બ્યુટોમસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા બ્યુટોમેસી કુળની એક પ્રજાતિ. પહેલાં આ પ્રજાતિને એલિસ્મેટેસી કુળમાં મૂકવામાં આવી હતી. આધુનિક વર્ગીકરણ-વિજ્ઞાનીઓ આ પ્રજાતિને Tenagocharis તરીકે ઓળખાવે છે. તેનું જૂનું નામ Butomopsis પણ છે. બ્યુટોમસની સમગ્ર વિશ્વમાં બે જ જાતિઓ નોંધાઈ છે. તે પૈકી Butomus lanceolata syn. Tenagocheris latifolia મુખ્ય છે. તે બહુવષાર્યું, શાકીય અને જલજ જાતિ છે. ખાડા-ખાબોચિયાં, ભીનાશવાળી, જલસભર જમીનમાં અને તળાવના કિનારે નૈસર્ગિક રીતે ચોમાસાની ઋતુમાં તે ઊગે છે. ભૂમિગત પ્રકાંડ મૂળવૃન્ત પ્રકારનું હોય છે. તેની ઊંચાઈ 15થી 20 સેમી. જેટલી હોય છે. જમીનના ભૂમિગત મૂળવૃન્ત ગાંઠમાંથી સીધાં સદંડી પર્ણો વિકાસ પામે છે. જે અળવીનાં પર્ણ જેવાં હોય છે. પ્રકાંડ તથા પર્ણમાંથી સફેદ રંગનું ક્ષીર (latex) નીકળે છે. પર્ણો બાણાકાર, બહુશિરી શિરાવિન્યાસવાળાં, ઉપરની સપાટીએથી લીસાં કે મીણ જેવા પદાર્થના પાતળા આવરણવાળાં હોય છે. પર્ણદંડ લાંબો હોવાથી ક્યારેક પાણી ઊંડું હોય તો પર્ણને પાણીની સપાટી ઉપર સ્થાપિત કરે છે. ભૂમિગત પ્રકાંડમાંથી પ્રવૃન્ત (scape) વિકાસ પામે છે. તેની ઉપર અસંખ્ય પુષ્પો છત્રક સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પ્રવૃન્ત અંદરથી પોલો હોય છે. પુષ્પો સફેદ રંગનાં કે ક્યારેક આછા ભૂરા રંગનાં, ત્રિઅવયવી સંપૂર્ણ નિયમિત અને નિપત્રી હોય છે. આ નિપત્રો ભ્રમિરૂપે ગોઠવાયેલાં હોય છે.
પરિદલપુંજ છ પરિદલપત્રો ધરાવે છે. તેઓ બે ચક્રમાં ગોઠવાયેલાં હોય છે. બહારનું ચક્ર નાના ત્રણ પરિદલપત્રોનું બનેલું વજ્રસર્દશ (sepaloid) અને દીર્ઘસ્થાયી હોય છે. અંદરનું ચક્ર ત્રણ મોટાં પાતળાં પરિદલપત્રોનું બનેલું અને શીઘ્રપાતી હોય છે. પુંકેસરો 9થી 12 હોય છે અને બહારના ચક્રમાં પુંકેસરો યુગ્મમાં ગોઠવાયેલાં હોય છે; જ્યારે અંદરના ત્રણ એકાકી હોય છે અને પરિદલપુંજ સમ્મુખ હોય છે. તેમના તંતુઓ લાંબા અને પાતળા હોય છે પરાગાશય દ્વિખંડી અને રેખીય (linear) હોય છે. સ્ત્રીકેસરચક્ર 6થી 9 મુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. તે ચપટા પુષ્પાસનના સૌથી અંદરના ભાગે ચક્રાકારે ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક સ્ત્રીકેસર એકકોટરીય હોય છે; જેમાં ચમવર્તી (parietal) જરાયુ પર બે કે તેથી વધારે અંડકો આવેલાં હોય છે. પરાગવાહિની ટૂંકી હોય છે. પરાગાસન અસ્પષ્ટ હોય છે; ફળ સ્ફોટનશીલ સમૂહફળ પ્રકારનું હોય છે; જેમાં અસંખ્ય, ચપટાં, નાનાં, ચળકતાં-લીસાં બીજ આવેલાં હોય છે. પ્રત્યેક બીજમાં ઘોડાની નાળ આકારનો ભ્રૂણ આવેલો હોય છે. તેનું વિતરણ વિષુવવૃત્ત અને ઑસ્ટ્રેલિયાના પ્રદેશોમાં વધારે પ્રમાણમાં થયેલું છે. દક્ષિણ ગુજરાત તથા ચરોતરનાં મીઠા પાણીનાં તળાવોમાં આ વનસ્પતિ થાય છે. બ્યુટોમસ દ્વારા એકદળીની ઉત્ક્રાંતિનો ખ્યાલ આવી શકે છે. તે આર્થિક રીતે ઉપયોગી નથી.
જૈમિન વિ. જોશી