બ્રાઉન, માઇકલ (જ. 1914, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ઈ. સ. 1985ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના જૉસફ લિયૉનાર્દ ગોલ્ડસ્ટેઇન સાથેના નોબેલ પુરસ્કારના વિજેતા.
કોલેસ્ટેરૉલ અંગેનાં તેમનાં સંશોધનોએ તેમને આ વિશ્વસન્માનના અધિકારી બનાવ્યા હતા. તેઓ યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસમાં ડલ્લાસના હેલ્થ સાયન્સ સેન્ટરમાં કાર્ય કરતા હતા ત્યારે તેમણે અલ્પઘન મેદપ્રોટીન(low density lipoprotein)ના સ્વીકાર પર અભ્યાસ કર્યો હતો. આ એક એવો અણુ છે જે કોલેસ્ટેરૉલયુક્ત કણોને લોહી દ્વારા કોષો સુધી પહોંચાડે છે. તેમના આ અન્વેષણ (discovery) દ્વારા કોલેસ્ટેરૉલના ચયાપચય તથા હૃદય અને નસોના રોગો વિશે ઘણી વિશદ માહિતી પ્રાપ્ત થઈ છે. તેને લીધે હવે આહાર અને પરિશ્રમની હૃદયરોગના હુમલા પર શી અસર પડે છે તેની જાણકારી મેળવી શકાઈ છે. તેઓ અતિકોલેસ્ટેરૉલ-રુધિરતા (hypercholesterolaemia) નામના, બાળકોમાં જોવા મળતા વારસાગત રોગમાં હૃદયરોગના હુમલા કેમ વધુ થાય છે તે સમજવા માટે પ્રયોગો કરતા હતા. તેમણે તેમની અને સામાન્ય માણસોની ચામડીના કોષોનો અભ્યાસ કર્યો હતો. તેમણે શોધી કાઢ્યું કે તેઓમાં અલ્પઘન મેદપ્રોટીનના સ્વીકારકો હોતા નથી. આ પ્રકારનો સ્વીકારક પણ એક પ્રોટીનનો અણુ છે, જે કોષના આવરણરૂપ કોષપટલ (cell membrane) પર ચોંટેલો હોય છે. તેમણે આ સ્વીકારક અને અલ્પઘન મેદપ્રોટીન વચ્ચેના સંબંધનો પણ અભ્યાસ કર્યો હતો. મનુષ્ય ખોરાકમાંથી કોલેસ્ટેરૉલ મેળવે છે અથવા તો તે તેના યકૃતમાં બને છે. મેદપ્રોટીનો તેમને લોહી દ્વારા કોષો સુધી લાવે છે, જ્યાં તેમાંથી કોષપટલો અને કેટલાક સ્ટેરૉઇડજૂથના અંત:સ્રાવો (hormones) બને છે. અલ્પઘન મેદપ્રોટીનના સ્વીકારકો કોલેસ્ટેરૉલ મેળવીને કોષોમાં કોષપટલો અને અંત:સ્રાવો બનાવવા માટે તેને પ્રવેશ આપે છે. જો ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોય કે અલ્પઘન મેદપ્રોટીનની ઊણપ હોય તો વધારાનું કોલેસ્ટેરૉલ ધમનીની દીવાલ પર જમા થઈને મેદજન્ય ધમનીકાઠિન્ય(atherosc-lerosis)નો વિકાર સર્જે છે. તેને કારણે ધમનીની દીવાલ જાડી થાય છે. આવી વિકૃતિ મગજ કે હૃદયને પહોંચતા લોહીના પુરવઠાને ઘટાડીને લકવો કે હૃદયરોગનો હુમલો સર્જે છે.
શિલીન નં. શુક્લ