બોહેમિયન ફૉરેસ્ટ : જર્મન-ચેક સરહદ પર બોહેમિયન ઉચ્ચપ્રદેશની નૈર્ઋત્ય બાજુ પર આવેલી પર્વતમાળા. આ પર્વતમાળા ફિક્ટલ-ગબિર્ગ(Fichtel Gbirge)ની દક્ષિણેથી શરૂ થઈને ડૅન્યૂબ–ડીટ્ઝ નદીઓના સંગમ તરફ વિસ્તરેલી છે. તે 49° 15´ ઉ. અ. અને 12° 45´ પૂ. રે.ની આજુબાજુ આશરે 11,400 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ પર્વતમાળા રેગન ખીણ દ્વારા બાયરીશવાલ્ડથી અલગ પડે છે. તેના નાઇસ અને શિસ્ટ ખડકોથી બનેલા પર્વતોના 1,456 મીટર ઊંચાઈવાળા શૃંગવિભાગો ક્વૉર્ટ્ઝના ડાઇક અવરોધોથી બનેલા છે. તે ‘શેતાની દીવાલો’ના તળપદા નામથી ઓળખાય છે.
આ પર્વતો યુરોપના અતિગાઢ જંગલોવાળા વિસ્તારો પૈકીના એક છે. તેના ઢોળાવો બીચ અને પાઇનનાં ભવ્ય વૃક્ષોથી આચ્છાદિત છે. જંગલોએ, અહીંનાં અસંખ્ય નાનાં નાનાં સરોવરોએ તથા ઘણી નાની નદીઓએ આ પર્વતમાળાને અનુપમ સૌંદર્ય અને રમણીયતા બક્ષ્યાં છે. અસમતળ ઉચ્ચપ્રદેશ ઉપરાંત આલ્પ્સની યાદ અપાવે એવાં પર્વતશિખરો પણ અહીં આવેલાં છે. આ પર્વતમાળા ઘણી સમાંતર હારોમાં પથરાયેલી છે. તે પૈકીની કેટલીક ઈશાન તરફના બોહેમિયાના ઉચ્ચપ્રદેશ સુધી વિસ્તરેલી છે. આ પર્વતોમાં ઐતિહાસિક તેમજ આધુનિક મહત્વ ધરાવતા બે ઘાટ પણ આવેલા છે. તે પૈકીનો એક હારમાળાની મધ્યમાં આવેલો છે, જે ટૉસનું પ્રવેશદ્વાર ગણાય છે, જ્યારે બીજો ગોલ્ડન પાથ નામનો ઘાટ વધુ ઉત્તર તરફ આવેલો છે.
ગિરીશભાઈ પંડ્યા