બ્રાઉન, ગૉર્ડન (જ. 20 ફેબ્રુઆરી 1951, ગ્લાસગો, કિર્કાડલી, બ્રિટન) : જૂન 2007થી બ્રિટનના વડાપ્રધાન. તેમનો પ્રોટેસ્ટન્ટ પરિવાર ધાર્મિક માન્યતાઓમાં ચુસ્ત અને કંઈક જુનવાણી છે. પિતા સ્કૉટલૅન્ડના અધિકારી હતા. બ્રાઉન તેમના પ્રેરણાસ્રોત તરીકે પિતા અને પત્નીને ગણાવે છે. સમગ્ર કુટુંબ સ્કૉટિશ મૂળિયાં ધરાવે છે.
ગૉર્ડન બ્રાઉન
12 વર્ષની કિશોરાવસ્થાથી તેઓ બ્રિટનના મજૂરપક્ષ(‘લેબર પાર્ટી’)ના પ્રચારકાર્યમાં જોડાયા હતા અને 18 વર્ષની વયે મજૂરપક્ષમાં જોડાયા. દરમિયાન 16 વર્ષની વયે રગ્બીની રમત રમતાં એક અકસ્માતમાં તેમણે ડાબી આંખ ગુમાવી હતી. 20 વર્ષની વયે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના સ્નાતક બન્યા તેમજ 21મા વર્ષે આ યુનિવર્સિટીમાં રેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા અને તેમણે ચૂંટણીના પદાર્થપાઠ શીખવાની શરૂઆત કરી. આ પછી અવારનવાર પક્ષની નાની-મોટી કામગીરીમાં સક્રિય રહેવા સાથે જાહેર જીવનમાં રસ લઈ તેઓ રાજકીય જીવનનાં પગથિયાં ચઢવા લાગ્યા.
લોકોના જીવનમાં રસ લેવાની વૃત્તિ અને મજૂરપક્ષના કર્મઠ કાર્યકર તરીકે તેઓ 1983ની આમસભાની ચૂંટણીમાં ચૂંટાઈને સાંસદ બન્યા ત્યારે માત્ર 32 વર્ષની તેમની વય હતી. પક્ષની સક્રિય કામગીરીના પરિણામે તે પછીનાં બારેક વર્ષ સુધી અથાગ પરિશ્રમથી તેઓ આગળ વધ્યા અને 1994માં તેઓ પક્ષના નેતાપદની દોડમાં એક મજબૂત ઉમેદવાર હતા. તે સમયે ટૉની બ્લેરની તરફેણમાં તેઓ આ સ્પર્ધામાંથી ખસી ગયા હતા. તે પછી તેઓ પક્ષની કામગીરીમાં ઊંડા ખૂંપીને દરરોજ 18 કલાક પક્ષના પ્રચારની કામગીરી કરતા રહ્યા. તેમણે બ્રિટનના લોકજીવનમાં મજૂરપક્ષને અગ્રિમ સ્થાને મૂકી આપ્યો. તેમના અને પક્ષના સંયુક્ત પ્રયાસોને પરિણામે ખૂબ લાંબા ગાળા બાદ મજૂરપક્ષને બ્રિટનમાં સત્તાનું સુકાન સાંપડ્યું. ટૉની બ્લેર વડાપ્રધાન બન્યા અને તેમના માતબર સાથી તરીકે બ્રાઉન ચાન્સેલર ઑવ્ એક્સચેકર યાને નાણામંત્રી બન્યા. બ્લેરના વડાપ્રધાન તરીકેના નેતૃત્વમાં તેમનું જબરદસ્ત સમર્થન હતું. બ્રિટનની આર્થિક સફળતાના મુખ્ય સર્જક તરીકેનો યશ તેમના ફાળે જમા છે. છેલ્લાં 200 વર્ષમાં સૌથી લાંબા ગાળા માટે દેશના નાણામંત્રી તરીકે કામગીરી બજાવી ચૂકેલા બ્રાઉનને આર્થિક ક્ષેત્રે અસરકારક બની રહેવા માટે મિત્રો અને પ્રતિસ્પર્ધીઓ – બંને માનની નજરે જુએ છે. બ્લેર-બ્રાઉનની આ જોડીએ મજૂરપક્ષની લોકપ્રિયતાને ઊંચે લઈ જવામાં ખભેખભા મિલાવી કામ કર્યું.
નાણામંત્રી તરીકે સિદ્ધાંતવાદી, વચનપાલન કરનાર, અંતર્મુખી અને છતાં ગૂઢ વ્યક્તિત્વ ધરાવનાર નેતા તરીકે બ્રિટનની પ્રજાની ચાહના તેઓ પામ્યા છે. ગરીબી-નાબૂદી તેમના વડાપ્રધાન તરીકેના એજન્ડામાં ટોચના સ્થાને છે. અર્થતંત્ર, આરોગ્ય અને શિક્ષણની સ્થિરતા માટે તેઓ લાંબા ગાળાનાં પગલાં લેવા ચાહે છે. ‘વિશ્વના ગરીબોને મદદ કરવાની પશ્ચિમનાં રાષ્ટ્રોની જવાબદારી છે.’ એ તેમનું પ્રિય વાક્ય છે.
24 જૂન, 2007ના રોજ મજૂરપક્ષના અધિવેશનમાં વિધિવત્ રીતે વ્યાપક સંમતિથી તેમને આગામી વડાપ્રધાન જાહેર કરાયા હતા. ટૉની બ્લેરના અનુગામી તરીકે તેમણે વડાપ્રધાનપદનો કાર્યભાર 27 જૂન, 2007ના રોજ ગ્રહણ કર્યો. નાણામંત્રી તરીકે તેઓ જવલ્લે જ પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા. જોકે નવા સંજોગોમાં આ વલણ બદલાય તેવી શક્યતા છે. વડાપ્રધાન તરીકે તેઓ ઇરાકમાંથી બ્રિટિશ લશ્કર પાછું બોલાવવાની બહુસ્તરીય યોજના ઘડવાનો ઇરાદો રાખે છે. ભારતની મુલાકાત લેવા તેઓ ઉત્સુક છે. શ્રુતિ વડેરા નામનાં આફ્રિકી ભૂમિકા ધરાવતાં ગુજરાતી મહિલા તેમના નીતિનિર્દેશક વિભાગનાં વડાં છે.
અત્યાર સુધીની સફળ રાજકીય કારકિર્દીની જેમ, વડાપ્રધાન તરીકેની તેમની સફળ કામગીરી પરત્વે બ્રિટનની પ્રજા મીટ માંડીને બેઠી છે.
રક્ષા મ. વ્યાસ