બ્યૂકૅનન, જેમ્સ મૅકગિલ

January, 2001

બ્યૂકૅનન, જેમ્સ મૅકગિલ (જ. 1919, મસ્ફ્રીબોરો, ટેનેસી, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા) : અર્થશાસ્ત્ર માટેના 1986ના વર્ષના નોબેલ પારિતોષિક-વિજેતા તથા જાહેર પસંદગી સિદ્ધાંત(Public Choice Theory)ના સહપ્રણેતા. અર્થશાસ્ત્ર વિષય સાથે શિકાગો યુનિવર્સિટીની સ્નાતક તથા અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કર્યા પછી વર્જિનિયા રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ સ્તરની શિક્ષણસંસ્થાઓમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી; જેમાં યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયા, વર્જિનિયા પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટ, સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયા તથા જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. તેમના જ પ્રયાસથી 1969માં સ્થપાયેલ ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ પબ્લિક ચૉઇસ’ સંસ્થાના તેઓ પ્રથમ નિયામક રહી ચૂક્યા છે. ઉત્તર-પૂર્વ વર્જિનિયાના ફેરફૅક્સ નગરમાં સ્થપાયેલ જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીની ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ પબ્લિક ચૉઇસ’ નામની સંસ્થા  ઊભી કરવાનો જશ પણ તેમને જ ફાળે જાય છે.

જેમ્સ મૅકગિલ બ્યૂકૅનન

જાહેર પસંદગી સિદ્ધાંતના તેમના સહપ્રણેતા ગૉર્ડન ટુલૉકના સહયોગથી તેમણે ‘પબ્લિક ચૉઇસ’ નામક વિદ્યાકીય સામયિક શરૂ કર્યું હતું; તે ઉપરાંત બ્યૂકૅનને સ્વતંત્ર રીતે ‘કૉન્સ્ટિટ્યૂશન ઑવ્ ઇકૉનૉમિક્સ’ નામનું સામયિક પણ શરૂ કર્યું છે.

1963માં બ્યૂકૅનન અમેરિકાના સધર્ન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે તથા 1983 અને 1984માં વેસ્ટર્ન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે ચૂંટાયા  હતા. 1971માં તેઓ અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના ઉપપ્રમુખ બન્યા હતા.

બ્યૂકૅનન તથા ટુલૉકનો જાહેર પસંદગીનો સિદ્ધાંત મતદાતાઓ, રાજકારણીઓ, સંસદ તથા ધારાસભાઓના સભ્યો અને સહકારી અમલદારોના વર્તનનું વિશ્લેષણ કરે છે; તે સરકારની નિષ્ફળતાઓ પર પ્રકાશ પાડે છે તથા તેમાં સુધારણા કરવાની દિશામાં સૂચનો કરે છે. તેમનો આ સિદ્ધાંત તે અગાઉના રાજ્યતંત્રની કાર્યપદ્ધતિ તથા રાજ્ય સાથે સંકળાયેલા ઘટકોનાં વર્તન અને વ્યવહારનું વિશ્લેષણ કરતા સિદ્ધાંતોનું સ્થાન લે છે. આ ક્ષેત્રમાં બ્યૂકૅનનના યોગદાન માટે જ તેમને 1986નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

તેમણે કરેલ વિપુલ લેખનકાર્યમાં નોંધપાત્ર છે : ‘કૅલ્ક્યુલસ ઑવ્ કન્સેન્ટ : લૉજિકલ ફાઉન્ડેશન્સ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ડેમૉક્રસી’ (1962), ‘કૉસ્ટ ઍન્ડ ચૉઇસ’ (1969), ‘ધ ડિમાન્ડ ઍન્ડ સપ્લાય ઑવ્ પબ્લિક ગુડ્ઝ’ (1968), ‘ફ્રીડમ ઇન કૉસ્ટિટ્યૂશનલ કૉન્ટ્રૅક્ટ’ (1977), ‘ધ લિમિટ્સ ઑવ્ લિબર્ટી’ (આર. પી. ટૉલિસન સહલેખક) (1975) તથા ‘ધ પાવર ટૂ ટૅક્સ’ (જિયોફ્રે બ્રેનાન સહલેખક) (1980).

શિકાગો યુનિવર્સિટીમાં સ્નાતક-કક્ષાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા ત્યારે બ્યૂકૅનન કટ્ટર સમાજવાદી હતા, પરંતુ હવે તેઓ મુક્ત અર્થતંત્રના ચુસ્ત હિમાયતી છે.

ફાજલ સમયમાં તેઓ બ્લૅકબર્જ ખાતે 400 એકર જમીન પર ખેતી કરતા હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે