બ્રહ્માંડપુરાણ : અઢાર ભારતીય પુરાણો પૈકીનો અઢારમો પુરાણગ્રંથ. વિષ્ણુપુરાણ, માર્કંડેય પુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણની અનુક્રમણિકાઓમાં તેનો અઢારમા પુરાણ તરીકે ઉલ્લેખ છે. તેમાં દેવીભાગવત અનુસાર 12,100 અને મત્સ્યપુરાણ અનુસાર 12,200 શ્લોકો છે; જ્યારે ભાગવત, નારદીય અને બ્રહ્મવૈવર્તપુરાણની અનુક્રમણિકા અનુસાર 12,000 શ્લોકો આ પુરાણમાં છે. તેમાં 109 અધ્યાયો છે. બ્રહ્માએ આ પુરાણ બ્રહ્માંડનો મહિમા બતાવવા રચ્યું ગણાય છે. તે વાયુપુરાણનું પ્રાચીન સ્વરૂપ હોવાનું પાર્જિટર અને વિન્ટરનિટ્ઝ માને છે.
‘આપસ્તંબ ધર્મસૂત્ર’, ભવિષ્યપુરાણ અને બ્રહ્માંડપુરાણના ઘણા અંશ પરસ્પર મળતા આવે છે. ડૉ. બુલ્હરના મતે ‘આપસ્તંબ ધર્મસૂત્ર’નો રચનાકાળ ઈ. પૂ. 300 ગણાય. જૈન ધર્મનો તેમાં ઉલ્લેખ છે. જૈન ધર્મનો પ્રવર્તનકાળ ઈ. પૂ. 600 મનાય છે. આથી આ પુરાણ ઈ. પૂ. 600ની આસપાસ રચાયું હોવું જોઈએ.
ઈ. પૂ. 500ની આસપાસ હિંદુઓ જાવા ગયા ત્યારે રામાયણ, મહાભારત આદિ સાથે બ્રહ્માંડપુરાણ પણ લઈ ગયા હતા. ત્યાંથી બાલિ દ્વીપમાં આ પુરાણ ગયું છે. બાલિ દ્વીપમાં વેદ જેટલો બ્રહ્માંડપુરાણનો આદર થાય છે. બ્રહ્માંડપુરાણનો ઇન્ડોનેશિયાની ભાષામાં અનુવાદ પણ થયો છે. ડૉ. ફ્રેડરિકે ઇન્ડોનેશિયાની ભાષામાં બ્રહ્માંડપુરાણ વિસ્તૃત વિવરણ સાથે પ્રગટ કર્યું છે.
પ્રો. વિલ્સન અને તેમના સમર્થકો બ્રહ્માંડપુરાણને પ્રાચીન ન માનતાં આધુનિક ગણે છે. બાલિ દ્વીપના બ્રહ્માંડપુરાણમાં ભવિષ્ય રાજવંશ નથી. પાંડુવંશીય પરીક્ષિતના પુત્ર જનમેજયના પ્રપૌત્ર અધિસીમકૃષ્ણનું નામ માત્ર મળે છે. અર્થાત્ ઈ. પૂ. 500માં યવદ્વીપ (જાવા) જનારા હિંદુઓ જે બ્રહ્માંડપુરાણને સાથે લઈ ગયા તેમાં ભવિષ્ય રાજવંશનું વર્ણન ન હતું. આજે ઉપલબ્ધ થતા બ્રહ્માંડપુરાણમાં ભવિષ્ય રાજવંશનું વર્ણન મળે છે. આ પુરાણ ચાર પાદમાં વહેંચાયેલું છે : પ્રક્રિયા, અનુષંગ, ઉપોદઘાત અને ઉપસંહાર.
આમ, પ્રાચીન સમયમાં પાદાનુક્રમ થતો, ભાગ નહિ. પ્રક્રિયા-પાદમાં કુરુક્ષેત્ર-સત્ર પ્રસંગે, રોમહર્ષણ(સૂત)ના આગમન-પ્રસંગે પ્રશ્ન થતાં નૈમિષનું આખ્યાન આરંભી, નૈમિષારણ્યના દ્વાદશ વાર્ષિક સત્રમાં સૌવર્ણ યજ્ઞવાટ પડાવી લેવાની ઐલ પુરૂરવાની ચેષ્ટા બદલ કુશવજ્ર ઋષિએ તેનો વધ કર્યો એ પ્રધાન ઘટના વર્ણવ્યા બાદ હિરણ્યગર્ભથી પ્રધાનગુણના વૈષમ્યના પરિણામે સર્ગપ્રક્રિયા વર્ણવાઈ છે. સ્વાયંભુવની ત્રણ અવસ્થાઓ, કલ્પ, વરાહ, પ્રાકૃત-વૈકૃત સર્ગ, દેવ-ઋષિ વગેરે નાનાવિધ સૃષ્ટિનું વર્ણન વિગતે કરવામાં આવ્યું છે. પ્રક્રિયાપાદમાં પાંચ અધ્યાયો છે.
અનુષંગ-પાદમાં કલ્પ, મન્વન્તર, ચતુર્યુગ-પ્રમાણ, દ્વીપાદિ-વર્ણન, વસાહત, અધ:સ્રોતસ્ સૃષ્ટિ, માનસી સૃષ્ટિ, બ્રહ્માથી માંડી દેવ, પિતૃ, માનવ આદિની સૃષ્ટિ, રુદ્રની ઉત્પત્તિ, અષ્ટમૂર્તિ, અગ્નિવંશ, દ્વીપજનપદ, આદિત્યવ્યૂહ, ખગોળ, સમુદ્રમંથન, વિકૃત વેષે મહાદેવનો દારુવનપ્રવેશ, લિંગસ્થાપના, ભસ્મસ્નાનવિધિ, પુરૂરવા દ્વારા અમાસનું શ્રાદ્ધ, યુગ અને યુગધર્મવર્ણન, યજ્ઞપ્રવર્તન, ઋષિલક્ષણ, મંત્રલક્ષણ, મંત્રપ્રકાર, પૃથ્વીદોહન, વૈવસ્વત-મનુવંશ-વર્ણન સમાવાયાં છે. અનુષંગ-પાદમાં 33 અધ્યાય છે.
બ્રહ્માંડપુરાણના પૂર્વખંડના પ્રક્રિયા અને અનુષંગ બે પાદ છે.
બ્રહ્માંડપુરાણના મધ્યમ ખંડમાં કેવળ ઉપોદઘાતપાદ છે. તેમાં 74 અધ્યાય છે. આ પાદમાં ઋષિનો અર્થ સપ્તર્ષિ, ઋષિવંશ, પ્રજાપતિ, દક્ષ-પ્રજાસર્ગ, ધર્મ-પ્રજાસર્ગ, જયાખ્યાન, નૃસિંહાવતાર, કશ્યપ દ્વારા દિતિથી મરુતોની ઉત્પત્તિ, દનુવંશ, સિંહિકાપુત્રવંશ, કાશ્યપેય ઋષિવંશ, પિતૃકલ્પ, શ્રાદ્ધ, હિમાલયનો વૃત્તાંત, પરશુરામ-ઔર્વસંવાદ, પરશુરામચરિત, સહસ્રાર્જુન-વંશ, ત્રૈલોક્ય કવચ, અગસ્ત્ય-પરશુરામ પ્રસંગ, ભાર્ગવચરિત, સગરોપાખ્યાન, ગાંધર્વમૂર્છનાલક્ષણ, ઇક્ષ્વાકુ-વંશ, ચંદ્ર-વંશ, અમાવસુ, ધન્વન્તરિવંશ, યયાતિચરિત, વિષ્ણુમાહાત્મ્ય વગેરે વર્ણવાયાં છે.
ત્રીજા ઉત્તરખંડના ઉપસંહારપાદમાં 40 અધ્યાય છે. એમાં ભૂત-સંપ્લવ, શિવપુર, પ્રતિસર્ગ અને બ્રહ્માંડવર્ણન છે. અગસ્ત્ય-હયગ્રીવ-પ્રસંગ, અમૃતમંથન, ભંડાસુર-પ્રાદુર્ભાવ, લલિતા-પ્રાદુર્ભાવ, લલિતા-સ્તવરાજ, મદન-કામેશ્વર પ્રાદુર્ભાવ, મંત્રરાજસાધન-પ્રકાર, કામાક્ષીકથા, કામાક્ષી-માહાત્મ્ય, દેવીદીક્ષા વગેરેનાં વર્ણન જોતાં ઉપસંહારપાદમાં પુરાણના મૂળભૂત પ્રલય-વૃત્તાંત સાથે હયગ્રીવ અને લલિતાદેવીનાં વૃત્તાંતને સાંકળી લઈ નવા અંશો ઉમેરાયા છે. લલિતાસહસ્રનામ અને લલિતાની તાંત્રિક ઉપાસના આ પુરાણનો પ્રસિદ્ધ અંશ છે. કેટલાક વિદ્વાનો અધ્યાત્મરામાયણને બ્રહ્માંડપુરાણનો જ અંશ માને છે; પણ તે ઉપલબ્ધ બ્રહ્માંડપુરાણમાં મળતું નથી.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા