બ્રાઝાવિલ પરિષદ (1944) (1) : આફ્રિકામાં ફ્રેંચોની સત્તા હેઠળનાં સંસ્થાનોમાં શાસકીય સુધારા દાખલ કરવા અંગે વિચારણા કરવા યોજાયેલી પરિષદ. જૂનું કોંગો રાજ્ય (હાલનું ઝાયર) ફ્રાંસનું સંસ્થાન હતું. બ્રાઝાવિલ શહેર આ સંસ્થાનનું પાટનગર હતું. 1944માં આ શહેરમાં સૌપ્રથમ વાર પશ્ચિમ અને વિષુવવૃત્તીય ફ્રેંચ આફ્રિકાના નેતાઓ એકત્રિત થયા હતા. આ પરિષદનો મુખ્ય હેતુ ફ્રેંચ સાંસ્થાનિક શાસનમાં રાજકીય સુધારાઓ દાખલ કરવા અંગે ચર્ચાવિચારણા કરવાનો હતો, જેથી તે સંસ્થાનોની સ્વાધીનતા માટેનો માર્ગ મોકળો થઈ શકે.
બ્રાઝાવિલ પરિષદ (1960) (2) : 1960ના ઉત્તરાર્ધમાં નવા સ્વતંત્ર થયેલા ફ્રેંચભાષી આફ્રિકી દેશોની એક બેઠક અહીં યોજવામાં આવી હતી, જેમાં હાજર રહેલાં રાજ્યો ‘બ્રાઝાવિલે જૂથ’ તરીકે ઓળખાયાં. એ સમયે મોટાભાગના આફ્રિકી દેશો તાજા જ સ્વતંત્ર થયા હોવાથી તેઓ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનો સામનો કરતા હતા. આ અંગે મધ્યમમાર્ગી રાજકીય ર્દષ્ટિબિંદુ ઘડવા માટે આ પરિષદ મળી હતી.
રક્ષા મ. વ્યાસ