બોફૉર્ટ માપક્રમ (Beaufort scale) : ભૂમિ અને સમુદ્ર પરના હવામાનની આગાહી માટે, સમુદ્રની સપાટી પરથી વાતા પવન અંગે માહિતી આપતો માપક્રમ. પહેલાંના સમયમાં એ માટે કોઈ વ્યવસ્થિત પદ્ધતિ નહોતી. 1838માં બ્રિટિશ નૌસેનાના અધિકારી ફ્રાંસિસ બોફૉર્ટે પવનનું બળ નક્કી કરવા માટે ભૂમિ અને સમુદ્ર પર પવનના સંઘાત(impact)થી થતી અસરો ઉપર આધારિત એક પદ્ધતિ યોજી હતી. જુદી જુદી સંખ્યાબંધ વાસ્તવિક પરિસ્થિતિઓનું પૃથક્કરણ કર્યા પછી આ પદ્ધતિ તૈયાર કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં જુદી જુદી પરિસ્થિતિ અનુસાર 1થી 17 અંક આપવામાં આવ્યા હતા (અગાઉ આ માટે ફક્ત 1થી 12 અંક જ હતા). આ માપક્રમને ‘બોફૉર્ટ માપક્રમ’ કહેવાય છે. હવે બોફૉર્ટ માપક્રમના અંકોને પવનનો વેગ, સમુદ્રનાં મોજાંની ઊંચાઈ વગેરે સાથે સાંકળીને તેમનો આંતરસંબંધ નક્કી કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા દ્વારા બોફૉર્ટ માપક્રમને હવે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી છે. અત્યારનો સ્વીકૃત બોફૉર્ટ માપક્રમ સારણીમાં આપ્યો છે.

આજના સમયમાં સમુદ્રની સપાટી પરના પવન વિશે માહિતી મેળવવા માટે ઘણાં ઉપકરણો ઉપલબ્ધ છે. ઉપગ્રહ-આધારિત અવલોકનો, તરતાં બોયાં દ્વારા થતાં નિરીક્ષણો તથા વહાણો દ્વારા લેવામાં આવતી અવલોકનનોંધો વગેરેથી પવન અંગે ઠીક ઠીક વજૂદવાળી માહિતી મળે છે. આથી વ્યાવસાયિક હવામાનશાસ્ત્રીઓ બોફૉર્ટ માપક્રમનો ઉપયોગ ઓછો કરે છે. આમ છતાં જે વિસ્તારોમાં ઉપકરણ-આધારિત પવનનાં અવલોકનો ધ્યાનમાં લઈ શકાતાં નથી એ વિસ્તારોમાં પવનની લાક્ષણિકતાનો અંદાજ મેળવવા માટે બોફૉર્ટ માપક્રમ હજુ પણ ઉપયોગી થાય છે.

પવનનો બોફૉર્ટ માપક્રમ (સામુદ્રિક–nautical)

બોફૉર્ટ આંક પવનનો પ્રકાર પવનની ઝડપ સમુદ્રની સપાટીનું વર્ણન સમુદ્રનો વિક્ષોભાંક મોજાની સરેરાશ ઊંચાઈ
ગાંઠ (knots) કિમી./ કલાક ફૂટ મીટર
0 શાંત < 1 < 1 દર્પણ જેવો સમુદ્ર. 0 0 0
1 હલકી હવા 1–3 1–5 ફીણની કોર વિનાના માપક્રમના દેખાવની ઊર્મિકા (ripples) રચાય છે. ફીણને શૃંગ હોતાં નથી. 0 0 0
2 હળવી લહેરખી 4–6 6–11 નાનીટૂંકી લહરીઓની કોર; શૃંગનો દેખાવ કાચના જેવો પણ અતૂટ 1 0–1 0.0.3
3 શાંત લહેરખી 7–10 12–19 મોટી લહરીઓ, તેની કોર તૂટવા લાગે છે. ફીણ કાચના દેખાવનું; સંભવત: વીખરાયેલ શ્વેત અશ્વોના જેવું. 2 1–2 0.3–0.6
4 મધ્યમસર

લહેરખી

11–16 20–28 ટૂંકી લહરીઓ લંબાતી જતી જણાય; શ્વેત અશ્વોની પરંપરાનો સારો એવો આભાસ આપે. 3 2–4 0.6–1.2
5 તાજી લહેરખી 17–21 29–38 લાંબા આકારનાં મધ્યમ પ્રકારનાં મોજાં; ઘણા શ્વેત અશ્વો રચાતા લાગે. કંઈક શીકરો ઊડવાની સંભાવના. 4 4–8 1.2–2.4
6 પ્રબળ લહેરખી 22–27 39–49 મોટાં મોજાં ઊઠે છે; સફેદ ફીણનાં શૃંગ સર્વત્ર વધુ વિસ્તૃત બને છે; સંભવત: થોડોક છંટકાવ થાય છે. 5 8–13 2.4–4
7 પવનનો મધ્યમસરનો ઝપાટો (gale) 28–33 50–61 સમુદ્ર વળોટાય છે. તેનાં તૂટતાં મોજાંમાંથી પેદા થતી શ્વેત ફીણની લકીરો પવનની દિશામાં ફેલાય છે અને પ્રચક્રણ-પ્રવાહ દેખાવા લાગે છે. 6 13–20 4–6
8 પવનનો તાજો ઝપાટો 34–40 62–74 પ્રમાણમાં વધુ લાંબા ને વધુ ઊંચા તરંગો; મોજાંની કોરો પ્રચક્રણ પ્રવાહમાં તૂટતી જણાય છે, પવનની દિશામાં ફીણની સ્પષ્ટ લકીરો વિસ્તરે છે. 6 13–20 4–6
9 પવનનો પ્રબળ

ઝપાટો

41–47 75–88 ઊંચાં મોજાં; પવનની દિશામાં ફીણની ઘટ્ટ લકીરો; સમુદ્ર વળોટો લેતો જણાય છે; પાણીનો છંટકાવ (ફુવારા); શ્યતાને અસર કરે છે. 6 13–20 4–6
10 સંપૂર્ણ ઝપાટો

તોફાન

48–55 89–102 ઘણાં મોટાં ઊંચાં મોજાં પવનની દિશામાં ફીણના ગુચ્છા ઉડાડે છે; સમુદ્ર સફેદ દેખાય છે; સમુદ્રનું પાણી ભારે વળોટા લે છે; ર્દશ્યતા અસર પામે છે. 7 20–30 6–9
11 તોફાનઝપાટો

(ઉગ્ર તોફાન)

56–63 103–114 જબરદસ્ત મોટા લોઢ નાનાં અને મધ્યમ કદનાં વહાણ આવાં લોઢ પાછળ હોય તો જોઈ શકાતાં નથી. સમુદ્ર ફીણ-ફીણ થઈ જાય છે. લોઢની ટોચો ફીણમાં ભળી જાય છે. ર્દશ્યતા અસર પામે છે. 8 30–45 9–14
1217 ઝંઝાવાત

(hurricane)

64 અને

વધુ

117 અને

વધુ

હવાનો અવકાશ ફીણ અને છોળછંટકાવથી ભરાઈ જાય છે. આખોય સમુદ્ર ઊછળતો શ્વેત બને છે. ર્દશ્યતા ભારે અસર પામે છે. 9 45થી વધુ

14થી વધુ

પ્રકાશચંદ્ર ગોવર્ધન જોશી

અનુ. પરંતપ પાઠક