બ્રાઉનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક શોભન પ્રજાતિ. તે મૂળ સેન્ટ્રલ અમેરિકા અને ટ્રિનિદાદથી ભારતમાં આવેલી મનાય છે. કચનાર, કેસિયા, અશોક વૃક્ષ – એ બધાં એના જાતભાઈ છે. તેની એક જાણીતી જાતિનું વૈજ્ઞાનિક નામ Brownea grandiceps છે. મધ્યમ ઊંચાઈનું આ વૃક્ષ એનાં લીલાંછમ મધ્યમ કદનાં પર્ણો અને ગુલાબી લાલચટક પુષ્પોનાં ઝૂમખાંથી શોભી ઊઠે છે. તે બહુ ઝડપથી વધતું નથી એટલે પૂરેપૂરું વધતાં 10થી 12 વર્ષ સહેજે લાગી જાય છે. શાખાઓ પણ ભવ્ય રીતે ઝૂકતી – વળાંક લેતી હોય છે. કુમળાં પર્ણો લાલાશ પડતાં હોય છે. પુષ્પો ઉનાળામાં આવે છે. વંશવૃદ્ધિ બીથી થાય છે. ઉદ્યાનોમાં જોવા મળતી બ્રાઉનિયાની બીજી જાતો આ પ્રમાણે છે :
B. coccinia : આ વૃક્ષ પ્રમાણમાં નાનું થાય છે. પુષ્પ ગુલાબી રંગનાં ઉનાળામાં તેમજ ચોમાસાના અંત ભાગમાં ઉત્પન્ન થાય છે.
B. ariza : આ વૃક્ષ પણ નાનું થાય છે. ફૂલો ગુલાબી રંગનાં ઝૂમખાંમાં ડાળીઓને છેડે આવે છે.
મ. ઝ. શાહ