બોધિસત્વ : મહાયાન બુદ્ધોએ આદર્શ પરોપકારી બુદ્ધ પુરુષની કરેલી વિભાવના. ‘બુદ્ધ’ એટલે બોધ પામેલા, જાગેલા, જ્ઞાની. માયાદેવીના પેટે જન્મ્યા ત્યારથી ‘બોધિ’ પ્રાપ્ત થયું એ પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. બોધિસત્વનું જીવન મનુષ્યોને પ્રેરણારૂપ હતું કારણ કે મનુષ્ય સ્વપ્રયત્નથી કેવો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે તેનું ર્દષ્ટાંત તે પૂરું પાડતું હતું. બોધિપ્રાપ્તિ પહેલાંની અવસ્થા એટલો જ બોધિસત્વનો અર્થ હતો. પહેલા મહાભિનિષ્ક્રમણમાં એમણે ગૃહત્યાગ કર્યો અને રાજમહેલ છોડ્યો, પણ બીજા મહાભિનિષ્ક્રમણમાં તો એમણે નિર્વાણ-સુખને પણ છોડ્યું, અને તે પણ નિર્વાણના ઉંબર પર ઊભા રહીને ! એમણે કહ્યું કે, ‘જ્યાં સુધી એક પણ વ્યક્તિ દુ:ખથી પીડિત હશે ત્યાં સુધી હું નિર્વાણસુખમાં પ્રવેશ નહિ કરું.’ બુદ્ધના વચન તરીકે ગણાતા એક શ્લોકનો મતલબ એ છે કે, ‘દરેક માણસના દુ:ખનો ભાર હું મારે માથે લઈ લઉં, જો જગતને એથી સુખ થતું હોય તો હું તેમ કરવા રાજી છું.’

બુદ્ધ સુમેધ નામના બ્રાહ્મણ તરીકે બોધિસત્વ સર્વપ્રથમ બનેલા. સુમેધે હિમાલય પર તપ કરી, આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત કરી, સ્વર્ગમાં જઈ દીપંકર બુદ્ધનાં દર્શન કરી આશીર્વાદ મેળવી બુદ્ધ બનવાનો સંકલ્પ કર્યો અને એમણે બોધિસત્વના અનેક અવતારો જુદી જુદી યોનિઓમાં ક્રમે ક્રમે લેતાં અને ગુણવત્તા વધારતાં રાજકુમાર સિદ્ધાર્થ તરીકે કપિલવસ્તુમાં જન્મ લીધો. એ અંતિમ જન્મમાં બોધિજ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ બન્યા એ વાતો જાતકકથાઓમાં રજૂ થઈ છે. એ સિવાય ભવિષ્યમાં આવા અનેક બોધિસત્ત્વો જન્મ લેશે એવી બૌદ્ધ ધર્મની માન્યતા છે.

બુદ્ધના પરિનિર્વાણ પછી લગભગ 140 વર્ષે (લગભગ ઈ. પૂ. 350) સ્થવિરવાદથી મહાસાંઘિક ધારા જુદી પડી. આ મહાસાંઘિક ધારાએ બોધિસત્વ અને બુદ્ધની માન્યતામાં મહત્વનું પરિવર્તન કર્યું. જીવોના કલ્યાણ અર્થે સંસારમાં રહેવાનું પસંદ કરે છે તે બોધિસત્વ છે. મહાસાંઘિકોએ અર્હતોની મહત્તા ખંડિત કરી; પરંતુ આની સાથે જ તેમણે બુદ્ધ અને બોધિસત્વને લોકોત્તર બનાવવાનું કાર્ય આરંભી દીધું. ‘મહાવત્થુ’ (ગ્રંથ) કહે છે કે જે પૂર્વજન્મમાં તેમણે બોધિ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો તે પૂર્વજન્મથી તેઓ કામરાગથી મુક્ત થયા. મહાયાનમાં બોધિસત્વની પ્રતિષ્ઠા બુદ્ધની પ્રતિષ્ઠા કરતાં પણ વધુ છે અને બોધિસત્વની પૂજાને બુદ્ધપૂજા કરતાંયે વિશેષ મહત્વ મળેલ છે. આવા બોધિસત્વ બનવા માટે જન્મજન્માન્તરની સાધના (= બોધિચર્યા) અપેક્ષિત છે. મહાયાને કરુણાનું સ્વરૂપ જ પલટાવી દીધું છે. બીજાને હાનિ ન પહોંચાડવામાં કે ધર્મમાર્ગ ચીંધવામાં જ કરુણાનું પર્યવસાન નથી. કરુણાનું કામ તો દુ:ખીઓનાં દુ:ખ દૂર કરવાનું છે. પાપીઓનાં પાપો હરવાનું છે.

બોધિસત્વ
(ગાંધાર શૈલીનું 2જી સદીનું શિલ્પ : મ્યુનિસિપલ મ્યુઝિયમ, અલ્લાહાબાદ)

બોધિસત્વ પોતાનું પુણ્ય પણ દુ:ખી જનોમાં વહેંચે છે. બોધિસત્વની આ લોકકલ્યાણમયી ભાવના અતિ ઉદાત્ત છે. બોધિસત્વો દલિત, પીડિત, વિપત્તિગ્રસ્ત, ભયાકુલ અને શોકસંતપ્ત જનતાનો ઉદ્ધાર કરવા કૃતનિશ્ચયી એવા પૂર્ણ પુરુષો છે. મહાયાનનો જગતને મળેલો આ સર્વોત્તમ વારસો છે. સ્થવિરવાદમાં ‘અર્હત’ કરતાં બુદ્ધનો આદર્શ ઉચ્ચતર હતો. મહાસાંઘિકોએ બોધિસત્વને પોતાની સમગ્ર બોધિસત્તાવસ્થા દરમિયાન લોકોદ્ધાર માટે કટિબદ્ધ અને કરુણામય બનાવ્યા. બોધિસત્વના આ આદર્શ આગળ અર્હતનો આદર્શ જાણે કે ઝાંખો પડ્યો. અર્હત કેવળ સ્વ-કલ્યાણ સાધે છે, જ્યારે બોધિસત્વ તો પરાર્થે જ પ્રવૃત્ત થાય છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ