બોર (Ziziphus) : દ્વિદળી વર્ગમાં આવેલા રહેમ્નેસી કુળની પર્ણપાતી વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ziziphus jujuba Mill, syn. Z. sativa Gaertn; Z. vulgaris Lam. (સં. બદરી; મ. બોર; હિં. બેર; બં. કુલ, યળચે, બોગરી; ક. બોર, યળચે પેરનું, વાગરિ; તે. રેગુચેટુ; ત. ઇલંડે, કલ્લારી; અં. ચાઇનિઝ જુજબ) છે. તે 12 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું પંજાબમાં વાવેતર કરવામાં આવે છે. તે પ્રાકૃતિક રીતે પણ થાય છે. પર્ણો અંડાકારથી માંડી લંબચોરસ-અંડાકાર કે લગભગ ભાલાકાર, 2.55.0 સેમી. લાંબા અને કુંઠિત-દંતુર (obtusely-serrate) હોય છે. ઉપપર્ણકંટ બે હોય છે, તે પૈકી એક પ્રતિવક્રી (recurved) હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનું, લીસું, પીળું, લંબચોરસથી માંડી અંડાકાર કે ઉપગોળાકાર, 3 સેમી. કે તેથી ઓછી લંબાઈવાળું હોય છે.

બોર ઉત્તર ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે. ત્યાંથી તે પશ્ચિમ એશિયામાં 2500–3000 વર્ષ પહેલાં પ્રવેશ પામી હતી. ગ્રીક અને રોમનો તેનાથી પરિચિત થતાં બારબેરી (ઉત્તર આફ્રિકા) અને સ્પેન લઈ ગયા હતા. પછી તો તે વિસ્તારમાં તેનું પ્રાકૃતિકીકરણ થયું હતું. ભારતમાં બોરના પ્રવેશ વિશે કોઈ અધિકૃત માહિતી નથી. જોકે 1959માં ICAR, દિલ્હી દ્વારા Z. jujubaના પાંચ પ્રકારો  ચિંગ સાઓ, પોંગ સાઓ, સિયાંગ સાઓ, સિયાઓ સાઓ અને સ્વી સાઓની ચીનથી પંજાબના ફળની સુધારણા કરવા આયાત કરવામાં આવી હતી. ઉનાળાના ઊંચા તાપમાનને કારણે ફ્રૂટ રિસર્ચ સ્ટેશન બહાદુરગઢનાં મેદાનોમાં આ જાતો ટકી શકી નહિ. ચિંગ સાઓ અને પોંગ સાઓ 1600 મી.ની ઊંચાઈએ આવેલા કાનડા ઘાટ (સિમલા હિલ્સ) જીવી શકી નહિ; પરંતુ સિયાંગ સાઓ, સિયાઓ સાઓ અને સ્વી સાઓ વૃદ્ધિ પામી શકી. તે પૈકી સ્વી સાઓ ખૂબ શક્તિશાળી જાત છે. સિયાઓ સાઓ સારો પાક છે; છતાં ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે ફળ પાકી શકતાં નથી. ધ ડિવિઝન ઑવ્ પ્લાન્ટ ઇન્ટ્રોડક્શન, ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂ દિલ્હીએ બ્યુએનોસ એરેસ(આર્જેન્ટિના)થી બીજ મેળવી દિલ્હી, દહેરાદૂન અને સિમલાનાં કેન્દ્રોમાં વિતરણ કર્યું હતું.

આ જાતિનું વ્યાપારિક વાવેતર ભારતમાં થતું નથી; પરંતુ ચીનનું તે મહત્વનું ફળ છે અને મોટા ભાગનું ઉત્પાદન શાન્તુંગ પ્રાંતમાંથી થાય છે. ભારતમાં આ બોર એલ્લિચપુર વિભાગમાં અને વિદર્ભમાં ક્વચિત જ લાખના યજમાન તરીકે અને વાડ બનાવવા ઉગાડવામાં આવે છે. પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, લુધિયાનામાં તેનો Z. mauritiana-ના મૂલકાંડ (root stock) તરીકે પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફળ પ્રશામક (emollient) હોય છે અને છાતીનાં દર્દોમાં ઉપયોગી છે. પર્ણો રેચક હોય છે અને ખસ તથા ગળાની તકલીફોમાં ઉપયોગી છે. ફળ અને પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે.

ઉછેરેલી બોરડીનાં બોર વધારે પોષક હોય છે. તેમને સૂકવીને, ભૂંજીને અને ખાંડમાં પરિરક્ષિત કરીને ખવાય છે. ખાંડયુક્ત સ્વાદિષ્ટ બોરને મધવાળાં બોર કહે છે; જે ઈરાની ખજૂર જેવાં દેખાય છે. વન્ય વનસ્પતિઓનાં ફળ શીતળ, પીડાશામક (anodyne) અને પૌષ્ટિક હોય છે. તેમનો ઉપયોગ અતીસ(= એકોનાઇટ)ના વિષાક્તન સમયે વિષઘ્ન (antidote) તરીકે તથા વમનેચ્છા (nausea) અને ઊલટીમાં કરવામાં આવે છે. વળી, સગર્ભતા દરમિયાન પેટના દુખાવામાં તે વપરાય છે. તેનો જખમ ઉપર અને પોટીસ બનાવવામાં ઉપયોગ થાય છે.

તાજાં અને સૂકવેલાં ફળના ગરનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 65.4 %, 16.2 %, પ્રોટીન 1.2 %, 4.4 %, લિપિડ 0.3 %, રેસો 1.3 %, 3.2 %, રિડ્યુસિંગ શર્કરાઓ 11.9 %, 39.2 %, સુક્રોઝ 12.2 %, 20.8 %, સાઇટ્રિક તરીકે ઍસિડ 0.4 %, 1.2 %, પૅક્ટિન 0.4 % અને ભસ્મ 0.9 %, 2.3 %. ગરમાં કૅરોટિન વધુ પ્રમાણમાં (70 મિગ્રા./100 ગ્રા.)  અને વિટામિન ‘સી’ ઠીક ઠીક પ્રમાણમાં હોય છે. ફળ 10 % જેટલું ટેનિન ધરાવે છે.

બીજ ખાદ્ય હોય છે. તેનાં મીંજ પૌષ્ટિક હોય છે. બીજમાં પાણી 21.3 %, પ્રોટીન 2.3 %, લિપિડ 0.4 %, રેસા 2.2 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 72.6 % અને ભસ્મ 1.3 % હોય છે. મીંજ પ્રશામક અસર દર્શાવે છે. તેનો ઉપયોગ અનિદ્રા(insomnia)માં થાય છે.

ઘરડાં વૃક્ષોનું અંત:કાષ્ઠ (heartwood) કાંસકા બનાવવામાં તથા ખરાદીકામમાં ઉપયોગમાં લેવાય છે. છાલમાં 7 % ટેનિન હોય છે અને મૂળની છાલમાં આલ્કેલૉઇડ હોય છે.

Z. mauritiana Lam. syn. z. jujuba Lam., hon Mill. ભારતીય બોર આપતી જાતિ છે. આ ફળોનો 15001000 ઈ. પૂ. તામ્રપાષાણ (chalcolithic) યુગથી ઉપયોગ થતો આવ્યો છે. યજુર્વેદ, સૂત્રો, મહાકાવ્યો, ઔષધગ્રંથો અને અન્ય સાહિત્યમાં કૌટિલ્ય, પાણિનિ અને પતંજલિ જેવા વિદ્વાનો દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં 55 % જેટલા બોરનું વાવેતર મધ્યપ્રદેશમાં, 28 % જેટલું બિહાર અને 17 % જેટલું ઉત્તરપ્રદેશમાં તથા 2.5 % જેટલું તમિળનાડુમાં થાય છે. હાલમાં પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનાં મેદાનોમાં અને રાજસ્થાનમાં વિપુલ પ્રમાણમાં તે ઉછેરવામાં આવે છે.

તે વિવિધ કદનું, 15 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને ફેલાતો પર્ણમુકુટ તથા કંટકીય ઉપપર્ણો ધરાવે છે. તેની વન્ય અને સંવર્ધિત જાતો ભારતના મોટા ભાગના પ્રદેશોમાં 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનું નાનું, ક્ષુપ-સ્વરૂપ પણ સામાન્ય છે. છાલ ખરબચડી, ભૂખરા કે આછા કાળા રંગની હોય છે. પર્ણો લંબચોરસ-ઉપવલયી, અંડાકાર કે ઉપગોળાકાર, ગાઢપણે દંતુર કે અખંડિત અને તલપ્રદેશોથી બંને બાજુએ ગોળાકાર છેડાઓવાળાં હોય છે. તે ત્રણ મુખ્ય શિરાઓ ધરાવે છે. પુષ્પો લીલાશ પડતાં પીળાં અને કક્ષીય ગુચ્છમાં હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનાં, લંબચોરસ-ગોળાકાર કે અંડાકાર, લાલ, નારંગી કે પીળા રંગનાં હોય છે.

આકૃતિ 1 : ભારતીય બોર(Ziziphus mauritiana)ની પુષ્પીય અને ફળવાળી શાખા

પંજાબમાં થયેલા કોષવિદ્યાકીય અભ્યાસ મુજબ, ભારતીય બોરની 37 જાતો છે. તે પૈકી 34 જાતો ચતુર્ગુણિત (tetraploid; 2n = 48 રંગસૂત્રો), એક પંચગુણિત (pentaploid; 2n = 60 રંગસૂત્રો) અને બે અષ્ટગુણિત (octoploid; 2n = 96 રંગસૂત્રો) છે. બોરમાં જોવા મળતી બહુરંગસૂત્રીયતા (polyploidy) કીટક-પરાગનયનને આભારી છે. પુષ્પમાં આવેલા મધુગ્રંથિમય બિંબને કારણે કીટકો આકર્ષાય છે અને તેમના દ્વારા અનિયંત્રિત સંકરણ થાય છે.

તે પ્રમાણમાં શુષ્ક પ્રદેશોમાં થાય છે; જ્યાં તે ઘણી વાર જૂથોમાં હોય છે. તેનો સૌથી વધુ સહચારી ખેર (Acacia catechu) છે. આમ તો તે રેતાળ કે કાંકરીવાળી કાંપમય મૃદામાં થાય છે; પરંતુ કંકરિત, કાળી કપાસની કે મધ્યમસરની લવણયુક્ત મૃદામાં પણ થઈ શકે છે. શુષ્ક સ્થળોએ જ્યાં વાવેતર કરવાનું છોડી દીધું હોય ત્યાં પણ તે સારી રીતે ઊગે છે. શુષ્ક નદી-કિનારાની રેતાળ કાંકરાવાળી કાંપયુક્ત મૃદામાં તે ઘણી વાર પૂર્ણતયા પાક બનાવે છે અને સમય જતાં અન્ય પાકને સ્થાન આપે છે. બોર મહત્તમ છાયા તાપમાન 37°થી. 48° સે. અને લઘુતમ છાયા તાપમાન 7°સે.થી 13° સે. હોય તેવાં સ્થળોએ પ્રાકૃતિક રીતે થાય છે. તેને સરેરાશ વાર્ષિક વરસાદ 15 સેમી.થી 225 સેમી. જરૂરી છે. તે પ્રકાશાપેક્ષી (light-demander) વનસ્પતિ છે અને ખુલ્લામાં સૌથી સારી રીતે થાય છે. તે હિમ-સહિષ્ણુ હોવા છતાં વધારે પડતું હિમ કેટલીક વાર તેને થોડીક અસર કરે છે. તે આગ સહિતની કોઈ પણ પ્રકારની ઈજા સામે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની ખૂબ ક્ષમતા ધરાવે છે. સળગી ગયેલા ઘાસના વિસ્તારોમાં પણ તે થાય છે.

જૂનાં પર્ણો માર્ચ-એપ્રિલ દરમિયાન ખરી પડે છે અને તે સાથે નવાં પર્ણો બેસે છે. વિવિધ સ્થળો ઉપર આધાર રાખીને પુષ્પો એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન આવે છે. માર્ચથી ઑક્ટોબરના સમયથી પાંચ માસના ગાળામાં ફળ પાકે છે. વન્ય સ્વરૂપોમાં ફળ વધતેઓછે અંશે ગોળ અને પાકે ત્યારે નારંગી કે લાલ હોય છે. સંવર્ધિત સ્વરૂપોનાં ફળ વધારે મોટાં અને ઉપવલયાકાર હોય છે.

ભારતીય બોરની કેટલીક વધારે મહત્વની વ્યાપારિક જાતોનાં ફળનાં લક્ષણો સારણી–1માં આપવામાં આવ્યાં છે.

સારણી 1 : ભારતીય બોરની કેટલીક વ્યાપારિક જાતોનાં ફળનાં લક્ષણો

પ્રકાર વાવેતરનો વિસ્તાર આકાર સરેરાશ (સેમી.) પાકા ફળનો રંગ ફળની છાલની

સપાટી

પાકવાનો સમય
ઉમરાન પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અંડાકાર 4.8  3.4 સોનેરી પીળો કે ફળના તલભાગે માર્ચ-એપ્રિલ
આછો ચૉકલેટ ખાંચોવાળી
કૈથલી પંજાબ અંડાકાર 4.3  2.9 લીલાથી માંડી પીળો લીસી માર્ચ
સાનોર–2 પંજાબ અંડાકાર 4.3  3.3 સોનેરી પીળો સહેજ ખરબચડી માર્ચ-એપ્રિલ
સાનોર–5 પંજાબ અંડાકાર 4.3  3.1 સોનેરી પીળો લીસી માર્ચ-એપ્રિલ
કંટકવિહીન પંજાબ, બિહાર અંડાકાર 5.0  3.3 લીલાથી માંડી પીળો લીસી માર્ચ
ZG–2 પંજાબ પ્રતિ-અંડાકાર 3.3  2.7 લીલાશ પડતો પીળો લીસી માર્ચ-એપ્રિલ
બનારસી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, અંડાકાર 4.4  3.1 લીલાથી માંડી પીળો લીસી ફેબ્રુઆરી-માર્ચ
પેવંડી રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ
નારિકેલી પંજાબ, પશ્ચિમ બંગાળ અંડાકાર 4.3  2.9 સોનેરી પીળો લીસી માર્ચ
ડંડન પંજાબ અંડાકાર 3.9  2.8 સોનેરી પીળો લીસી માર્ચ
નાજુક પંજાબ અંડાકાર 3.7  2.2 આછા પીળાથી માંડી લીસી ફેબ્રુઆરીના મધ્યથી
સોનેરી પીળો માર્ચના મધ્ય સુધી
મુરિયા ઉત્તરપ્રદેશ, દિલ્હી અંડાકાર 3.5  1.7 આછો પીળો લીસી ફેબ્રુઆરીના મધ્યથી
માહરારા માર્ચના મધ્ય સુધી

ફળો તાજાં કે દ્રાક્ષની જેમ સૂકવીને, ખાંડ પાઈને કે ધીમી આંચે પકવીને ખાઈ શકાય છે. તેનો સ્વાદ મીઠો અને ગર દૃઢ હોય છે. તાજું ફળ ભરાવદાર હોય છે; પરંતુ શુષ્ક હોય ત્યારે છાલ કરચલીવાળી હોય છે. ફળ ઔષધીય રીતે પણ ઉપયોગી હોય છે. વૃક્ષ લાખના કીટકના યજમાન તરીકે કાર્ય કરે છે અને તે ચારા તરીકે ઉપયોગી છે.

ફળ વિટામિન ‘સી’ અને શર્કરાઓનો સારો સ્રોત છે અને ખનિજ-ઘટકો પણ ગણનાપાત્ર પ્રમાણમાં ધરાવે છે. તેના ગરનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 81.6 %, પ્રોટીન 0.8 %, લિપિડ 0.3 %, કાર્બોદિતો 17 % અને ખનિજો 0.3 %, કૅલ્શિયમ 4 મિગ્રા., ફૉસ્ફરસ 9 મિગ્રા., લોહ 1.8 મિગ્રા., કૅરોટિન 0.021 મિગ્રા., થાયેમિન 0.02 %, રાઇબૉફ્લેવિન 0.02 મિગ્રા., નાયેસિન 0.7 મિગ્રા. અને વિટામિન ‘સી’ 76 મિગ્રા./100 ગ્રા. ફ્લોરાઇડ(0.1થી 0.2 પી.પી.એમ.)ની હાજરી પણ નોંધાઈ છે. શુષ્કતાના આધાર પર પૅક્ટિન દ્રવ્ય (કૅલ્શિયમ પૅક્ટેટ તરીકે) 2.2થી 3.4 % હોવાનું જાણવા મળ્યું છે. ‘નાજુક’ જાતમાં શર્કરાઓ (10.5 %) અને વિટામિન ‘સી’ (205 મિગ્રા./100 ગ્રા.)નું સૌથી વધુ પ્રમાણ માલૂમ પડ્યું છે; જે કૅન્ડી બનાવવા માટે અને સૂર્ય-શુષ્કન (sun-drying) માટે સૌથી વધારે યોગ્ય છે. ‘ગોલા’ જાતમાં ઍસિડનું પ્રમાણ વધારે હોવાથી તેનો ઉપયોગ અથાણાં બનાવવામાં વધારે સારી રીતે થઈ શકે છે. ફળમાં સાઇટ્રિક ઍસિડ મુખ્ય છે. મેલિક અને ઑક્સેલિક ઍસિડ અલ્પ પ્રમાણમાં હોય છે.

પીળાં થવાની તૈયારી હોય તેવાં મોટાં કદનાં ફળો શર્કરારસન (candying) માટે પસંદ કરવામાં આવે છે. તેમને ઊંડાં છિદ્રો પાડી 2 % મીઠાના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. દરરોજ મીઠાના દ્રાવણની સાંદ્રતા 2 % વધારવામાં આવે છે અને 8 % સુધી લઈ જવાય છે. પછી ફળોને તાજા 0.2 % પોટૅશિયમ મેટાબાઇ સલ્ફાઇટ ધરાવતા 8 %ના મીઠાના દ્રાવણમાં 13 માસ માટે રાખવામાં આવે છે. મીઠું ચડાવેલાં ફળો પાણી વડે ધોયાં પછી સાઇટ્રિક ઍસિડ ધરાવતા ખાંડના ગરમ સિરપમાં શર્કરારસિત કરવામાં આવે છે.

ઔષધીય દૃષ્ટિએ વન્ય જાતોનાં ફળો શીતળ, પીડાશામક અને પૌષ્ટિક હોય છે. છાતીનાં દર્દોમાં વપરાતા ‘જોશાન્ડા’ ઔષધ બનાવવામાં તેમનો ઉપયોગ થાય છે. મૌખિક ગર્ભનિરોધકોની યાદીમાં ‘બદરી’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દળેલાં બીજનું પેટ્રોલિયમ ઈથરમાં નિષ્કર્ષણ કરતાં ચળકતા પીળા રંગનું તેલ પ્રાપ્ત થાય છે, જેની કેટલીક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ. ગુ. 25° 0.9117, વક્રીભવનાંક (n30°) 1.4631, ઍસિડ-આંક 2.4; સાબુનીકરણ આંક 194.5, આયોડિન-આંક 87.4, કાચા દ્રવ્યનો આંક 0.62, પોલન્સ્કે-આંક 0.88, અસાબુનીકૃત આંક 0.81 %. તેલમાં રહેલા ફેટી ઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : ઑલિક 71.7 %, લિનૉલિક 15.4 અને સંતૃપ્ત ફેટી ઍસિડ 13.0 %.

પર્ણો ઢોર અને બકરીઓ માટેનો સારો ચારો ગણાય છે. જુદાં જુદાં ચાર રાજ્યો(ઉત્તરપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઓરિસા)નાં પર્ણો(શુષ્ક દ્રવ્યને આધારે)નું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 12.9 %થી 16.9 %, ઈથર-નિષ્કર્ષ (લિપિડ) 1.5 %થી 2.7 %, રેસા 13.5 %થી  17.9 %, N-મુક્ત નિષ્કર્ષ 55.3 %થી 56.7 %, કુલ ભસ્મ 10.2 %થી 11.7 %, કૅલ્શિયમ 1.42 %થી 3.59 % અને ફૉસ્ફરસ 0.21 %થી 0.33 %. ઉત્તર પ્રદેશના પર્ણોના નમૂનાઓમાં ખનિજ-ઘટકોનું બંધારણ આ પ્રમાણે છે : કૅલ્શિયમ 2.81 %થી 3.74 %, ફૉસ્ફરસ 0.17 %થી 0.27 %, મૅગ્નેશિયમ 0.46 %થી 0.83 %, પોટૅશિયમ 0.47 %થી 1.57 %, સોડિયમ 0.02 %થી 0.05 %, ક્લોરિન 0.14 %થી 0.38 % અને સલ્ફર 0.13 %થી 0.33 % પર્ણોમાંથી સેરિલ આલ્કોહૉલ અને બે આલ્કેલૉઇડ-પ્રોટોપિન અને બરબેરિન અલગ કરવામાં આવે છે.

આકૃતિ 2 : ભારતીય બોરની કેટલીક જાણીતી સંવર્ધિત જાતોનો આકાર અને ગરનો જથ્થો : (અ) ઉમરાન; (આ) કૈથલી; (ઇ) સાનોર; (ઈ) ડંડન.

પર્ણો કાથા સાથે સંકોચક (astringent) તરીકે ખવાય છે. પર્ણો પ્રસ્વેદક (diaphoretic) ગણાય છે અને બાળકોને ટાઇફૉઇડમાં આપવામાં આવે છે. તેમનો પોટીસ તરીકે પણ ઉપયોગ થાય છે.

ભારતમાં તેની છાલ ચર્મશોધનમાં વપરાય છે. તે 4 %થી 9 % ટેનિન ધરાવે છે. તેમાંથી ફ્રેન્ગ્યુફોલિન ઉપરાંત સાઇક્લૉપૅપ્ટાઇડ પ્રકારના આલ્કેલૉઇડ-મોરિશિન A-F અને એમ્ફિબિન B, D અને F અલગ તારવવામાં આવ્યાં છે. છાલનો કાઢો અતિસાર અને મરડાની ચિકિત્સામાં ઉપયોગી છે. છાલનો પેઢાના સોજામાં સંકોચક તરીકે ઉપયોગ થાય છે.

કાષ્ઠ સખત, મજબૂત અને ટકાઉ હોય છે. તેનો ઉપયોગ કોદાળી-પાવડા વગેરેના હાથાઓ, સૅન્ડલ, ધૂંસરી, દંતાળ, રમકડાં, પૈડાંના ભાગો અને ખરાદીકામમાં થાય છે. તે સક્રિય કાર્બનના ઉત્પાદન માટે તથા બળતણ અને કોલસાના ઉત્પાદન માટે સારું ગણાય છે. રસકાષ્ઠનો ઉષ્મીય આંક (calorific value) 4878 કૅલરી, 8782 (બી.ટી.યુ. = બ્રિટિશ થર્મલ યુનિટ) છે.

ચણીબોર : તેનું વૈજ્ઞાનિક નામ Z. nummularia (Burm. F.) wight & Arn. Syn. Z. rotundi folia Lam.; Rhamnus nummularia Burm. F. (સં. સૂક્ષ્મફલ; હિ. ઝાહર બેરી, ઝાડિયા બેર; મ. જંગલ બેર; ગુ. ચણીબોર; અડબાઉ બોરડી, ખેતરાઉ બોરડી; તે. નીલા રીગુ; તા. કોર્ગોડી) છે. તે કાંટાળું નાનું ઝાડવું કે ક્ષુપ છે અને વાંકીચૂંકી શાખાઓ ધરાવે છે. તે પંજાબ, રાજસ્થાન અને દ્વીપકલ્પીય ભારતમાં ડેક્કનથી કોંકણ સુધી દક્ષિણ તરફ 900 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. પ્રકાંડ અને શાખાઓ આછી જાંબલી કે ભૂખરી મલમલ જેવી હોય છે. ઉપપર્ણીય કંટકો યુગ્મમાં હોય છે. પર્ણો અંડાકારથી માંડી ગોળાકાર હોય છે અને નીચેની સપાટીએથી ઘન-રોમિલ (tomentose) હોય છે. પુષ્પો આછાં પીળાં હોય છે અને કક્ષીય ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનાં, રાતાં કે કાળાં અને 1 સેમી. લાંબાં હોય છે.

તે ભારતમાં શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોની ચરાણભૂમિઓમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. રાજસ્થાનમાં તૃણભૂમિના વનસ્પતિસમૂહનો લગભગ 14 % ભાગ બનાવે છે. શુષ્ક પ્રદેશના ખેતરોમાં પણ તે ઘણી વાર થાય છે. કારણ કે પાકની સાથે ખેતરોમાં તે ચારા તરીકેનું કાર્ય કરે છે.

કેટલાક વન્ય રોપાઓનો મૂલકાંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે કેટલીક વાર ખેતરોમાં મુશ્કેલીભર્યું અપતૃણ બની જાય છે અને જંગલનાં આર્થિક અગત્યનાં વૃક્ષો માટે વાંધાજનક બહુવર્ષાયુ વનસ્પતિ ગણવામાં આવે છે. તેનો નાશ કરવો મુશ્કેલ હોય છે. કંઠ-પ્રદેશના ભાગની છાલ કાઢી નાખી સ્પૉન્ટૉક્સ (2, 4–D અને 2, 4, 5–Tનું મિશ્રણ) કે બ્લૅડૅક્સK (2, 4–D અને 2, 4, 5 Tનો બ્યુટૉક્સી ઇથેનેલ એસ્ટર) વડે રંગવાથી અપતૃણનો સંપૂર્ણ નાશ થાય છે.

ચણીબોરના છોડ તરુણ અને નાજુક હોય ત્યારે પ્રાણીઓ તેમનો ચારો કરે છે; પરંતુ તેઓ કઠણ, કાષ્ઠમય અને કાંટાળા બનતાં માત્ર ઘેટાં-બકરાં જ ચરી શકે છે. શિયાળામાં જ્યારે લાલ રંગનાં બોર બેસે છે ત્યારે તેમનાં પર્ણો ખરી પડે છે. આ પર્ણોને એકત્રિત કરી ‘પાલા’ તરીકે ઊંટ, ઘેટાં અને બકરાંને ખવડાવવા માટે સંગ્રહવામાં આવે છે. પર્ણોમાં પચનીય અશુદ્ધ પ્રોટીન અને ખનિજો વિપુલ પ્રમાણમાં હોવાથી સ્થળાંતર અને પોષણસંબંધી કક્ષા ઊંચી લાવવામાં તે મહત્વનો ફાળો આપે છે. ઘાસની ઘણી જાતિઓ સુકાઈ જવા છતાં પર્ણોનો ચારો વિપુલ પ્રમાણમાં સુલભ હોય છે. ચણીબોર વાતક્ષરણ(wind-erosion)ને રોકે છે. તેમની આસપાસ મૃદાના નિક્ષેપણ-(deposition)માં મદદ કરે છે અને સૂક્ષ્માવાસ(microhabitat)માં પરિવર્તન લાવે છે; જેથી બહુવર્ષાયુ ઘાસની વધારે સારી જાતિઓનો વસવાટ સંભવિત બની શકે છે. ચણીબોરનો ઉપયોગ વાડ બનાવવામાં અને ઊંચા ઉષ્મીય આંકવાળું બળતણ પ્રાપ્ત કરવામાં થાય છે. તેથી, ચણીબોરનું શુષ્ક ભૂમિની સંકલિત આર્થિકતામાં ચોક્કસ સ્થાન છે. સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – જોધપુરનો સમાજવિદ્યાકીય અભ્યાસ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારની ચરાણ-ભૂમિમાં દસ પૈકી નવ ગ્રામજનો ચણીબોરની પસંદગી કરે છે. ચણીબોરનાં ફળ ખાદ્ય અને સ્વાદમાં રુચિકર તથા આછાં ખાટાં હોવા છતાં તેમનું વાવેતર ફળ માટે થતું નથી. ફળ ભરવાડો દ્વારા ખવાય છે અને તેનું વેચાણ પણ મર્યાદિત પ્રમાણમાં થાય છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ફળ સૂકવ્યા પછી તેના ગરનો પાઉડર બનાવવામાં આવે છે. એક અભ્યાસ મુજબ કાંટાળી ચરાણભૂમિમાં 14 % જેટલી ઘનતા ધરાવતા ચણીબોરના છોડ  તેમનાં પર્ણો અન્ય ઘાસના સંદર્ભમાં ચારાનું મહત્તમ ઉત્પાદન આપે છે અને ચારાનું સરેરાશ ઉત્પાદન લગભગ 1000 કિગ્રા./હેક્ટર પ્રાપ્ત થાય છે.

બોરની જાતો

પર્ણો ખસ અને ત્વચાના અન્ય રોગોમાં ઉપયોગી છે. સૂકાં પર્ણોનો ધુમાડો શરદી અને કફની ચિકિત્સામાં આપવામાં આવે છે. ફળો સંકોચક અને શીતળ હોય છે તથા પિત્તદોષમાં ઉપયોગી ગણાય છે.

ગુજરાત અને તૈમારા(બિહાર)માં તે લાખના કીટકના યજમાન બને છે. પંજાબમાં ચણીબોર ઉપર Laccifer lacca(લાખનો કીટક)ની ‘રંગીની’ જાત થાય છે.

આફ્રિકન ઉંદર (gerbil) ચણીબોરના બીજ સહિતનો ગર ખાવાનું પસંદ કરે છે; તેથી આફ્રિકન ઉંદરોનો નાશ કરવા બીજની ફરતે વિષ લગાડી તેમને લલચાવવામાં આવે છે.

વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુઓમાં ચણીબોરનાં પર્ણોમાં રહેલા પોષક દ્રવ્યનું ટકાવારીમાં પ્રમાણ સારણી 2માં આપવામાં આવ્યું છે.

સારણી 2 : ચણીબોરનાં પર્ણોમાં જુદી જુદી ઋતુઓમાં રહેલાં પોષક દ્રવ્યનું

શુષ્ક દ્રવ્યને આધારે ટકાવારીમાં પ્રમાણ

                               વર્ષની ઋતુઓ
પોષક ઘટકો ચોમાસું શિયાળો ઉનાળો
અશુદ્ધ પ્રોટીન

ઈથર-નિષ્કર્ષ

રેસો

N-મુક્ત નિષ્કર્ષ

કૅલ્શિયમ

ફૉસ્ફરસ

14.24

3.16

20.60

51.78

1.70

0.19

14.62

5.23

11.74

57.76

2.17

0.16

14.70

5.91

8.20

60.70

2.07

0.16

પર્ણો સારા પ્રમાણમાં પોષક હોવા છતાં તેઓ પ્રોટીન અને ફૉસ્ફરસની જરૂરિયાત ઓછી પૂરી પાડતાં હોવાથી ચણીબોરનાં પર્ણો સાથે બીજો ચારો આપવો જરૂરી છે. પર્ણોમાં 9 % જેટલું ટેનિન હોય છે.

ચણીબોરનું અંત:કાષ્ઠ અત્યંત કઠણ અને ઘેરા રંગનું તથા તેનો ઉષ્મીય આંક (7900 બી.ટી.યુ.) ઊંચો હોય છે. તે સારી ગુણવત્તાવાળું બળતણ અને કોલસો આપે છે.

શાખાઓની છાલ 12 % ટેનિન ધરાવે છે. મૂળની છાલમાં સાઇક્લોપૅપ્ટાઇડ આલ્કેલૉઇડ-ન્યુમ્યુલેરિન A, B અને C; મ્યુક્રોનિન-D અને એમ્ફિબિન-H હોય છે.

આયુર્વેદ અનુસાર બોરનાં ફળ મધુર, તૂરાં અને ખાટાં હોય છે. પાકાં ફળ મધુર, ઉષ્ણ, ખાટાં, કફકારક, પાચક, લઘુ અને રુચિકર હોય છે તથા અતિસાર, રક્તદોષ, શ્રમ અને શોષનો નાશ કરે છે. બોરડીનાં પર્ણોનો લેપ જ્વર અને દાહ મટાડે છે. તેની છાલનો લેપ વિસ્ફોટકનો નાશ કરે છે. ફળના ગર્ભને આંખમાં આંજવાથી નેત્રરોગ મટે છે. મોટાં (રાજ) બોર – મધુર, શીતળ, વૃષ્ય, વીર્યવૃદ્ધિકર, સ્વાદુ, ગુરુ, ગ્રાહક, લેખનકારી, સ્નિગ્ધ, મલબંધક અને આધ્માનકારક હોય છે. તે કફ, વાયુ, પિત્ત, તૃષા અને શ્રમનો નાશ કરે છે. સૂકાં બોર ભેદક, લઘુ અને અગ્નિદીપક હોય છે. તે કફ, વાયુ, પિત્ત, તૃષા અને શ્રમનો નાશ કરે છે. ઝીણાં બોર (લઘુ બદર) મધુરાં અને ખાટાં હોય છે. પાકે ત્યારે તે સ્નિગ્ધ, રુચિકર અને જંતુનાશક હોય છે. તે પિત્ત, દાહ, કફ અને વાતનો નાશ કરે છે. બોરની અંદર આવેલું મગજ તૂરું, મધુર, શુક્લ, બલપ્રદ અને વૃષ્ય હોય છે. તે કાસ, દમ, તૃષા, વાયુ, ઊલટી, દાહ અને પિત્તનો નાશ કરે છે.

બોરનો ઉપયોગ ગૂમડાં, સ્વરભેદ, રક્તાતિસાર, મૂત્રકૃચ્છ્ર, કંઠસર્પ, ભસ્મક રોગ, શીતળા, રક્તક્ષય, ઉરોઘાત, ક્ષય, વીંછીના વિષ અને ઊલટીમાં થાય છે.

ભારતમાં થતી ઝિઝિફસની અન્ય જાણીતી જાતિઓમાં Z. oenoplia Mill (જૅકલ જુજબ, બહુકંટક, બુરગી, અજપ્રિયા), Z. rugosa Lam (તોરણ), Z. xylopyra willd. (ઘટબોર), Z. glabrata Heyne (વેટાડલા) વગેરેનો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ