું, જે પાછળથી એના મૃત્યુ બાદ 1610માં પ્રસિદ્ધ થયું હતું. ત્યાંથી પછી ટાયકો ફરી પ્રવાસે ઊપડ્યો (1575). આ પ્રવાસ દરમિયાન કાસેલ(Cassel)માં તે હેસના લૅન્ડગ્રેવ વિલિયમ ચોથા(Landgrave William IV of Hesse)ને મળ્યો. જર્મનીનો આ કાઉન્ટ (1532–1592) ખગોળપ્રેમી હતો અને 1561માં બાંધેલી પોતાની વેધશાળામાંથી નિરીક્ષણો કરતો હતો. એની વેધશાળા બે બાબતમાં. વિશિષ્ટ હતી : સરકતા ઘુમ્મટ અને ઠીકઠીક ચોકસાઈથી સમય દર્શાવતી ઘડિયાળની બાબતમાં. દૂરબીનને આકાશ તરફ તાકવા માટે આધુનિક વેધશાળાના ઘુમ્મટ ફરી શકતા હોય છે. કાંઈક એવા જ ઘુમ્મટની સૌપ્રથમ રચના કાઉન્ટે પોતાની વેધશાળામાં કરેલી. વળી ચોકસાઈથી સમય બતાવતી ઘડિયાળનો વેધશાળામાં પહેલવહેલો ઉપયોગ કરવાનું માન પણ આ કાઉન્ટને ફાળે જાય છે. ટાયકો અને વિલિયમ ચોથાની આ મુલાકાત બંને વચ્ચે કાયમી દોસ્તીમાં પરિણમી. એ પછી ટાયકો પુસ્તકો ખરીદવા ફ્રૅન્કફર્ટ ગયો, અને ત્યાંથી બેસ્લે, વૅનિસ, આઉસબર્ગ અને રેજન્સબર્ગની મુલાકાત લઈને સાલફેલ્ડ અને વિટનબર્ગ થઈને ઘેર પાછો ફર્યો.

એ પછીનું વર્ષ (1576) ટાયકો માટે મહત્વનું બની રહ્યું. આ અરસામાં તે ડેન્માર્ક છોડી બેસ્લે(સ્વિટ્ઝર્લૅન્ડ)માં પોતાની વેધશાળા સ્થાપવાનું વિચારતો હતો; પરંતુ તેના મિત્ર કાઉન્ટ વિલિયમ ચોથાના કહેવાથી ડેન્માર્કના રાજા ફ્રેડરિક બીજાએ તેને ખાસ દૂત મોકલીને કોપનહેગન બોલાવ્યો અને પોતાના દેશમાં જ વેધશાળા સ્થાપવાનું આમંત્રણ આપ્યું. રાજાએ વેધશાળા સ્થાપવા ડેન્માર્ક અને સ્વિડનની વચ્ચે આવેલો વેન કે વીન (Hven કે Hveen, હવે Ven) નામનો આખો ટાપુ ભેટ આપ્યો; એટલું જ નહિ, રાજ્ય તરફથી ટાયકોને રહેવા મકાન બંધાવી આપવાની અને વેધશાળા સ્થાપવાનો બધો ખર્ચ આપવાની તથા કાયમી ધોરણે નાણાસહાય કરવાની પણ તૈયારી બતાવી. ટાયકોએ રાજાનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. ખગોળવિજ્ઞાનના ઇતિહાસમાં આ ઘટના અજોડ છે. અત્યાર સુધી કોઈ પણ વૈજ્ઞાનિકને, કોઈ પણ દેશે વ્યક્તિગત ધોરણે આટલી મોટી ભેટ આપી નથી. ટાયકોની દેખરેખ નીચે જર્મન સ્થપતિએ એની રચના કરી. વેધશાળાના સ્થળ માટે ટાપુની વચ્ચે આવેલા ઉચ્ચપ્રદેશને પસંદ કરવામાં આવ્યો. આ પ્રદેશ સમુદ્રની સપાટીથી આશરે 40 મીટર (130 ફૂટ) ઊંચે આવેલો હતો. એનું બાંધકામ 1576માં ચાલુ થયું અને 1580માં પૂરું થયું. એનું નામ ‘યુરાનિબોર્ગ’ (Uraniborg) પાડવામાં આવ્યું, જેનો અર્થ ‘દિવ્ય ગઢ’ (Heavenly Castle) થાય છે. ટાયકો પોતે વૈજ્ઞાનિક અને કારીગર હોવા ઉપરાંત, કલાકાર અને કવિ પણ હતો (સાત વર્ષની ઉંમરે ટાયકો લૅટિન શીખ્યો, ત્યારથી તે ભાષામાં કાવ્યો કરતો હતો). વેધશાળાને શણગારવા તેણે ડચ અને ઇટાલીના કલાકારોની મદદ લીધી. અહીંનાં સ્નાનગૃહો અને શૌચાલયોમાં દબાણથી પાણી આવે અને મળ વગેરેનો નિકાલ થાય તેવી નવીન પદ્ધતિની તેણે પોતે જ શોધ કરી હતી. વિચારી શકાય તેવી ઘણી બધી સગવડો તેણે અહીં ઊભી કરી હતી. ઘણાં રમ્ય ઉપવન, માછલાંનાં કૃત્રિમ તળાવો (ફિશ-પાડ), ફુવારાઓ, સહાયકો તથા ચાકરોને બોલાવવા માટેની ઘણીબધી છૂપી કળો, કાગળ બનાવતી મિલ; પોતાનાં શોધપત્રકો, નિરીક્ષણની નોંધો, પોતાનાં કાવ્યો વગેરે પોતાની મરજી મુજબ છાપીને બાંધી શકાય તે માટેનાં પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનાં) અને બાઇન્ડિંગ-યંત્રો; ઔષધાલય, કીમિયાગરી માટેની ભઠ્ઠીઓ અને રાસાયણિક પ્રયોગશાળા, વિશાળ પુસ્તકાલય, ખગોલીય ઉપકરણો બનાવવાનાં કારખાનાંઓ, સહાયકો-સંશોધકો તથા માનવંતા મુલાકાતીઓનાં અલગ-અલગ આવાસગૃહો વગેરેની રચના તેણે કરી હતી. મહેમાનો માટે ભોંયરામાં પીવાના ઉત્તમ પ્રકારના દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરવાનું અને ટાપુના વસાહતીઓને શિક્ષા કરવા માટે જેલની રચના કરવાનું પણ તે ભૂલ્યો ન હતો ! જમવાના ઓરડામાં વિશાળ પાંજરાંઓ હતાં, જેમાં દુર્લભ પક્ષીઓ પૂરવામાં આવતાં. આ વેધશાળામાં તે સમય સુધીનાં બનાવેલાં અને પ્રચલિત બધાં જ ખગોલીય યંત્રો તો હતાં જ; તે ઉપરાંત ટાયકો દ્વારા નિર્મિત કેટલાંક સર્વથા નવીન ઉપકરણોનો પણ તેમાં સમાવેશ થતો હતો. આવું એક જાણીતું યંત્ર ટાયકોનું ભિત્તિચિત્ર (mural) ધરાવતું વૃત્તપાદ કે ‘ક્વૉડ્રન્ટ’ અર્થાત્, ‘મ્યૂરલ ક્વૉડ્રન્ટ’ (mural quadrant) નામનું ઉપકરણ હતું, જે પ્રત્યેક આકાશી પિંડની, ક્ષિતિજથી ચોક્કસ ઊંચાઈ માપતું હતું. તેની ત્રિજ્યા લગભગ બે મીટર જેટલી હતી. ટાયકોએ પોતે બનાવેલું આવું બીજું એક જાણીતું ઉપકરણ સેક્સટન્ટ (sextant) નામનું હતું. એની મદદથી તારાના ઉન્નતાંશ બહુ ચોકસાઈથી માપી શકાતા હતા. ધાતુનાં યંત્રો વડે સુસજ્જ, આવા જંગી ખર્ચે તૈયાર થયેલી યુરોપભરની તે પ્રથમ વેધશાળા હતી.

થોડા સમય બાદ આ મકાન નાનું પડતાં અને ટાયકોના  શિષ્યો તથા સહાયકોની સંખ્યા વધતાં, મુખ્ય મકાનથી સોએક ફૂટ છેટે, અગ્નિ દિશામાં આવેલા એક નાના ટેકરા ઉપર ઈ.સ. 1584માં વેધશાળાનું એક બીજું મકાન બાંધવામાં આવ્યું અને એનું નામ ‘સ્ટેલાબૉર્ગ’ (‘Stellaborg’ or ‘Stjerneborg’) અર્થાત્, ‘તારાઓનો ગઢ’ (Castle of the Stars) પાડવામાં આવ્યું. આ ઇમારતમાં ઉપકરણોને જમીનની સપાટીથી નીચે બનાવેલા ખાસ ઓરડા અથવા કહો કે, ભોંયરામાં ગોઠવવામાં આવ્યાં હતાં, જેથી સતત વાતા પવનોથી તેમને રક્ષણ મળે અને અવલોકનો લેવામાં ઓછી ભૂલ થાય. આ ભોંયરાંઓની છત સરકી શકતા અથવા તો કાઢી શકાય તેવા ઘુમ્મટની બનેલી હતી. આમાં એક મોસમ-પ્રેષણ મથક(meteorological station)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્ય મકાનની જેમ જ આ નવી ઇમારતમાં પણ વિવિધ ખૂબીઓ રચવામાં આવી હતી. આ બંને વેધશાળામાં ધાતુનાં બનેલાં 28થી પણ વધુ યંત્રો હતાં. ટાયકોના શિષ્યોની સંખ્યા દસથી બાર જેટલી હતી અને સહાયકો તથા કર્મચારીઓની સંખ્યા વીસેક જેટલી હતી. અમુક પ્રકારની ગણતરીઓ માટે ખાસ ગણિતશાસ્ત્રીઓની ટુકડી પણ તેણે રાખી હતી.

યંત્રોમાં દોષ હોય કે તે બરાબર રીતે બન્યાં ન હોય તો એમની કાર્યક્ષમતા સીમિત થઈ જાય છે અને એમના દ્વારા સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકનોનું સુફળ સામાન્યત: મળી શકતું નથી. આ સત્ય ટાયકો બરાબર સમજ્યો હતો અને પોતાનાં યંત્રો વગેરેની ત્રુટિઓ દૂર કરવામાં અને એમને અધિકાંશ ઉન્નત કરવામાં તેણે હંમેશાં વધુમાં વધુ પ્રયત્નો કર્યા હતા. આ રીતે ખગોલીય ઉપકરણવિદ્યામાં ટાયકોએ એક પ્રકારની ક્રાંતિ આણી.

દૂરબીનની શોધ કોણે અને ક્યારે કરી તે અંગે મતભેદ છે, પરંતુ ખગોળમાં તેનો ઉપયોગ ટાયકોના સમયમાં થતો ન હતો. ખગોળવિદ્યામાં દૂરબીનનો ઉપયોગ તો, ટાયકોના અવસાન બાદ, આશરે આઠ કે નવેક વર્ષ પછી થયો હતો. ટાયકો સૂક્ષ્મ માપો લેનાર ઉત્તમ વેધકાર હતો. વીનની આ વેધશાળામાંથી ટાયકોએ દૂરબીનની મદદ વગર નરી આંખે કેવી રીતે ઉત્તમ નિરીક્ષણ કરવું તે દુનિયાને શીખવ્યું. ટાયકોના પુરોગામી ખગોળવિદો ચંદ્ર કે ગ્રહોનાં સ્થાન એમની ભ્રમણકક્ષાના અમુક અગત્યના નિશ્ચિત બિંદુએ જ કે ખાસ કોઈ પ્રસંગે જ માપતા હતા. ટાયકોએ આમાં ફેરફાર કર્યો. કોઈ પણ ગ્રહ કે તારાનું  કે પછી કોઈ પણ આકાશી પિંડનું સ્થાન ટાયકો અને તેના શિષ્યો મહિનાઓ સુધી અને ઘણી વાર તો આખા વર્ષ સુધી માપતા રહેતા અને તેની વ્યવસ્થિત નોંધ કરતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો ટાયકો, ગ્રહો જેવા પિંડોને એમની સમગ્ર ભ્રમણકક્ષા દરમિયાન અવલોકતો હતો, એક જ પિંડના જુદા જુદા સમયે, એકથી વધુ વેધો લેતો હતો. અગાઉના નિરીક્ષકો કરતાં ટાયકોનાં નિરીક્ષણો આ રીતે અલગ પડી જતાં હતાં. આને કારણે અગાઉ ક્યારેય પકડી શકાઈ ન હતી તેવી કક્ષીય અસંગતિઓ ટાયકો દ્વારા સ્પષ્ટ થઈ હતી. આ રીતે ટાયકોએ ખગોલીય વેધો લેવાની પદ્ધતિઓમાં આમૂલ પરિવર્તન આણ્યું. વૈજ્ઞાનિક સંશોધનોમાં એક કરતાં વધુ અવલોકનો એકલદોકલ અવલોકનો કરતાં ચઢિયાતાં છે એ સત્યનું મહત્ત્વ સમજનાર ટાયકો કદાચ પહેલો વૈજ્ઞાનિક હતો. એવી જ રીતે, વાયુમંડલીય વક્રીભવન(atmospheric refraction)ને કારણે ખગોલીય નિરીક્ષણોમાં ઉદભવતી ત્રુટિઓને ગણતરીમાં લઈને અવલોકનો કરનાર પણ ટાયકો પહેલો ખગોળશાસ્ત્રી હતો. આ બધાંને કારણે જ તેનાં નિરીક્ષણો બહુ ચોક્કસ થયાં હતાં. આ રીતે જેમ જેમ તેનાં કીર્તિ સમગ્ર યુરોપમાં પ્રસરતી ગઈ તેમ તેમ કેટલાય વિદ્યાર્થીઓ તેના હાથ નીચે ખગોળની આરાધના કરવા આવવા લાગ્યા. એક કાળે તો બધા મળીને, તેના શિષ્યોની સંખ્યા ચાળીસથી પણ ઉપર પહોંચી હતી ! આમ તે જમાનામાં, ખાસ તો સન 1580થી 1597ના સમયગાળામાં, વીનનો આ ટાપુ યુરોપભરમાં ખગોળવિજ્ઞાનનું એકમાત્ર મોટું કેન્દ્ર બની રહ્યો હતો. ટાયકોની વેધશાળા જોવા યુરોપમાંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો, ડ્યૂક, કાઉન્ટ, રાણી સોફિયા ઉપરાંત દેશ-વિદેશથી નાનામોટા અનેક મહાનુભાવો આવતા હતા.

ટાયકોએ અહીંથી 15 માર્ચ 1596ના રોજ છેલ્લામાં છેલ્લું ખગોલીય નિરીક્ષણ કર્યાની નોંધ મળે છે. એ પછી પોતાની નિરીક્ષણ-નોંધો અને પ્રિન્ટિંગ-પ્રેસ તથા કેટલાંક ખગોલીય યંત્રો અને પુસ્તકો લઈને 1597માં ટાયકો આ ટાપુ છોડીને કૉપનહેગન ગયો, જ્યાં થોડો સમય રહીને ડેન્માર્ક હંમેશ માટે છોડીને જર્મની ગયો. રઝળપાટના આ ગાળા દરમિયાન ટાયકોએ પોતાના પ્રિન્ટિંગ-પ્રેસ પર એક નાનકડું પુસ્તક છાપ્યું, જેમાં પોતાનાં બધાં યંત્રોનું વર્ણન કર્યું હતું. આ પુસ્તક તેણે બોહીમિયા અને હંગેરીના સમ્રાટ, વિજ્ઞાનના પુરસ્કર્તા રૂડૉલ્ફ-બીજા(1552–1612)ને અર્પણ કર્યું હતું. આ પુસ્તક ટાયકોએ પોતાના મિત્રોને ભેટ મોકલ્યું હતું, જેની એક પ્રત સમ્રાટ રૂડૉલ્ફ પાસે પણ પહોંચી. પરિણામ ધારેલું આવ્યું. રૂડૉલ્ફે ટાયકોને આશ્રય આપવાની તૈયારી બતાવી અને જૂન 1599માં ટાયકો બોહીમિયાની રાજધાની પ્રાગ પહોંચ્યો. એની વરણી શાહી ગણિતશાસ્ત્રી તરીકે કરવામાં આવી.

ટાયકોનાં નિરીક્ષણ રાત-દિવસ ચાલતાં હતાં. અમુક ખાસ પોશાક પહેરીને તે નિરીક્ષણો કરવા બેસતો. દિવસે સૂર્યની ગતિનો અભ્યાસ કરીને તેની ગતિ સંબંધે કોષ્ટકો પણ તેણે બનાવ્યાં, જે અગાઉનાં તેવાં કોષ્ટકો કરતાં ચઢિયાતાં હતાં. ટાયકોએ વર્ષની સરેરાશ અવધિ ખૂબ ચોકસાઈથી શોધીને 365.24219 જેટલી નિશ્ચિત કરી, જે તેના સાચા મૂલ્યની ઘણી જ નજદીક છે. આને કારણે તથા ટાયકો દ્વારા ખગોલનિરીક્ષણમાં અત્યંત ચોકસાઈભર્યા નવા નવા વેધો લેવાને કારણે તે પછીના કાળનાં બધાં જ પંચાંગ સુધારવાનું અનિવાર્ય બની ગયું.

ટાયકોએ અપ્રતિમ ચોકસાઈથી 777થી પણ વધુ તારાઓનાં સ્થાન નિર્ધારિત કર્યાં. તેવી જ રીતે અનેક વેધો લઈને ગ્રહોની કક્ષાઓનાં માપ પણ બહુ સૂક્ષ્મ રીતે નક્કી કર્યાં. ટાયકો અને તેના સહાયકોએ વારંવાર વેધો લઈને તે કાળમાં ઉપલબ્ધ તમામ ખગોલીય નોંધો અને હેવાલોની ચકાસણી કરીને તેમને સંસ્કારવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવી.

નવેમ્બર 1577માં દેખાયેલા એક પ્રકાશિત ધૂમકેતુનું ટાયકોએ નિરીક્ષણ કર્યું. આ ધૂમકેતુ કેટલો દૂર છે એ જાણવા ટાયકોએ ડેન્માર્ક ઉપરાંત જર્મની અને બોહીમિયા એમ ત્રણ જુદાં જુદાં સ્થળોએથી, કોઈ એક જ નિર્ધારિત સમયે, ત્રણ જુદા જુદા નિરીક્ષકો તેનું નિરીક્ષણ કરે તેવી ગોઠવણ કરી. આમ કરી તે ધૂમકેતુનો સ્થાનભેદ અથવા લંબન જાણવા માંગતો  હતો. જ્યારે કોઈ વસ્તુને કે પિંડને બે (કે ત્રણ) ભિન્ન સ્થળોએથી જોવામાં આવે, ત્યારે તેના સ્થાનમાં જોવા મળતા ફેરફારને સ્થાનભેદ, ભેદાભાસ કે લંબન (parallax) કહેવાય છે. કોઈ એક આંગળી આંખ પાસે ઊભી રાખીને, તેને વારાફરતી આંખ ખુલ્લી-બંધ રાખીને જોતાં, પશ્ચાદભૂમિ પર ર્દષ્ટિગોચર થતા પદાર્થના સંદર્ભે, તે ડાબે-જમણે ઝડપતી ખસતી દેખાય છે અથવા કહો કે સ્થાન બદલવાનો આભાસ ઊભો કરે છે. આવી રીતે કૂદકો મારીને પણ દેખાતા સ્થાન-બદલાવને લંબનિક-વિચલન (parallalltic shift) કહેવાય છે. દૂરના આકાશી પિંડની સરખામણીમાં નજદીકનો પિંડ વધુ લંબન દાખવશે અથવા કહો કે, પાસેનો પિંડ મોટું લંબનિક-વિચલન દર્શાવશે. જો આકાશી પિંડ અતિશય દૂર હશે તો તેનું લંબનિક-વિચલન નહિવત્ હશે. ટાયકોએ ત્રણેય સ્થળનાં પરિણામોનો અભ્યાસ કર્યો તો તેને જણાયું કે તે ધૂમકેતુનું લંબન ચંદ્રની સરખામણીમાં નગણ્ય હતું. મતલબ કે તે ચંદ્ર કરતાં તો ક્યાંય દૂર હતો. ટાકોએ સૂચવ્યું કે આ ધૂમકેતુ ચંદ્ર કરતાં ચારગણો દૂર હોવો જોઈએ. આમ પોતાની વિશિષ્ટ નિરીક્ષણ-પદ્ધતિ દ્વારા ટાયકોએ સાબિત કર્યું કે તે પૃથ્વીથી ઘણે આઘે, શુક્રની કક્ષા જેટલે દૂર છે. ગ્રીસના ઍરિસ્ટૉટલના મત મુજબ ધૂમકેતુ પૃથ્વીના વાતાવરણની અંદર ઉત્પન્ન થતી પ્રક્રિયા હતી. ટાયકોએ સદીઓજૂના આ ભ્રમનું નિરસન કર્યું. ટાયકોએ તે ધૂમકેતુના વેધો લઈ એવું પણ નોંધ્યું છે કે ધૂમકેતુની કક્ષા સંપૂર્ણ વર્તુળાકાર નથી, પરંતુ અંડાકાર છે. ધૂમકેતુઓ અંડાકાર કક્ષામાં ગતિ કરે છે એવું કહેનાર ટાયકો પહેલો ખગોળશાસ્ત્રી હતો. આના પરથી કેટલાક સંશોધકો એવું અનુમાન કરે છે કે ધૂમકેતુ આવર્તી (periodic) હોવાની બાબતથી ટાયકો માહિતગાર હોવો જોઈએ.

એ પછી તો ટાયકોએ ઈ.સ. 1580, 1582, 1585, 1590 અને 1596માં દેખાયેલા પાંચેપાંચ નવા ધૂમકેતુઓનું પણ પોતાની આગવી ઝીણવટભરી પદ્ધતિથી નિરીક્ષણ કર્યું.

ધૂમકેતુઓ પરથી કાઢેલાં તારણોથી ટાયકો એટલો બધો પ્રભાવિત થયો કે તેણે ખગોળવિદ્યામાં ચિરસ્મરણીય બની રહે તેવા વિદ્વત્તાભર્યા ગ્રંથો રચવાનું વિચાર્યું. આવો પહેલો ગ્રંથ 1588માં લખવાનો ચાલુ થયો, પણ એનું પ્રકાશન ટાયકોના અવસાન પછી કૅપ્લરે કર્યું. આ શ્રેણીનો બીજો ગ્રંથ 1577વાળા ધૂમકેતુને લગતો હતો અને તે યુરાનિબૉર્ગના પ્રિન્ટિંગ પ્રેસમાં 1588માં છપાયો હતો. આ શ્રેણીના ત્રીજા ગ્રંથમાં ટાયકોનો વિચાર તેણે જોયેલા બાકીના ધૂમકેતુ સંબંધી લખવાનો હતો, પરંતુ આ કામ અધૂરું રહ્યું. જોકે આ માટે તૈયાર કરેલી વિસ્તૃત નોંધો આજે પણ જોઈ શકાય છે.

ટાયકોએ પોતાનો આગવો જ સિદ્ધાંત ‘ટાયકોનિક સિદ્ધાંત’ (Tychonic theory) રજૂ કર્યો. તેના વાદ મુજબ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી નથી, બલકે સૂર્ય અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે અને બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ટાયકોનો આ વાદ ખરેખર તો ઍરિસ્ટૉટલ-ટૉલેમીના ભૂ-કેંદ્રીયવાદ અને કૉપરનિકસના સૂર્ય-કેંદ્રીયવાદના મિશ્રણ જેવો હતો, જે નિરીક્ષણ સાથે બંધ બેસતો હતો. ટાયકોના આ સિદ્ધાંતને ‘ટાયકો પ્રણાલી’ (Tychonian system) પણ કહેવાય છે.

હાલના ખગોળશાસ્ત્રની પ્રગતિ પાછળ ટાયકોનાં નિરીક્ષણોનો હાથ રહેલો છે. ટાયકોની ગણતરી સામાન્ય રીતે ખગોળનાં ઉત્તમ ઉપકરણો બનાવનાર અને ઉત્તમ વેધકાર તરીકે થાય છે, પણ 1989–1990ના અરસામાં થયેલાં આધુનિક સંશોધનો પ્રમાણે, ખાસ કરીને થૉરેન (V. E. Throen) વગેરે જેવા સંશોધકોના મતે, ટાયકો તેના સમયનો મહાન સિદ્ધાંતકાર હતો, અને તેણે રજૂ કરેલો ચંદ્રગતિ સિદ્ધાંત (lunar theory) આનું ઉદાહરણ છે. તેણે માત્ર વેધ ઉપરથી જ વિચ્યુતિ (variation) અને વાર્ષિક સંસ્કાર (annual equation) તરીકે ઓળખાતી ચંદ્રની ગતિમાં રહેલી અનિયમિતતા શોધી કાઢેલી. જોકે આ પૈકી વિચ્યુતિની શોધ અબુલ વફા (Abul Wafa : જન્મ : 939 ? કે 940 ?; અવસાન : 998) નામના બગદાદના ખગોળવિદે ઘણી સદીઓ પહેલાં, ઈ.સ. 975માં કરી હતી; પરંતુ તેની આ શોધ પ્રસિદ્ધિમાં આવી ન હતી. ટાયકોએ તે સ્વતંત્ર રીતે ફરીને શોધી કાઢી. વાર્ષિક સંસ્કારની શોધ તે પૂરી કરી શક્યો ન હતો. તેના અવસાન પછી કૅપ્લરે તે શોધી હતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ચંદ્રની કક્ષા અને રવિમાર્ગ (ecliptic) વચ્ચેનો ઢોળાવ કે આનતિ (inclination) સ્થિર હોય છે, પરંતુ ટાયકોએ નિશ્ચિત કર્યું કે નિયમિતપણે તેનું દોલન થતું રહે છે. તેવી જ રીતે, તેણે કહ્યું કે ચંદ્રના બંને પાત(nodes)ની ગતિ પણ પરિવર્તનશીલ હોય છે. આધુનિક સંશોધકો માને છે કે ઇતિહાસમાં એક સિદ્ધાંતકાર તરીકે પોતાની જાતને સાબિત કરવા માટે ટાયકોમાં પ્રતિભાની કોઈ કમી ન હતી, જે કાંઈ ઊણપ હતી તે સમયની હતી. વળી કૅપ્લર જેવો મદદનીશ પણ તેને જીવનમાં બહુ મોડો મળ્યો. કૅપ્લરની મદદથી પોતાનાં કરેલાં નિરીક્ષણોને તારવીને હજુ તો કોઈ સિદ્ધાંતને રૂપ આપે તે પહેલાં તો ટાયકોનું આયુષ્ય ટૂંપાઈ ગયું.

એક મિજબાનીમાં વધુ પડતું પ્રવાહી પીવાને કારણે પેશાબ અટકી જતાં, મૂત્રાશય ફાટી જવાને કારણે ટાયકોનું પાંચેક દિવસની ટૂંકી માંદગી બાદ, અનિદ્રા, સન્નિપાત અને અત્યંત વેદના સહન કરતાં કરતાં અવસાન થયું. ભારે શાહી ઠાઠમાઠ સાથે પ્રાગમાં એને દફનાવવામાં આવ્યો.

આ ટાયકોની સંશોધનસામગ્રી(પેપર્સ)માંથી મોટાભાગની જળવાઈ રહી છે. ટાયકોના વારસદારો સાથે લાંબા વાદવિવાદ બાદ કૅપ્લર તે મેળવી શક્યો અને તેનું સંક્લન કરીને 1627માં ‘રૂડૉલ્ફાઇન ટેબલ્સ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું અને એ રીતે તેણે તેના ગુરુની છેલ્લી ઇચ્છા પૂરી કરી. અગાઉનાં આ પ્રકારનાં સઘળાં પ્રકાશનો કરતાં તે ચડિયાતું હતું.

ટાયકોના માનમાં ચંદ્ર ઉપરના એક પ્રમુખ જ્વાળામુખીને તેનું નામ આપવામાં આવ્યું છે. થોડા વર્ષો પૂર્વે ડેન્માર્કે તેના માનમાં ટપાલ-ટિકિટ પણ બહાર પાડી હતી.

સુશ્રુત પટેલ