બ્રાન્ટ, બિલ (જ. 1904, લંડન; અ. 1983) : નિપુણ તસવીરકાર. 1929માં તેમણે આ કલાના કસબી મૅન રે પાસે તસવીર-કલાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. 1931માં તેઓ લંડન પાછા ફર્યા. 1930ના ઉત્તરાર્ધમાં તેમણે સામાજિક વિષયો – વ્યક્તિઓ તથા પ્રસંગોની દસ્તાવેજી પ્રકારની શ્રેણીબંધ યાદગાર તસવીરો લીધી; તેમાંથી ગરીબ તથા ધનિકવર્ગની વિરોધાત્મક જીવનશૈલીનો અત્યંત જીવંત અને હૃદયસ્પર્શી ચિતાર મળી રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે ત્યાંના માહિતી-મંત્રાલય માટે ખૂબ મહત્વની અને કીમતી ફરજ બજાવી; એ દરમિયાન જ તેમણે ઐતિહાસિક બૉંબવર્ષા દરમિયાન સર્જાયેલી વ્યાપક વિનાશકતાને આબેહૂબ રીતે છબીબદ્ધ કરી બતાવી.

તેમની સૌથી સર્જનાત્મક સિદ્ધિ તે જીવિત પાત્રોની કલાપૂર્ણ માવજત. તેના નમૂના 1961માં પ્રગટ થયેલ ‘પર્સ્પેક્ટિવ ઑવ્ ન્યૂડ્ઝ’ તથા ‘શૅડોઝ ઑવ્ લાઇટ’(1966)માં જોવા મળે છે. તેમાં નગ્નાવસ્થાનું જાણે અણીશુદ્ધ કાવ્યમય આલેખન કર્યું છે. આ પ્રકારની શૈલી તથા તેની છણાવટમાં તેઓ લગભગ પરાવાસ્તવદર્શી (surreal) અભિગમના પુરોગામી બને છે.

મહેશ ચોકસી