બ્રાન્ટ, વિલી (જ. 18 ડિસેમ્બર 1913, લ્યુબક, જર્મની; અ. 8 ઑક્ટોબર 1992) : જર્મન રાજપુરુષ. તેમનું મૂળ નામ કાર્લ હર્બર્ટ ફ્રામ હતું. તેમણે 1932માં યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષા પસાર કરી. એક વર્ષ બાદ જર્મનીમાં નાઝીઓ સત્તા પર આવ્યા ત્યારે યુવાન સોશિયલ ડેમૉક્રૅટ તરીકે તેમને નાઝીઓની છૂપી પોલીસ સાથે સંઘર્ષ થવાથી ધરપકડથી બચવા દેશ બહાર નાસી જવું પડ્યું. આ વખતે તેમણે ‘વિલી બ્રાન્ટ’ નામ રાખ્યું. તે નૉર્વે ગયા અને પત્રકારનું કામ કરવા લાગ્યા. તેમને આ દરમિયાન નૉર્વેની ઓસ્લો યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કર્યો. જર્મનોએ નૉર્વે કબજે કર્યું ત્યારે તેઓ સ્વિડન જતા રહ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ(1939–45) શરૂ થતાં સુધી તેઓ ત્યાં રહ્યા.

વિલી બ્રાન્ટ

વિશ્વયુદ્ધ બાદ નૉર્વેના નાગરિક તરીકે ત્યાંના પ્રતિનિધિ-મંડળમાં તેઓ બર્લિન ગયા હતા. તેમના ઉપર રાજકારણમાં પાછા ફરવાનું દબાણ થવાથી, તેઓ જર્મન નાગરિક બન્યા. સોશિયલ ડેમૉક્રૅટિક પક્ષની કારોબારી સમિતિના બર્લિનના નીચલા ગૃહના પ્રતિનિધિ તરીકે રહ્યા બાદ, 1949માં તેઓ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા. 1957થી 1966 દરમિયાન પશ્ચિમ બર્લિનના મેયર તરીકે તેઓ વિશ્વવિખ્યાત થયા. સોવિયેત સંઘે 1958માં પશ્ચિમ બર્લિનને લશ્કરમુક્ત શહેર કરવાની માગણી કરી. 1961માં બર્લિનની દીવાલ ચણાતી હતી ત્યારે તેમણે ખૂબ નૈતિક હિંમત દર્શાવી હતી. 1964માં તેઓ સોશિયલ ડેમૉક્રૅટિક પાર્ટીના અધ્યક્ષપદે ચૂંટાયા. 1966માં રચાયેલી મિશ્ર સરકારમાં તેઓ વિદેશમંત્રી અને વાઇસ-ચાન્સેલર બન્યા. 1969માં એમના પક્ષના વધારે સભ્યો ચૂંટાયા અને મિશ્ર સરકાર રચવામાં આવી. 1969થી 1974 સુધી તેઓ ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મનીના ચાન્સેલર-પદે રહ્યા. આ દરમિયાન તેમના પક્ષે જર્મન માર્કનું મૂલ્ય વધાર્યું અને અણુશક્તિ-પ્રસાર-નિયંત્રણ સંધિ પર સહી કરી. તેમણે પૂર્વ જર્મની, પૂર્વ યુરોપના બીજા સામ્યવાદી દેશો અને સોવિયેત સંઘ સાથે સંબંધો સુધાર્યા. તેમના પ્રયાસોના પરિણામે ઑગસ્ટ, 1970માં સોવિયેત સંઘ સાથે પરસ્પર લશ્કરનો ઉપયોગ ન કરવા માટે યુરોપની ચાલુ સરહદો સ્વીકારવા અંગેની સંધિ કરવામાં આવી. પોલૅન્ડ સાથે બિન-આક્રમણનો કરાર કરવામાં આવ્યો. યુરોપિયન ઇકૉનૉમિક કૉમ્યુનિટીમાં બ્રિટન તથા બીજા દેશોના પ્રવેશ માટે તેમણે સૌથી વધારે પ્રયાસો કર્યા. મે, 1974માં તેમની સરકાર સામે જાસૂસીના ગંભીર આક્ષેપો થવાથી તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય વિકાસને લગતા કમિશનનું અધ્યક્ષપદ સંભાળ્યું. પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચેના સંબંધો સુધારવાના સતત પ્રયાસોની કદર કરીને બ્રાન્ટને 1971માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે, તેમાં ‘વિલી બ્રાન્ટ ઇન એક્ઝાઇલ : એસેઝ’, ‘રિફ્લેકશન્સ ઍન્ડ લેટર્સ, 1933–1947’નો સમવેશ થાય છે.

કનુભાઈ ચં. બારોટ