બોરડે, જુલે (Bordet, Jules) (જ. 13 જૂન 1870, સોઇગ્નિઝ (Soignies), બેલ્જિયમ; અ. 6 એપ્રિલ 1961, બ્રસેલ્સ) : ઈ. સ. 1919ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને રોગપ્રતિકારની ક્ષમતા (પ્રતિરક્ષા, immunity) અંગેનાં સંશોધનો-અન્વેષણો (discoveries) માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમણે લોહીના કોષોનો અભ્યાસ કર્યો હતો. લોહીના રુધિરરસમાં જીવાણુઓનો કેવી રીતે નાશ થાય છે તે અંગેના પ્રયોગો કર્યા હતા. તેના પરિણામે
રુધિરરસવિદ્યા(serology)ના વિષયનો પાયો નંખાયો. તેઓ મેડિસિન વિષયમાં 1892માં બ્રસેલ્સ ખાતે ભણીને સ્નાતક થયા અને તેમણે 1901 સુધી ત્યાં જ ભણાવ્યું. તેમણે પૅરિસની પાશ્ર્ચર ઇન્સ્ટિટ્યૂટ ખાતે પ્રયોગો કરીને દર્શાવ્યું કે જ્યારે 55° સે.થી વધુ તાપમાને રુધિરરસને ગરમ કરાય ત્યારે તે જીવાણુનાશ માટેની ક્ષમતા ગુમાવે છે; પરંતુ તેમાંનાં પ્રતિદ્રવ્ય(antibodies)રૂપ રસાયણો નાશ પામતાં નથી, તેથી તેમણે એવું તારણ કાઢ્યું કે આ પ્રતિદ્રવ્યોને પોતાનું કાર્ય કરવા માટે કોઈ ઉષ્માસંવેદી (heat sensitive) ઘટકની જરૂર પડે છે. આ ઘટકને એહલરિચે પ્રતિરક્ષાપૂરક(complement)ના નામે ઓળખાવ્યું હતું. ઈ. સ. 1901માં બોરડેએ એ પણ દર્શાવ્યું કે જ્યારે કોઈ પ્રતિદ્રવ્ય પ્રતિક્રિયા કરે ત્યારે આ પ્રતિરક્ષાપૂરક વપરાઈ જાય છે. આ પ્રક્રિયાને તેમણે પ્રતિરક્ષાપૂરક-સ્થાપન (complement fixation) એવું નામ આપ્યું. તેનું રોગપ્રતિકારની ક્ષમતા અંગેના અભ્યાસ અથવા પ્રતિરક્ષાવિદ્યા(immunology)માં શું મહત્વ છે તે પણ તેમણે દર્શાવ્યું. હાલ એટલી જાણકારી છે કે આવા 9 ઘટકો પ્રતિરક્ષાપૂરકોની પ્રણાલી બનાવે છે. તે ઉત્સેચક-પ્રણાલીઓ (enzyme systems) છે અને વિવિધ રોગકારી સૂક્ષ્મજીવોનો નાશ કરે છે.
શિલીન નં. શુક્લ