બોવેન, નૉર્મન લેવી (જ. 21 જૂન 1887, કિંગ્સ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 11 સપ્ટેમ્બર 1956, વૉશિંગ્ટન ડી.સી.) : કૅનેડિયન-અમેરિકન પ્રયોગાત્મક ખડકવિદ અને ખનિજીય રસાયણશાસ્ત્રી. પૃથ્વીના બંધારણમાં રહેલા અગ્નિકૃત ખડકોની રચનાનું સરળ રાસાયણિક પદ્ધતિઓ પરથી અર્થઘટન કરવા માટે પ્રયોગાત્મક સંશોધનો કરનાર તરીકે જાણીતા બનેલા ખડકવિદ. ખાસ કરીને અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિના સંબંધમાં સિલિકેટ-સમૂહોનાં સંશ્લેષણો માટે તેઓ ખ્યાતનામ છે.
લંડનથી કૅનેડા સ્થળાંતર કરી ગયેલા ડબલ્યૂ. એ. બોવેનના તેઓ પુત્ર. કિંગ્સ્ટનની ક્વીન્સ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું અને રસાયણશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર અને ખડકવિદ્યામાં નિપુણતા મેળવી. તરત જ શિષ્યવૃત્તિ મળતાં કેમ્બ્રિજ ખાતે મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા. વૉશિંગ્ટન(D.C.)ના કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટની ભૂભૌતિક પ્રયોગશાળામાં એક વર્ષ (1910–11) ગાળીને નેફેલિન-એનૉર્થાઇટ સિલિકેટ-સમૂહનો પ્રયોગાત્મક અભ્યાસ હાથ પર લીધો. એ જ વિગત પર વધુ કામ કરીને 1912માં તે જ સંસ્થામાં પીએચ.ડી.ની પદવી માટે મહાનિબંધ રજૂ કર્યો. 1907થી 1912ની તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન છ ઉનાળા જેટલો સમય ક્ષેત્રકાર્ય-સંશોધનો પાછળ ગાળ્યો તેમજ કૅનેડાના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતા માટે અને ઑન્ટેરિયો બ્યુરો ઑવ્ માઇન્સ માટે પણ કામ કર્યું.
ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછી વૉશિંગ્ટનની ભૂભૌતિક પ્રયોગશાળામાં તેઓ પાછા ફર્યા. ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વચ્ચે પસંદગીનો પ્રશ્ર્ન ઊભો થતાં ભૂસ્તરશાસ્ત્ર તરફ માનસિક વલણ થતાં 1915માં ‘ધ લેટર સ્ટેજિઝ ઑવ્ ધી ઇવૉલ્યૂશન ઑવ્ ધી ઇગ્નિયસ રૉક્સ’ પર વિશેષ યોગ્યતાવાળો ક્રાંતિકારી ર્દષ્ટિબિંદુઓ ધરાવતો લેખ લખ્યો, જેનાથી 28 વર્ષની નાની વયે ખડકવિદ્યામાં આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવતું સ્થાન તેમને પ્રાપ્ત થયું.
1917માં યુ.એસ. પ્રથમ વિશ્વયુદ્ધમાં સામેલ થયું. ત્યારે બોવેને ચક્ષુકાચ(optical glass)ના અભ્યાસ માટે સંશોધનકાર્યમાં ઝુકાવ્યું, આ કામને અગ્રિમતા આપી અને બૉશ અને લૉમ્બ ઑપ્ટિકલ કંપનીમાં કાચવિભાગમાં કામગીરી બજાવી.
પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ ભૂભૌતિક પ્રયોગશાળામાંથી રાજીનામું આપી 1919માં ક્વીન્સ યુનિવર્સિટીમાં ખનિજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેઓ જોડાયા, પરંતુ બે વર્ષ બાદ ફરીથી વૉશિંગ્ટનની પ્રયોગશાળામાં પાછા ફર્યા અને પછીનાં 16 વર્ષ ત્યાં ગાળ્યાં. તેમણે સિલિકેટ-સમૂહો પર પોતાનો અભ્યાસ કેન્દ્રિત કર્યો. ઘણી ખડકવિદ્યાત્મક ક્ષેત્રસમસ્યાઓમાં ભૌતિક-રાસાયણિક માહિતીનો ઉપયોગ કર્યો. આ જ સમયગાળા દરમિયાન અગ્નિકૃત ખડકોની સમસ્યાઓ ધરાવતાં દક્ષિણ આફ્રિકાના બુશવેલ્ડ, સ્કાઇના પેરિડોટાઇટ, નૉર્વેનો ફેન-વિસ્તાર જેવાં સ્થાનોની મુલાકાત લીધી. 1927ની વસંતઋતુમાં તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીજૂથ માટે શ્રેણીબદ્ધ વ્યાખ્યાનો આપ્યાં અને તેની ફલશ્રુતિ રૂપે 1928માં ‘ધી ઇવૉલ્યૂશન ઑવ્ ઇગ્નિયસ રૉક્સ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં તેમણે જુદા જુદા અગ્નિકૃત ખડકો બનવાની રાસાયણિક પદ્ધતિઓ અને તે પદ્ધતિઓ દ્વારા જુદા જુદા ખડકો એકમેક સાથે કેવા પ્રકારના સંબંધો ધરાવે છે તેની છણાવટ કરી છે. ત્યારબાદ યેલ યુનિવર્સિટીના જે. એફ. શૅરર (પ્રયોગવિદ્) સાથે જોડાઈને લોહ-ઑક્સાઇડ ધરાવતા સિલિકેટ-સમૂહો વિશે સંશોધન કર્યું.
ભૂભૌતિક પ્રયોગશાળામાંથી બીજી વાર છૂટા થઈને તેમણે શિકાગો યુનિવર્સિટીમાં ખડકવિદ્યાના પ્રાધ્યાપક તરીકે 1937થી 1947 સુધી સેવાઓ આપી. ત્યાં તેમણે ખડકવિદ્યાની પ્રયોગાત્મક સ્કૂલ વિકસાવી અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે આલ્કલિ-સમૂહોને લગતા સંશોધન-લેખ તૈયાર કરાવ્યા, જેમને આધારે આલ્કલિ ખડકોની ઉત્પત્તિ અને સ્વભેદન પર તેમણે પોતાનાં મંતવ્યો બહાર પાડ્યાં.
બીજા વિશ્વયુદ્ધ બાદ 1947માં બોવેન ફરીથી એક વાર ભૂભૌતિક પ્રયોગશાળામાં પાછા ફર્યા અને બાષ્પશીલ પદાર્થો(વિશેષે કરીને પાણી)ની ખનિજસમૂહો પર થતી અસર વિશે સંશોધનો કર્યાં. આ સંશોધનકાર્યમાંથી ઓ. એફ. ટટ્ટલના સહયોગમાં ગ્રૅનાઇટ-સમૂહ ઉપર કરેલા પોતાના અભ્યાસકાર્યનું પ્રકાશન તૈયાર કર્યું, જે તેમના અવસાન બાદ 1958માં બહાર પડ્યું.
આમ ભૂભૌતિક પ્રયોગશાળા સાથે તેમણે કુલ 35 વર્ષ સુધી કામ કર્યું. યુ.એસ. અને યુરોપમાં આ કાર્ય બદલ તેમને ઘણી પ્રસિદ્ધિ મળી. 1952માં નિવૃત્તિ સ્વીકાર્યા બાદ તેઓ ક્લિયરવૉટર ખાતે ગયા, પરંતુ એક વર્ષ બાદ વૉશિંગ્ટન પાછા ફર્યા. નાદુરસ્ત તબિયત રહેતી હોવા છતાં તેઓ સતત કાર્યરત રહ્યા અને અવસાન પામ્યા ત્યાં સુધી ભૂભૌતિક પ્રયોગશાળાના સંશોધક મદદનીશ તરીકે સેવાઓ આપી.
ગિરીશભાઈ પંડ્યા