બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ

January, 2001

બ્રાઉનિંગ, એલિઝાબેથ બૅરેટ (જ. 6 માર્ચ 1806, ડરહામ નજીક; અ. 29 જૂન 1861, ઇટાલી) : અંગ્રેજ કવયિત્રી. અત્યંત કડક સ્વભાવના પિતા એડવર્ડ મૉલ્ટન બેરેટનાં 12 સંતાનોમાંનાં એક. વિધિસરનું કોઈ શિક્ષણ પ્રાપ્ત ન કરનાર એલિઝાબેથને વાચનનો ખૂબ શોખ. ખૂબ જ નાની ઉંમરમાં કાવ્યો લખવાનું શરૂ કરેલું. 1819માં તેમના પિતાએ એલિઝાબેથે લખેલ મહાકાવ્ય ‘ધ બૅટલ ઑવ્ મૅરેથોન’ની 50 નકલ છાપેલી. 1826માં એલિઝાબેથે અજ્ઞાત રહીને ‘ઍન એસે ઑન માઇન્ડ વિથ અધર પોએમ્સ’ નામની કૃતિમાં ઇતિહાસ, વિજ્ઞાન, આધિભૌતિક વિશ્વ અને પ્રાચીન ગ્રીસથી વિક્ટૉરિયન યુગ સુધીનું સર્વેક્ષણ 88 પાનાંમાં કરવાનો પ્રયાસ કર્યો. એલિઝાબેથે 1821થી શારીરિક પીડા ભોગવવા માંડી. જ્ઞાનતંતુઓની નબળાઈથી મસ્તિકશૂળ, અશક્તિ, અનેક વાર મૂર્છા વગેરે તકલીફો તેમની જીવનભરની સાથીદાર રહી.

1833માં પોતાના કર્તૃત્વને છુપાવીને ‘પ્રૉમિથિયસ બાઉન્ડ : ટ્રાન્સલેટેડ ફ્રૉમ ધ ગ્રીક ઑવ્ ઇસ્કાઇલસ ઍન્ડ મિસલેનિયસ પોએમ્સ’ નામનું પ્રકાશન પ્રસિદ્ધ થયું. બેરેટ કુટુંબ 1838માં લંડન ગયું અને ત્યાં સ્થાયી થયું. તે વર્ષે એલિઝાબેથે તેમનું સૌપ્રથમ પુસ્તક ‘ધ સેરાફિમ ઍન્ડ અધર પોએમ્સ’ પોતાના નામથી પ્રસિદ્ધ કર્યું. આ કાવ્યોમાં ભારે વ્યથા અને ઉપદેશો ઠાંસીને ભરેલાં હોવા છતાં વિવેચકોએ અનહદ શક્તિ ધરાવતી કવયિત્રી તરીકે તેમને નવાજ્યાં. 1838માં એલિઝાબેથનું સ્વાસ્થ્ય કથળ્યું. બે વર્ષ પછી તેમનો ભાઈ એડવર્ડ ડૂબીને મૃત્યુ પામ્યો. આ આઘાત તેમના માટે અસહ્ય બની રહ્યો અને સ્વાસ્થ્ય વધુ કથળ્યું. તે પછીનાં 5 વર્ષ તેઓ પોતાના કમરામાં જ પુરાઈ રહ્યાં અને તેમણે કુટુંબીઓ અને અંગત મિત્રો સિવાય કોઈને પણ મળવાનું ટાળ્યું; પરંતુ 1844માં પ્રસિદ્ધ થએલ તેમની ‘પોએમ્સ’થી તેમને ખૂબ કીર્તિ મળી. તેમનાં ‘ધ ડેડ પૅન’, ‘લેડી જેરાલ્ડિન્સ કૉર્ટશિપ’ જેવાં કાવ્યોની ઇંગ્લૅન્ડ અને અમેરિકાના વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી. આ ‘પોએમ્સ’નું એક પરિણામ એ આવ્યું કે રૉબર્ટ બ્રાઉનિંગ સાથે તેમના દ્વારા મિત્રતા બંધાઈ. 1845માં તેમની કાવ્યરચનાઓથી આકર્ષાઈને રૉબર્ટ બ્રાઉનિંગે તેમને પત્રો લખવાનું શરૂ કર્યું અને એ રીતે ઇંગ્લૅન્ડના એક અત્યંત જાણીતા સાહિત્યિક પ્રેમ-પ્રકરણની શરૂઆત થઈ. અત્યંત વ્યથાપૂર્ણ શારીરિક અસ્વસ્થતાને કારણે એલિઝાબેથને કોઈ પણ બાબતમાં આશા રહી નહોતી. જીવનનું આ નૈરાશ્ય તેમના રૉબર્ટને લખેલા પત્રો અને તેમનાં ‘સૉનેટ્સ ફ્રૉમ ધ પોર્ટુગીઝ’માં પ્રગટ થયું છે. એલિઝાબેથના પિતાએ પોતાનાં સંતાનોને લગ્ન અંગે મનાઈ ફરમાવી હતી, તેથી એલિઝાબેથે રૉબર્ટ બ્રાઉનિંગ સાથે 1846માં ખાનગીમાં લગ્ન કર્યું. પિતાને આનાથી ઊંડો આઘાત લાગ્યો અને પુત્રીનું મોં કદી નહિ જોવાનો નિર્ધાર જાહેર કર્યો.

એલિઝાબેથ બૅરેટ બ્રાઉનિંગ

બ્રાઉનિંગ દંપતી લગ્ન પછી ફ્રાન્સ થઈને ઇટાલી ગયાં અને ફ્લૉરેન્સમાં સ્થાયી થયાં. એલિઝાબેથનું સ્વાસ્થ્ય સુધરવા માંડ્યું અને 1849માં તેમણે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ વિડમૅન બૅરેટ બ્રાઉનિંગ. 1850માં ‘સૉનેટ્સ ફ્રૉમ ધ પૉર્ટુગીઝ’માંથી ચૂંટીને, સંસ્કારીને તેમણે ‘પોએમ્સ’ની સંસ્કારાયેલી આવૃત્તિ પ્રસિદ્ધ કરી, જેને આધુનિક યુગના વાચકો તેમની શ્રેષ્ઠ કૃતિ ગણે છે; પરંતુ તેમના જમાનાના વાચકોમાં તેમની કૃતિ ‘અશેરા લી’ (1956) ખૂબ પ્રિય બની હતી.

એલિઝાબેથને તેમના જીવનમાં પાછલાં વર્ષોમાં ઇટાલીના એકતા અને સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં ઊંડી દિલચશ્પી હતી. તેમની કૃતિઓ ‘કાસા ગ્વીડી વિન્ડોઝ’ (1851) અને ‘પોએમ્સ બિફૉર કૉંગ્રેસ’ (1860) – બંનેમાં ઇટાલીના સંઘર્ષ માટે સહાનુભૂતિ જગાવવાનો હેતુ હતો. એલિઝાબેથ બ્રાઉનિંગે 29 જૂન, 1861ના દિવસે રૉબર્ટ બ્રાઉનિંગના બાહુઓમાં ખૂબ શાંત ચિત્તે ‘મુખ પર સ્મિત સાથે’ પ્રાણત્યાગ કરેલો.  તેમના જીવનકાળ દરમિયાન જ એલિઝાબેથ બ્રાઉનિંગ કવયિત્રી તરીકે ખૂબ ખ્યાતિ પામ્યાં હતાં.

પંકજ જ. સોની