બૉશ, કાર્લ (Bosch, Carl) (જ. 27 ઑગસ્ટ 1874, કોલોન, જર્મની; અ. 26 એપ્રિલ 1940, હાઇડલબર્ગ) : એમોનિયાના સંશ્લેષણ માટેની હેબર-બૉશ-પદ્ધતિ વિકસાવનાર ઔદ્યોગિક રસાયણવિદ. એન્જિનિયર પિતાના પુત્ર કાર્લે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી લાઇપઝિગમાંથી 1898માં ડૉક્ટરેટ મેળવી. બાડીશે એનિલિન ઉન્ડ સોડા ફૅબ્રિક (BASF) નામના રંગના કારખાનામાં 1899થી નોકરી શરૂ કરી અને 1902થી 1907 દરમિયાન ‘નાઇટ્રોજન સ્થિરીકરણ’ વિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1908માં ફ્રિટ્ઝ હેબરનું એમોનિયાના સંશ્લેષણનું કાર્ય BASFના ધ્યાનમાં આવતાં તેને ઔદ્યોગિક પાયા ઉપર બનાવવા માટેનું કાર્ય બૉશને સોંપાયું. બૉશે ઊંચા દબાણે કામ કરતું એક ગંજાવર કન્વર્ટર (પરિવર્તક) બનાવ્યું અને સૌપ્રથમ જળવાયુ પ્રક્રિયા (CO + H2O = CO2 + H2) દ્વારા મોટા પાયા ઉપર હાઇડ્રોજન મેળવ્યો, જે એમોનિયાના સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. આ રીતે બૉશે જળબાષ્પ તથા જળવાયુને ઊંચા દબાણે ઉદ્દીપક ઉપર પસાર કરી હાઇડ્રોજન ઉત્પાદનની ‘બૉશ-વિધિ’ શોધી. 1913ના અંત સુધીમાં હેબર-બૉશ પ્રવિધિ દ્વારા BASF કંપની પ્રતિવર્ષ 36,000 ટન એમોનિયમ સલ્ફેટ બનાવતી થઈ. 1914માં બૉશને કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા. તેમણે 1918–19 દરમિયાન શસ્ત્રવિરામ તથા શાંતિ અંગેની કૉન્ફરન્સમાં જર્મન પ્રતિનિધિમંડળના ટૅકનિકલ સલાહકાર તરીકે કામ કર્યું હતું.

કાર્લ બૉશ

બૉશ મિથેનોલ પ્રવિધિ વિકસાવવામાં પણ સફળ રહ્યા. કોલટાર તથા લિગ્નાઇટનું ઊંચા દબાણે હાઇડ્રૉજિનેશન કરી પેટ્રોલ બનાવવામાં પણ તેઓ સફળ રહ્યા. 1925માં અન્ય જર્મન રાસાયણિક કંપનીઓ BASFમાં ભળી જતાં એક વિશાળ I. G. Farben Industrie AG સંકુલ બન્યું જેના મૅનેજમેન્ટ બોર્ડના તેઓ ચેરમૅન બન્યા. યહૂદી હોવાને કારણે ફ્રિટ્ઝ હેબરને નાઝીઓએ જે ખરાબ રીતે કનડ્યા તેનો બૉશે વિરોધ કરેલો. ઊંચા દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાની શોધ અને વિકાસ બદલ તેમને 1931ના વર્ષનો નોબેલ પુરસ્કાર ફ્રેડરિક બર્ગિયસ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.

જ. પો. ત્રિવેદી