બોરિક ઍસિડ (રસાયણ) : બૉરોન અને ઑક્સિજન ધરાવતાં ઍસિડ-સંયોજનો પૈકીનો એક. જોકે સામાન્યત: આ પદ H3BO3 અથવા B(OH)3 સંયોજન માટે વપરાય છે. તે ઑર્થોબૉરિક ઍસિડ, બોરેસિક ઍસિડ કે ટ્રાઇઑક્સોબૉરિક(III) ઍસિડ તરીકે પણ ઓળખાય છે. પ્રાપ્તિ : કુદરતમાં તે કેટલીક ખનિજોમાં, કેટલાક કૂવાના પાણીમાં તેમજ ગરમ પાણીના ઝરામાં મળી આવે છે.
ઉત્પાદન : વ્યાપારી રીતે બોરિક ઍસિડનું ઉત્પાદન કિર્નાઇટ (Na2B4O7·4H2O) જેવી ખનિજો ઉપર સલ્ફ્યુરિક ઍસિડની પ્રક્રિયા અને ત્યારબાદ મળતા દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા કરવામાં આવે છે.
ગુણધર્મો : બોરિક ઍસિડ મોતી જેવી ચમક ધરાવતો, સફેદ અથવા રંગવિહીન, ગંધવિહીન, સ્ફટિકમય ઘન પદાર્થ છે. તેની સ્ફટિકરચના ત્રિનતાક્ષ (triclinic) પ્રકારની હોય છે. સ્પર્શે તે અત્યંત લીસો હોય છે. ઘનતા 1.435. તે ગરમ પાણીમાં, આલ્કોહૉલમાં તથા ગ્લિસરૉલમાં દ્રાવ્ય છે. તે અદહનશીલ (noncombustible) છે. પાણીમાંનું તેનું દ્રાવણ નિર્બળ લૂઈસ ઍસિડ તરીકે વર્તે છે :
B(OH)3 + H2O ↔ B(OH)4– + H+; (pK = 9.25)
B(OH4)– આયન ઘણાં બૉરેટ ખનિજોમાં હોય છે; પરંતુ બોરિક ઍસિડનું ધાતુઓના ઑક્સાઇડ સાથે પિગલન કરવાથી બૉરેટમાં રૂપાંતર થાય છે, ત્યારે તેનું બંધારણ સંકીર્ણ ચક્રાકાર ઋણાયનવાળું હોય છે.
B(OH)3 એકમો એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે અને ષટ્કોણ આકારના અસંખ્ય પડ બનાવે છે. દરેક પડ વચ્ચેનું અંતર 3.12 Å હોય છે.
બોરિક ઍસિડને ગરમ કરતાં ક્રમશ: તે પાણી ગુમાવે છે અને મેટાબોરિક ઍસિડ HBO2 મળે છે. વધુ ગરમ કરતાં તે પાયરોબોરિક ઍસિડ H2B4O7 અને અંતે બૉરોનનો ઑક્સાઇડ B2O3 આપે છે. પિગલિત B2O3માં ઘણી ધાતુઓના ઑક્સાઇડ સહેલાઈથી દ્રાવ્ય થાય છે. રેતી (SiO2) સાથે પ્રક્રિયા કરી તે (B2O3) ઉષ્માપ્રતિરોધક બોરોસિલિકેટ કાચ બનાવે છે.
સલ્ફયુરિક ઍસિડની હાજરીમાં આલ્કોહૉલ સાથે બોરિક ઍસિડનું સંઘનન કરવાથી તેનું સરળતાથી આલ્કાઇલ અને ઍરાઇલ ઑર્થોબૉરેટ[B(OR)3]માં રૂપાંતર થાય છે. આ સંયોજનો રંગવિહીન પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તેમનું આલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડ સાથે ઈથરમાં દ્રાવણ બની શકે છે [HB(OR)3–] આ દ્રાવણ એક ઉપયોગી અપચયનકર્તા છે. અપચયનકર્તા તરીકે તેની તીવ્રતા કાર્બનિક સમૂહ (R) બદલવાથી અંકુશમાં રાખી શકાય છે.
બોરિક ઍસિડની સોડિયમ પેરૉક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પેરૉક્સોબૉરેટ [NaBO3·4H2O અથવા NaBO2·H2O2·3H2O] બને છે જે કપડાં ધોવાના પાઉડરમાં વપરાય છે; કારણ કે પાણીમાં ઓગાળતાં આ પદાર્થમાંથી હાઇડ્રોજન પેરૉક્સાઇડ છૂટો પડે છે.
ઉપયોગો : તે મંદ (mild) ચેપનાશક હોઈ તેનો ઉપયોગ ચામડી ઉપર પડેલા ઘા તથા દાઝવાથી પડેલા ફોલ્લા ઉપર કરવામાં આવે છે. તે મલમ બનાવવામાં તથા આંખો ધોવા માટેના દ્રાવણમાં પણ વપરાય છે. તે ફૂગ ઉત્પન્ન થતી અટકાવે છે; પણ ખાદ્ય પદાર્થોની જાળવણીમાં તેમજ સૌંદર્યપ્રસાધનો માટે તેનો વધુ ઉપયોગ હિતાવહ નથી, કારણ કે તે વિષાક્ત છે. જોકે ખાટાં ફળો ઉપરની ફૂગ અટકાવવા તે વપરાય છે. તે લાકડાને ઘર્ષણ સામે, જીવાણુઓ સામે તથા પ્રદૂષિત વાતાવરણ સામે રક્ષણ આપે છે.
ઉષ્માસહ (બોરોસિલિકેટ) કાચ તથા રેસાઓના ઉત્પાદનમાં; મીનાકારી(enamels)માં તથા ચમક (glare) આપવા માટે; કાગળ, આસંજકો અને વિસ્ફોટકોના ઉત્પાદનમાં તથા ચર્મઉદ્યોગમાં પણ તે વપરાય છે.
ઍસિડ સાથેની પ્રક્રિયાથી કાપડને આગ-પ્રતિરોધક બનાવી શકાય છે. અનેક કાર્બનિક પ્રક્રિયાઓમાં તે ઉદ્દીપકના એક ઘટક તરીકે પણ વપરાય છે. બોરિક ઍસિડના દ્રાવણનો ઉપયોગ નિકલ ધાતુના ઇલેક્ટ્રોપ્લેટિંગમાં અને ચામડું કમાવવા માટે થાય છે. આ ઉપરાંત કેટલાક દેશોમાં પ્રક્ષાલકો(detergents)ની બનાવટમાં થાય છે. પિગલિત (fused) બોરિક ઍસિડ કેટલીક ધાતુઓના ઑક્સાઇડને પોતાનામાં ઓગાળી શકતો હોઈ તે બ્રેઝિંગ અને વેલ્ડિંગ માટે પ્રદ્રાવક (flux) તરીકે પણ વપરાય છે.
બોરિક ઍસિડની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ નીચે દર્શાવી છે :
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ