બોવેન પ્રક્રિયા-શ્રેણી (Bowen’s reaction series) : બોવેન દ્વારા સૂચિત ખનિજનિર્માણની પ્રક્રિયા-શ્રેણી. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી એન. એલ. બોવેને મૅગ્માજન્ય સિલિકેટ દ્રવના સ્ફટિકીકરણનો પ્રયોગશાળામાં અભ્યાસ કરીને ખનિજનિર્માણ બે પ્રકારની શ્રેણીમાં થતું હોવાનું સૂચવેલું છે. આ પ્રક્રિયાને તેમણે મૅગ્માદ્રવમાંથી થતા સ્ફટિકીકરણના સામાન્ય ક્રમ તરીકે ઘટાવી છે.
ખનિજોની એવી શ્રેણી, જેમાં શરૂઆતમાં થતી ખનિજરચનાનો તબક્કો અવશિષ્ટ મૅગ્માદ્રવ સાથે પ્રક્રિયા કરવાનું વલણ ધરાવે અને પછીથી સ્વભેદનની ઘટનામાં શ્રેણીમાં દર્શાવેલા નીચેના ક્રમનાં નવાં ખનિજો બનાવે છે, જે પ્રવર્તમાન સંજોગો હેઠળ વધુ સ્થાયી લક્ષણવાળાં હોય છે; જેમ કે પ્રથમ તબક્કામાં તૈયાર થતા ઑલિવિન સ્ફટિકો અવશિષ્ટ દ્રવ સાથે પ્રક્રિયા કરીને પાયરૉક્સીન સ્ફટિકો બનાવે, જે ફરીથી બાકી રહેલા દ્રવ સાથે પ્રક્રિયા કરીને ઍૅમ્ફિબોલ બનાવે. આ સૂચિત પર્યાય હેઠળ અલગ અલગ બે શ્રેણીઓ બને છે – એક ખંડિત શ્રેણી અને બીજી અખંડિત. બંને શ્રેણી તદ્દન સ્વતંત્રપણે વિકસે છે. પ્રથમ ખંડિત શ્રેણીમાં ઑલિવિન, પાયરૉક્સીન, ઍમ્ફિબોલ અને બાયોટાઇટનો સમાવેશ થાય છે. અહીં તબક્કાનો ફેરફાર ઝડપી હોય છે. બીજી અખંડિત શ્રેણીમાં પ્લેજિયોક્લેઝ ખનિજસમૂહનો સમાવેશ થાય છે, જેમાં પ્રારંભે બનેલા સ્ફટિકો અવશિષ્ટ દ્રવ સાથે કોઈ ઝડપી તબક્કાના ફેરફાર વિના સતત રીતે પ્રક્રિયા કરતા જાય છે. આ બંને શ્રેણીમાંથી બાયોટાઇટ અને આલ્બાઇટની રચના પછી ખંડિત શ્રેણી બની રહે છે અને ત્યારપછી જ પૉટાશ ફેલ્સ્પાર, મસ્કોવાઇટ અને અંતિમ પેદાશ ક્વાર્ટ્ઝ તૈયાર થાય છે.
અહીં એ જોવા મળે છે કે ખંડિત પ્રક્રિયા-શ્રેણી લોહ-મૅગ્નેશિયમ ખનિજોથી બનેલી હોય છે, જેમાં પ્રત્યેક સોપાન એક અલગ તબક્કો દર્શાવે છે. અખંડિત પ્રક્રિયા-શ્રેણી મુખ્યત્વે પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારથી બનેલી હોય છે, જેમાં કોઈ અલગ સોપાનો નથી હોતાં, પરંતુ Ca સમૃદ્ધ છેડાથી Na સમૃદ્ધ છેડા સુધી સળંગ કક્ષાકીય ફેરફાર માત્ર હોય છે. ઊંચા તાપમાને આ કક્ષાકીય ફેરફાર સોડિયમમાંથી પોટૅશિયમમાં ચાલુ રહે છે, પરંતુ નીચા તાપમાને આ ફેલ્સ્પાર પ્રકારો વચ્ચે વિરામ આવી જાય છે. બંને શ્રેણી ઊર્જાનું ઘટતું પ્રમાણ દર્શાવે છે અને એ પણ જોવા મળે છે કે સ્ફટિકીકરણના વિકાસને અનુરૂપ બેઝિક-મધ્યમ-એસિડિક ક્રમ ગોઠવાય છે. ખડકોમાં થતી પ્રક્રિયાત્મક શ્રેણીની ક્રિયાત્મક ઘટના પ્લેજિયોક્લેઝમાં એકાંતર પટ્ટીરચનાની સ્થિતિ ઉપસાવે છે અથવા ખંડિત શ્રેણીમાં પરિવેષ્ટિત પ્રક્રિયા કિનારીઓની રચના કરે છે.
ગિરીશભાઈ પંડ્યા