બ્રાઝિલિયા (Brasilia) : બ્રાઝિલનું પાટનગર. મોટા પાયા પરના વ્યવસ્થિત અને સુંદર આયોજન માટે દુનિયાભરમાં પ્રથમ સ્થાને મુકાતું ઉદાહરણરૂપ શહેર. તે આજેય તેના ભવ્ય આધુનિક સ્થાપત્ય માટે દુનિયામાં ખૂબ જ જાણીતું છે. ભૌગોલિક સ્થાન : 15° 47´ દ. અ. 47° 55´ પૂ. રે. તે જૂના પાટનગર રિયો-દ-જાનેરોથી વાયવ્યમાં આશરે 970 કિમી. અંતરે બ્રાઝિલના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું છે.
શહેરનું વિહંગાવલોકન કરતાં તે તીર સહિત ખેંચાયેલી પણછવાળા ધનુષ્યાકારનું દેખાય છે. ખેંચાયેલા તીરના ઉપલે છેડે શહેરનો પૂર્વ ભાગ ગોઠવાયેલો છે. ત્યાં સરકારી કાર્યાલયો ધરાવતી ઇમારતો છે. અહીંનો સમગ્ર વિસ્તાર ‘પ્લાઝા ઑવ્ ધ થ્રી પાવર્સ’ નામથી ઓળખાય છે. તેમાં પ્રમુખ અને કૉંગ્રેસનાં કાર્યાલયો અને સર્વોચ્ચ અદાલત આવેલાં છે. પ્લાઝાની પૂર્વ તરફ વિશાળ કદનું જળાશય છે. તેની નજીકમાં બ્રાઝિલિયા યુનિવર્સિટી છે. પ્લાઝાથી પશ્ચિમ તરફ થ્રી પાવર્સ સુધીનો એક પહોળો શાહી માર્ગ ચાલી જાય છે. આ માર્ગની બંને તરફ આકર્ષક ઇમારતોની હાર જોવા મળે છે. આ ઇમારતોમાં કાંટાવાળા મુગટના આકારનું એક ભવ્ય કૅથીડ્રલ પણ છે. ધનુષ્ય અને તીરના સંધાનવાળા શહેરના મધ્યભાગમાં ધંધાકીય અને સાંસ્કૃતિક સ્થળો મનોરંજન-મથકો તથા બસ-મથક આવેલાં છે.
વધુ પશ્ચિમે તીરની અણી પર હોટેલ-સંકુલો, રમતગમતનાં મેદાનો તથા મેળાઓ ભરવા માટેનાં ખુલ્લાં સ્થળો આવેલાં છે. ધનુષ્યની ઉત્તર-દક્ષિણ કમાન પર આવાસી વિસ્તારો પથરાયેલા છે. અહીંની બહુમાળી ઇમારતોની હરોળોમાં સરકારી કર્મચારીઓની કચેરીઓ તથા તેમના આવાસો આવેલાં છે. હરોળદીઠ દુકાનો, થિયેટરો, રમતગમતનાં મેદાનો તથા પ્રાથમિક શાળાઓની સુવિધાઓ છે.
અર્થતંત્ર : શહેરનું અર્થતંત્ર સરકારી કાર્યાલયો અને તેમની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ પર નભે છે. શહેરના મોટાભાગના લોકો સરકારી નોકરીઓમાં રોકાયેલા છે. આ ઉપરાંત અન્ય ઘણા લોકોને કામ મળી રહે એવી બાંધકામ-પ્રવૃત્તિઓ પણ બિનસરકારી ક્ષેત્રે ચાલે છે.
ઇતિહાસ : બ્રાઝિલની રિયો-દ-જાનેરોસ્થિત 1950–1960 દરમિયાનની તત્કાલીન સરકારે અહીંના તદ્દન ઉજ્જડ પ્રદેશને વસાવવાના–વિકસાવવાના હેતુથી આ સ્થળ પર શહેર બાંધવાનો પ્રારંભ કરેલો. 1950–55 દરમિયાન વ્યવસ્થિત આયોજન થયું અને બાંધકામ-પ્રવૃત્તિ 1956–60 દરમિયાન ચાલેલી. બ્રાઝિલના તે વખતના પ્રમુખ જુસેલિનો કુબિત્શેક દ ઑલિવેરાની રાહબરીએ આ પ્રવૃત્તિમાં મુખ્ય ભાગ ભજવેલો. પ્રમુખ તેમજ દેશના અગ્રગણ્ય નિવાસીઓની ઇચ્છા આ અવિકસિત ભાગને નવસાધ્ય બનાવી, કિનારા પરના પાટનગર રિયો-દ-જાનેરોને ત્યાં ખસેડવાની હતી. બ્રાઝિલના સ્થપતિ કોસ્ટાએ આ નૂતન શહેર માટે નકશો તૈયાર કરેલો. બીજા એક સ્થપતિ ઑસ્કાર નિયેમેયરે ઘણી ઇમારતોનો આધુનિક શૈલીએ આકાર આપેલો.
1960ના એપ્રિલની 12મી તારીખે જૂના પાટનગરને રિયો-દ-જાનેરોથી ખસેડીને બ્રાઝિલિયા ખાતે લઈ જવામાં આવેલું. સરકારે તે પછીથી નવા પાટનગરને દેશના ઘણા ભાગો સાથે જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગો બંધાવ્યા. આ નવા માર્ગોને કારણે બ્રાઝિલના ઘણા અંતરિયાળ ભાગોનો વિકાસ શકય બન્યો છે.
બ્રાઝિલિયાની વસ્તી આશરે 15,98,000 (1991) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા