બોરકર, દિલીપ (જ. 1956, અગાસૈન, ગોવા) : જાણીતા કોંકણી નાટ્યકાર, સામાજિક કાર્યકર્તા અને બાલસાહિત્ય લેખક. તેમને તેમના ઉત્તમ પ્રવાસવર્ણન ‘ગોમાંચલ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેમણે મુંબઈ અને ગોવામાંથી અનુક્રમે હિંદી અને કોંકણીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે 13 પુસ્તકો પ્રગટ કર્યા છે. તેમાં ‘વર્ગશત્રુ’, ‘ભાતેં ભર અશાંત-પ્રશાંત’ જેવાં નાટકોનો સમાવેશ થાય છે. તેમણે બાલવાર્તાઓ પણ પ્રગટ કરી છે. સાહિત્યિક નિબંધ-સંગ્રહ ‘રક્ષાપ્રશ્ન’નો પણ તેમના સાહિત્યમાં સમાવેશ થાય છે.

તેમને 3 વખત આકાશવાણી પુરસ્કાર, 2 વખત કલા અકાદમી, ગોવાનો પુરસ્કાર તથા કોંકણી ભાષા મંડળ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

તેઓ રંગમંચમાં ભારે રુચિ ધરાવે છે અને તેમણે મંચ પર તેમજ ટેલિવિઝન તથા ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે ગોવાનાં લોકો અને સંસ્કૃતિ માટે જુદાં જુદાં સામાજિક આંદોલનોમાં ભાગ લીધો છે. હિમાલય-આરોહણના રાષ્ટ્રીય કાર્યક્રમનું સંચાલન પણ તેમણે કર્યું છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ગોમાંચલ’માં હિમાલયની આસપાસના ક્ષેત્રની સાંસ્કૃતિક ઢાંચાની પાર્શ્વભૂમિકા સાથે ગોવાથી હિમાલય સુધીના તેમના પ્રવાસનું જીવંત ચિત્રાંકન છે. તેમની સહજતા, પરિવેશ અને મૌલિક સૂઝવાળી નવતર ઉત્કૃષ્ટ અભિવ્યક્તિને કારણે કોંકણીમાં લખેલી આ કૃતિનું ભારતીય સાહિત્યમાં મહત્વનું સ્થાન છે.

બળદેવભાઈ કનીજિયા