બોરહાવે, હર્માન (જ. 31 ડિસેમ્બર 1668, વુરહૉટ; અ. 23 સપ્ટેમ્બર 1738, લીડન) : ડચ તબીબ અને તત્ત્વજ્ઞાની. પિતા પાદરી. બોરહાવે, હર્માનનું વિદ્યાર્થીજીવન તેજસ્વી હતું. 1689માં 20 વર્ષની ઉંમરે પીએચ.ડીની પદવી લીડન યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ એક વર્ષ ગણિતના શિક્ષકનો વ્યવસાય કરી 1690માં તબીબી શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને 1693માં હાર્ડરવિઝ યુનિવર્સિટીમાંથી એમ.ડી.ની ઉપાધિ મેળવી. ઘણી નાની ઉંમરે અને ટૂંકા ગાળામાં ડૉક્ટરેટની બેવડી ઉપાધિ મેળવી. ધંધાદારી વ્યવસાયની શરૂઆત 1701માં લીડન યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કરી અને તબીબી શાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે 1709 સુધી તેમણે ફરજ બજાવી અને બંને વિષયોના વિભાગના અધ્યક્ષ બન્યા. વળી તે જ અરસામાં નવા વાનસ્પતિક બગીચાના નિયામક પણ બન્યા. 1728માં તેઓ રસાયણશાસ્ત્રના પણ પ્રાધ્યાપક બન્યા. આમ છતાં હર્માન બોરહાવે તબીબી વિદ્યાનો વ્યવસાય સફળતાપૂર્વક આગળ ધપાવતા રહ્યા. વનસ્પતિશાસ્ત્રમાં, ‘પુનર્નવા’ કે ‘સાટોડી’ તરીકે ઓળખાતી વનસ્પતિનું વૈજ્ઞાનિક જેનેરિક કે પ્રજાતિનું નામ તેમના નામ ઉપરથી ‘બોરહાવિયા’ રાખવામાં આવ્યું છે; એ રીતે ‘બોરહાવિયા ડિફ્યુઝા’, ‘બોરહાવિયા રીપેન્ડ’ વગેરેનો નિર્દેશ થાય છે.
તેમણે એ તબીબી શિક્ષણમાં આધુનિક પદ્ધતિનો પાયો નાંખ્યો. આખા નેધરલૅન્ડ(હોલૅન્ડ)માં આંખનાં દર્દો ઉપર પ્રમાણભૂત વ્યાખ્યાનો આપનાર તેઓ પ્રથમ નિષ્ણાત હતા. તેમણે રોગોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્ગીકરણ કરી યોગ્ય સારવારપદ્ધતિ અપનાવી. આ સાથે તેમણે રસાયણશાસ્ત્રમાં પણ રસ લીધો. વિદ્યાર્થીને પ્રાત્યક્ષિક શિક્ષણનો અનુભવ મળે તે માટે વિદ્યાર્થીને દર્દીના પલંગ પાસે લઈ જઈ શિક્ષણ આપવાની તેમણે પહેલ કરી. શિક્ષણકાર્ય ઉપરાંત તેમણે મૂત્રના વિયોજન, પરસેવાની ગ્રંથિ તેમજ કેટલીક અન્ય ગ્રંથિઓની શરીરરચના વિશે પુસ્તકો લખ્યાં. ઉપરાંત શીતળા (smallpox) જેવો રોગ સંસર્ગજન્ય હોવાનું તેમણે પ્રતિપાદન કર્યું. તેમની આ ખ્યાતિથી પ્રેરાઈને આખા યુરોપમાંથી તબીબી વિદ્યાર્થીઓ તેમની સલાહ લેવા આવતા હતા.
આમ તો ક્લિનિકલ થમૉર્મિટરની શોધ અને શરીર-ઉષ્ણતામાપનની શરૂઆત સક્ટૉરિયસે કરી હતી, પરંતુ તબીબી ક્ષેત્રે નિદાન માટે તબીબી થમૉર્મિટ્રીના સિદ્ધાંતો સૌપ્રથમ બોરહાવેએ રજૂ કર્યા હતા.
તેમના વિશાળ વિદ્યાર્થી-સમુદાયને કારણે એડિનબરો, વિયેના અને જર્મનીમાં આધુનિક તબીબી શાસ્ત્રનો ફેલાવો થયો.
નીચે જણાવેલ વિષય પર લખેલ તબીબી શાસ્ત્રનાં પુસ્તકોમાં તેમનો ફાળો નોંધપાત્ર છે : (1) મેડિકલ પ્રિન્સિપલ્સ (1708), (2) એફૉરિઝમ ઑન ધ રેકૉગ્નાઇઝેશન ઍન્ડ ટ્રીટમેન્ટ ઑવ્ ધ ડિઝીઝ (1709), (3) એલિમેન્ટ્સ ઑવ્ કેમિસ્ટ્રી (1724).
રા. ય. ગુપ્તે