બ્રાઉન રૉબર્ટ (જ. 21 ડિસેમ્બર 1773, મોન્ટ્રોઝ, એંગસ; અ. 10 જૂન 1858, લંડન) : બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી. તેઓ દ્રાવણમાં રહેલા સૂક્ષ્મ કણોની થતી સતત ગતિ – ‘બ્રાઉનિયન ગતિ’ – ના શોધક તરીકે ખૂબ જાણીતા છે. તેમણે ચિકિત્સક તરીકેની તાલીમ લીધા પછી બ્રિટિશ આર્મીમાં ચિકિત્સા સંબંધી ફરજો બજાવી. 1801માં ખેડાયેલ ‘ઇન્વેસ્ટિગેટર’ અભિયાન વખતે ઑસ્ટ્રેલિયા તરફ સમુદ્રયાત્રા કરતાં કરતાં સર જૉસેફ બૅંકસે વનસ્પતિ-અન્વેષક (explorer) તરીકે બ્રાઉનમાં રસ લીધો. વનસ્પતિ-ફલનનાં સંશોધનો દરમિયાન તેમણે વનસ્પતિ-કોષમાં રહેલા (કોષ) કેન્દ્રનું નામ આપ્યું અને વર્ણન કર્યું.
તેમની ઑસ્ટ્રેલિયાની યાત્રાનાં પરિણામો 1810માં ‘પ્રોડ્રોમસ ફ્લોરી નોવી હોલેન્ડી’માં અને ‘બ્રાઉનિયન ગતિ’ની સંકલ્પના ‘એ બ્રીફ ઍકાઉન્ટ ઑવ્ માઇક્રોસ્કોપિયલ ઑબ્ઝર્વેશન્સ’(1828)માં પ્રકાશિત થયાં હતાં.
બળદેવભાઈ પટેલ