બોબીલી : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન કોણમાં વિઝિયાનાગ્રામ જિલ્લામાં ઓવેલું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 32´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે. પર ઓરિસા રાજ્યની દક્ષિણ સરહદની નજીક આવેલું છે. આ તાલુકાનો વિસ્તાર 465 ચોકિમી. જેટલો છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : દક્ષિણ ભારતના પૂર્વભાગમાં આ પ્રદેશ પર્વતીય હારમાળામાં આવેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 300 મીટર જેટલી છે. અહીંનું ભૂપૃષ્ઠ મોટાભાગે અગ્નિકૃત ખડકોથી બનેલું છે. બોબીલીની દક્ષિણે આશરે 15 કિમી. દૂર પશ્ચિમ તરફ વહેતી વેગવતી નદી આવેલી છે. તે નાગાવલી (નાગદવલી) નદીની પ્રશાખા છે અને બંગાળના ઉપસાગરને મળે છે. આ પ્રદેશ ઉષ્ણકટિબંધીય ભેજવાળી આબોહવા ધરાવે છે. બોબીલીનું સરેરાશ વાર્ષિક તાપમાન 26° સે. જેટલું રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 20°થી 22.5 સે. અને 27°થી 30° જેટલાં રહે છે. અહીં વરસાદની માત્રા અધિક રહે છે, સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1000થી 1200 મિમી.નું રહે છે. અહીં અનેકવાર હળવા દબાણનાં કેન્દ્રો ઉત્પન્ન થતાં હોવાથી ચક્રવાતી તોફાનોનો પણ અનુભવ થાય છે.
ખેતી-ઉદ્યોગો : આ પ્રદેશની મોટાભાગની જમીનો રાતી છે, તેમાં રેતીનું પ્રમાણ અધિક છે. નદીઓની આજુબાજુના ભાગોમાં નદીજન્ય નિક્ષેપોની જમાવટને કારણે ક્યાંક ક્યાંક કાંપની જમીનો પણ જોવા મળે છે. ડાંગર, શેરડી, મગફળી, બાજરી, રાગી, કઠોળ અને તમાકુ અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીંના અગ્નિકૃત ખડકોમાં લોહ-મૅંગેનીઝનાં અયસ્ક મળે છે. ચૂનાખડકો પણ અહીં સારા પ્રમાણમાં છે. શેરડીના ઉત્પાદનને કારણે અહીં ખાંડનાં ઘણાં કારખાનાં છે. અહીં પશુઉછેર કેન્દ્રો આવેલાં છે. વીણા અને વાંસળી જેવાં સંગીતનાં વાદ્યો બનાવવાના ગૃહઉદ્યોગો અહીં વિકસ્યા હોવાથી બોબીલી વધુ જાણીતું બન્યું છે. અહીં તેલુગુ અને ઉર્દૂ ભાષાનો ઉપયોગ થાય છે. નગરપાલિકાની રચના અહીં કરવામાં આવેલી છે.
પરિવહન : સંબલપુર–ભિલાઈને તેમજ સાલુર–પાર્વતીપુરમને જોડતા રેલમાર્ગો અહીંથી પસાર થાય છે. આ કારણે બોબીલી રેલવે-જંકશન બની રહેલું છે. વિઝિયાનાગ્રામ અને વિશાખાપત્તનમ્ને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 5 અને 43 અહીં થઈને પસાર થાય છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં બોબીલી પેડ્ડાપુલી તરીકે જાણીતું બન્યું હતું, ત્યારબાદ તે પેબ્બુલી તરીકે ઓળખાતું થયેલું. તેમાંથી અપભ્રંશ થઈને આજે તે ‘બોબીલી’ નામે જાણીતું થયું છે. ઝામિન્દર અને વિઝિયાનાગ્રામ તેમજ ફ્રેન્ચ અને બોબીલીના રાજાઓ વચ્ચે અહીં યુદ્ધો ખેલાયેલાં હોવાથી તેનું મહત્વ વધ્યું છે. ભગવાન વેણુગોપાલનું મંદિર અહીં આવેલું છે.
નીતિન કોઠારી