બ્રાઉનિંગ, રૉબર્ટ (જ. 1812, લંડન; અ. 12 ડિસેમ્બર 1889, લંડન) : અંગ્રેજ કવિ. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં સિનિયર કલાર્ક, પણ કલા અને સાહિત્યના રસિક. આ વારસો રૉબર્ટ બ્રાઉનિંગને મળ્યો. માતા સંગીતપ્રેમી, પિયાનોવાદક અને શ્રદ્ધાળુ. રૉબર્ટ બ્રાઉનિંગ 1828માં યુનિવર્સિટી ઑવ્ લંડનમાં દાખલ થયા પણ દોઢેક વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. નાનકડા સંયુક્ત કુટુંબમાં તેમણે પોતાને ઘરે રહીને પિતાની અંગત લાઇબ્રેરીનાં 7000 જેટલાં પુસ્તકોનો અભ્યાસ કર્યો.

રોબર્ટ બ્રાઉનિંગ

16 વર્ષની ઉંમરે તેમણે કાવ્યો રચવાની શરૂ કરી. સૌપ્રથમ પ્રસિદ્ધ થયેલ કાવ્યરચના ‘પૉલિન’(1933)નો નાયક એક યુવાન કવિ છે – હૂબહૂ બ્રાઉનિંગ પોતે જ લાગે. તે ધીર પ્રેમિકા આગળ પોતાના હૃદયની વાત કરે છે. કાવ્યરચનાના કવિનું નામ અજ્ઞાત રાખેલું. કવિતા વાંચીને જ્હૉન સ્ટુઅર્ટ મિલે ટીકા કરેલી કે ‘આ અજ્ઞાત કવિ કોઈ શાણા માનવીમાં ન જોવા મળે તેવા રુગ્ણ અંતર્મુખી અતિ ઉત્કટ ચેતનાના ભાવથી ઘેરાયેલા જણાય છે.’ રૉબર્ટ બ્રાઉનિંગે આ ટીકા વાંચીને પોતાના વિચારો વાચકો આગળ સીધેસીધા રજૂ ન કરવાનો નિર્ધાર કર્યો. ત્યારબાદની રચનાઓમાં તેઓ સ્ત્રી અને પુરુષ પાત્રો પાસે બધું બોલાવે છે – ‘ડ્રામેટિક મૉનૉલૉગ’ની પદ્ધતિ અખત્યાર કરે છે.

તેમની કાવ્યવિકાસયાત્રામાં આ એક નવું કદમ છે. તેમની કૃતિ ‘પૅરાસેલ્સસ’(1835)માં તેમનો આત્મકથાત્મક અભિગમ દેખાય છે. કવિતાનો નાયક રેનેસાંનો કીમિયાગર છે. જોકે તેમને એ કાવ્યરચના નિષ્ફળ જણાયેલી, પણ તે કાવ્યરચનાએ વર્ડ્ઝ્વર્થ અને ટૉમસ કાર્લાઇલ જેવા મહાન સાહિત્યકારોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કર્યું અને તેમના પ્રોત્સાહનથી તેઓ લંડનમાં સાહિત્યિક વર્તુળોમાં જાણીતા બન્યા.

1838માં તેમણે ઇટાલીની મુલાકાત લીધી. તેમનો હેતુ ત્યાંના વાતાવરણને એવું તો આત્મસાત્ કરવાનો હતો કે જેથી તેઓ તેમની ‘સોર્ડેલો’ નામની કૃતિમાં તેનો પૂરો ઉપયોગ કરી શકે. 1840માં કૃતિ તો પ્રસિદ્ધ થઈ પણ તે તદ્દન નિષ્ફળ ગઈ અને તેમના યશમાં કોઈ વૃદ્ધિ ન થઈ. વિવેચકોએ એકીઅવાજે જાહેર કર્યું કે કૃતિ અત્યંત દુર્ગમ અને બિન-વાચનક્ષમ છે. આજે પણ તે એવી જ લેખાય છે.

પોતાની કાવ્યકૃતિઓ ‘સોર્ડેલો’ અને ‘સ્ટ્રૅટફૉર્ડ’ અંગે નિરાશાજનક પ્રતિભાવ મળવાને કારણે તેઓ નાટ્ય-એકોક્તિ (dramatic monologue) લખવા તરફ વળ્યા. તેમણે પોતાના સુદીર્ઘ કાવ્ય ‘પિપા પાસીઝ’(1841)માં આ કાવ્યસ્વરૂપને પૂર્ણતા અર્પવાનો પ્રયાસ કર્યો છે. 1842માં પ્રસિદ્ધ થયેલ ‘ડ્રામૅટિક લિરિક્સ’ અને 1845માં પ્રકાશિત ‘ડ્રામેટિક રોમૅન્સિઝ ઍન્ડ લિરિક્સ’માં પણ આ કાવ્યસ્વરૂપને નિખારવાનો તેમનો પ્રયાસ છે. નાટ્ય-એકોક્તિ મોટાભાગે બ્લક વર્સમાં લખાયેલ કોઈ નાટ્યાત્મક મર્મવાળી ક્ષણમાં એક પાત્ર દ્વારા ઉચ્ચારાયેલ ઉક્તિ છે; જેમાં પાત્રના મનોભાવો અને તેના વ્યક્તિત્વનો આવિર્ભાવ થાય છે. તેના ઉદ્દેશો અને કર્તૃત્વ અંગેનો પરિચય પાત્રના સ્વમુખે મળે છે. તેમનાં કાવ્યો ‘માય લાસ્ટ ડચેસ’, ‘સૉલિલૉકવી ઑવ્ સ્પૅનિશ ક્લૉઇસ્ટર’ અને ‘ધ બિશપ ઑડર્સ હિઝ ટુમ્બ ઇન સેંટ પ્રૅક્સડ ચર્ચ’માં વ્યક્ત થયેલ વક્રોક્તિઓ વાચકને આનંદ આપે છે.

ઍલિઝાબેથ બૅરેટ નામનાં કવયિત્રીનાં ‘કાવ્યો’માં તેમના પ્રશંસાજનક ઉલ્લેખો વાંચીને તેમણે 1845માં તેમને પત્ર લખ્યો. તે વખતે ઍલિઝાબેથ માંદગીને કારણે અશક્તિથી લગભગ અપંગ સ્થિતિમાં હોવાથી પોતાના કમરામાં જ પુરાયેલાં રહેતાં હતાં, પણ બંને વચ્ચેનો પત્રવ્યવહાર ચાલ્યા જ કર્યો અને રૉબર્ટ બ્રાઉનિંગ 20 મે, 1845ના રોજ તેમને પ્રથમ વાર રૂબરૂ મળવા ગયા. તેમણે એવું તો પ્રોત્સાહન આપ્યું કે ઍલિઝાબેથમાં ઝડપથી શક્તિ આવવા માંડી, નવી આશાનો સંચાર થયો અને નવો આત્મવિશ્વાસ જાગ્યો. છેવટે તેમણે રૉબર્ટ સાથે ખાનગીમાં લગ્ન કરવાનું 12 સપ્ટેમ્બર 1846ના રોજ નક્કી કર્યું. ઍલિઝાબેથને લગ્નની વાત ખાનગી રાખવા પાછળનું કારણ એ હતું કે તેમના પિતાએ સૌ સંતાનોને પ્રેમપ્રકરણો અંગે મનાઈ ફરમાવેલ હતી. લગ્ન પછી બંનેએ લંડન છોડ્યું અને ઇટાલીમાં ફ્લૉરેન્સમાં 1847થી 1861 સુધી નિવાસ કર્યો. ત્યાં 1849માં પુત્ર રૉબર્ટ વિડમૅન બૅરેટ બ્રાઉનિંગનો જન્મ થયો.

1855માં રૉબર્ટ બ્રાઉનિંગે ‘મૅન ઍન્ડ વિમેન’ શીર્ષકવાળું 51 કાવ્યોનું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં મોટાભાગની નાટ્ય-એકોક્તિઓ છે, પણ આધુનિક વાચકને પણ તે વાંચવી ગમે તેવી છે. વિવેચકોએ મુક્ત કંઠે તેની પ્રશંસા કરી અને કવિને દાન્તેના તથા પ્રીરાફેલાઇટ બ્રધરહુડના મૂર્તિમંત સ્વરૂપ તરીકે નવાજ્યો.

ઍલિઝાબેથ બ્રાઉનિંગની તબિયત ધીરે ધીરે લથડતી જ ગઈ અને 29 જૂન, 1861ના રોજ તેમનું નિધન થયું. ત્યારબાદ રૉબર્ટને માટે ફ્લૉરેન્સમાં ઍલિઝાબેથ વિનાનું જીવન અકારું થઈ ગયું અને ઇંગ્લૅંડ જઈને સાહિત્યપ્રવૃત્તિમાં ખોવાઈ જવાનો નિર્ધાર કર્યો. 1864માં તેનાં ‘ડ્રામેટિક પરસોના’ નામે કાવ્યો પ્રસિદ્ધ થયાં, જેમાંની કેટલીક રચનાઓ જટિલ હોવા છતાં સામાન્ય વાચકને તેમાં રસ પડે તેવી છે. કવિ તરીકેની તેમની કીર્તિમાં તેમની કૃતિ ‘ધ રિંગ ઍન્ડ ધ બુક’ પ્રકાશિત થયા પછી ઝડપથી વૃદ્ધિ થઈ. 12 ગ્રંથોમાં લખાયેલા અને 21,000 પંક્તિઓમાં પ્રસરેલા આ સુદીર્ઘ કાવ્યમાં 12 નાટ્ય-એકોક્તિઓ છે. 1698માં રોમમાં થયેલી એક હત્યા અને તેના મુકદ્દમા ઉપર આધારિત આ કવિતામાં જુદાં જુદાં પાત્રો આ ગુનાને પોતપોતાની રીતે મૂલવે છે. વૃત્તાંતો એકેબીજાથી વિરુદ્ધ હોવા છતાં છળ અને આત્મ-નિરીક્ષણનાં જાળાં પછવાડેથી છેલ્લે સત્ય ડોકાય છે. આ કૃતિના પ્રકાશન પછી લંડનમાં એક પ્રભાવશાળી કવિ તરીકે રૉબર્ટ બ્રાઉનિંગનું વ્યક્તિત્વ ઊપસ્યું. આરંભની કારકિર્દીમાં એલિઝાબેથ કરતાં કવિ તરીકેની કીર્તિ ઓછી હોવા છતાં 1870 સુધીમાં તો તેમની સરખામણી લૉર્ડ ટેનિસન જેવા કવિઓ સાથે થવા માંડી. તેમની કવિતાનો પ્રભાવ આધુનિક કવિઓ ટી. એસ. એલિયટ અને એઝરા પાઉન્ડ ઉપર જોવા મળે છે. ઊર્મિ-કાવ્યોના તેમના છેલ્લા સંગ્રહ ‘એપિલૉગ’માં તેમણે એક સ્થળે લખ્યું છે કે પોતે ક્યાંય પાછી પાની કરી નથી. સદા આગેકૂચ જ કરતો રહ્યો છે. ‘નિશાનચૂક માફ, માફ નહિ કિંતુ નીચું નિશાન’ વાળી વાત કરીને તેમણે આશાવાદની તરફેણ કરી છે.

પંકજ જ. સોની