બ્રાઉન, હર્બર્ટ ચાર્લ્સ (જ. 22 મે 1912, લંડન) : કાર્બનિક સંશ્લેષણમાં બોરોન તથા ફૉસ્ફરસ સંયોજનોના ઉપયોગને વિક્સાવનાર અમેરિકન રસાયણવિદ. મૂળ નામ હર્બર્ટ બ્રોવેર્નિક. હર્બર્ટ બ્રાઉન જન્મેલા લંડનમાં પણ તેમનું કુટુંબ 1914માં અમેરિકામાં વસાહતી તરીકે જતાં તેઓ ત્યાં સ્થાયી થયા. ખૂબ મુશ્કેલીઓમાં યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કરી 1936માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1938માં તેમણે ત્યાંથી જ પીએચ.ડી.ની પદવી મેળવી. તેમની પ્રતિભાને કારણે 1947માં તેઓ પરડ્યૂ યુનિવર્સિટી ઇન્ડિયાનામાં પ્રાધ્યાપક તરીકે નિમાયા તથા ત્યાં 1978માં નિવૃત્ત થયા ત્યાં સુધી રહ્યા. તેમના સંશોધનમાં કાર્બોનિયમ આયનો અથવા કાર્બ-ધનાયનો તથા ત્રિવિમ (steric) અસર ઉપરાંત બોરોન સંયોજનો અગત્યનાં છે. શિકાગો યુનિવર્સિટીમાં શરૂઆતમાં તેમણે ઔષધો, જંતુઘ્નો અને પરમાણુઊર્જામાં વાપરી શકાય તેવાં 50 જેટલાં સંયોજનો વિકસાવ્યાં હતાં.
સોડિયમ બોરોહાઇડ્રાઇડ(NaBH4)ના તેઓ સહ-શોધક છે. કાર્બનિક સંયોજનોના અપચયન માટે ખૂબ વ્યાપક રીતે તેનો ઉપયોગ કરવાની તેમણે પહેલ કરી હતી. ડાઇબોરેન (B2H6) બનાવવાની સાદી રીત તેમણે શોધી તથા તેનો ઉપયોગ કરી ઑર્ગેનોબોરેન સંયોજનો મેળવવાની રીત પણ વિક્સાવી. આ અપચયન પદ્ધતિઓ હવે હાઇડ્રોબોરેશન તરીકે ઓળખાય છે. હાલમાં તેઓ જંતુઘ્નોના એક નવા વર્ગને વિકસાવવા અંગે સંશોધન કરી રહ્યા છે.
માનવરોગોના ઉપચાર માટે હાઇડ્રૉકોર્ટિઝોન, સ્ટેરૉઇડ અને પ્રોસ્ટાગ્લેન્ડિન સંયોજનોના વિકાસમાં પણ તેમનાં સંશોધનોનો ફાળો મહત્વનો રહ્યો છે. કાર્બનિક સંશ્લેષણમાં બોરોન તથા ફૉસ્ફરસયુક્ત સંયોજનોનો ઉપયોગ વિકસાવવા બદલ 1979ના વર્ષનો નોબેલ પુરસ્કાર તેમને અને જર્મનીના જ્યૉર્જ વિટ્ટીગને સંયુક્ત રૂપે એનાયત થયો હતો.
જ. પો. ત્રિવેદી