બ્રહ્માંડ (cosmos) : નજરાતીત પરમાણુઓથી માંડી અતિ દૂરના ખગોલીય પિંડ સુધીના અસ્તિત્વ ધરાવતા તમામ પદાર્થો, વિકિરણ અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રને પ્રસ્તુત કરતું પદ (term). ગ્રીક ભાષામાં ‘કૉસ્મૉસ’(kosmos)નો અર્થ વ્યવસ્થા, વિશ્વ અથવા જગત થાય છે. સમગ્ર ભૌતિક વિશ્વ અને ખગોલીય પદાર્થોનો તે અભ્યાસ છે. વિશ્વ વિરાટ છે; તેનો સૂક્ષ્મ અંશ જ સીધેસીધો જોઈ કે અવલોકી શકાય છે.

ગ્રીકોને મન બ્રહ્માંડ એટલે વ્યવસ્થિત અને એકરૂપ (homogeneous) તંત્ર; જેમાં પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, તારા, ર્દશ્યમાન ગ્રહો વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાનમાં એટલું તો સ્પષ્ટ છે કે સૂર્ય 100 અબજ તારાઓમાંનો એક તારો છે. આવા અબજો તારાઓ આકાશ-ગંગા(milky way)ને નામે જાણીતા તારાવિશ્વ(galaxy)નું નિર્માણ કરે છે. પૃથ્વી પરથી દેખાતું તારાવિશ્વ 100 અબજ તારાવિશ્વોમાંનું એક છે. આ બધાં તારાવિશ્વો અવલોકીય વિશ્વ રચે છે. હવે તો આ વિશ્વમાં અર્દશ્ય દ્રવ્ય (dark matter) અને બ્લૅક હોલ જેવા અસામાન્ય પિંડની પણ પ્રતીતિ થતી જાય છે. પૃથ્વીનું સૌરમંડળ (solar system) તો તેનો એક અતિસૂક્ષ્મ અંશ છે.

બ્રહ્માંડનો વિચાર કરતાં જ તેની ઉત્પત્તિ, ઉત્ક્રાન્તિ, પરિવર્તન વગેરે અંગેના અનેક મતમતાંતરોનો સંદર્ભ મહત્વનો બની રહે છે. એ સંદર્ભને બ્રહ્માંડનું સ્વરૂપ સમજવા-સમજાવવાની મથામણ રૂપે જોવામાં આવે છે. બ્રહ્માંડની વાત કરતાં તેમાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જિત કરતા પલ્સાર, ક્વેસાર અને ઉચ્ચ ઊર્જા ધરાવતાં બ્રહ્માંડ-કિરણોના પ્રબળ પ્રક્રિયા કરતા કણો વગેરે ઘણી ઘણી બાબતો આવી જાય છે.

પ્રહલાદ છ. પટેલ