બૉન (Bonn) : જર્મનીનાં મહત્વનાં શહેરો પૈકીનું એક. 1990 પહેલાંના પશ્ચિમ જર્મની(જર્મન ફેડરલ રિપબ્લિક)નું પાટનગર. 1991માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થતાં અને બર્લિન પાટનગર તરીકે સ્વીકારાતાં, બૉન એક વહીવટી કેન્દ્ર તરીકે હવે જાણીતું બન્યું છે. ભૌગોલિક સ્થાન : તે 30o 52’ ઉ. અ. અને 7o 02’ પૂ. રે. પર આવેલું છે. તે જર્મનીના પશ્ચિમ મધ્ય ભાગમાં કોલોન અથવા કૉન શહેરની દક્ષિણે આશરે 32 કિમી. દૂર ર્હાઇન નદી ખીણના પશ્ચિમ કાંઠે વસેલું છે. સમુદ્રસપાટીથી 163 મીટરની ઊંચાઈએ આવેલું આ શહેર ઉત્તરનાં મેદાનો અને મધ્યની ગિરિમાળાને સાંકળતા પ્રદેશમાં વિકસ્યું છે. સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા આ પ્રદેશની આબોહવા માફકસરની છે. શહેરની પૂર્વમાં સપ્ત-પર્વતીય હારમાળા (Seven Mountains) આવેલી છે. અહીંનું જુલાઈનું સરેરાશ તાપમાન 17.5 સે. તથા જાન્યુઆરીનું સરેરાશ 1.5o સે. જેટલું રહે છે. અહીં વાર્ષિક વરસાદ 950 મિમી. જેટલો પડે છે.

રહાઇન નદીના તીરે વસેલું બૉન નગર અનેક ઐતિહાસિક ઇમારતો અને આધુનિક ભવનોને કારણે પ્રવાસીઓનું આકર્ષણ-કેન્દ્ર બની રહ્યું છે. ઉપરની તસવીરમાં વિખ્યાત બીથોવન સ્મારક-ભવન ર્દશ્યમાન છે.

અહીંના વેસ્ટફાલિયામાં રસાયણો, કાપડ, પ્લાસ્ટિક અને ઍલ્યુમિનિયમના મોટા ઉદ્યોગો વિકસેલા છે. નાની નાની ઘણી ફૅક્ટરીઓ પણ અહીં આવેલી છે, ત્યાં સિરૅમિક્સની ચીજવસ્તુઓ, વીજળીનાં સાધનો, રાચરચીલું અને ઔષધિઓનું ઉત્પાદન થાય છે. બેઉલ વિસ્તારમાં સિમેન્ટ અને તેની પેદાશો ઉત્પન્ન કરતાં કારખાનાં આવેલાં છે. બૉન એક વેપારી મથક તરીકે વિકસેલું હોવાથી તેની આજુબાજુના ગ્રામ-વિસ્તારોની કૃષિ તેમજ અન્ય પેદાશો અહીં આવે છે.

બૉન જર્મનીના મુખ્ય રેલમાર્ગ પર આવેલું છે. તે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે, હવાઈ મથક આ શહેરની ઉત્તરે આશરે 24 કિમી. દૂર આવેલું છે. બૉન અને કોલોન હવાઈ સેવાથી જોડાયેલાં છે. વળી  આ બંને શહેરોને જોડતો રસ્તો છમાર્ગી છે. આ શહેરમાં સરકારી અને ખાનગી બસ-સેવા પણ ઉપલબ્ધ છે. અહીંની ભૂગર્ભીય (મેટ્રો) રેલવેનો લાભ નાગરિકોને મળી રહે છે.

આ શહેરમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. વિશ્વવિખ્યાત બૉન યુનિવર્સિટીનું મથક આ શહેર ખાતે આવેલું છે. પૉપેલડૉર્ફ કૅસલમાં  કૃષિ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. રહાઇનનાં ઇતિહાસ, સ્થાપત્ય અને સંસ્કૃતિની માહિતી આપતું મ્યુઝિયમ રેહ્નિશ પ્રૉવિન્શિયલ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. અહીંના ઍલેક્ઝાન્ડર મ્યુઝિયમમાં આફ્રિકા, આર્ક્ટિક અને કેનેરી ટાપુઓમાંથી મેળવેલા પ્રાણીઓના અવશેષો પ્રદર્શિત કરવામાં આવેલા છે. જગવિખ્યાત મહાન સંગીતકાર લુડવિગ વાન બીથોવનના સ્મારક-ભવનમાં સંગીતને લગતી અનેક કૃતિઓનો સંગ્રહ કરાયો છે. તેની યાદમાં મે માસમાં અહીં સંગીતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાય છે. બૉન યુનિવર્સિટીના મેદાનમાંનો હૉફગાર્ટન બગીચો અહીં ખૂબ જાણીતો બનેલો છે.

રહાઈન નદીના પશ્ચિમ કાંઠે વસેલા જૂના બૉન શહેરમાં આજે તો અનેક અદ્યતન ઇમારતો ઊભી થઈ છે. અગિયારમી સદીમાં બંધાયેલું ચર્ચ આ શહેરની મધ્યમાં આવેલું છે. શારુમબર્ગ મહેલ હવે ગવર્નરના આવાસ માટે ઉપયોગમાં લેવાય છે. શહેરના દક્ષિણ ભાગમાં બાડ ગૉડેસબર્ગના વિસ્તારમાં અનેક એલચી-કચેરીઓ અને તેમની વસાહતો ઊભી કરવામાં આવેલી છે. અહીંનો કેનેડી પુલ બેઉલ અને જૂના શહેરને સાંકળે છે.

ઇતિહાસ : દુનિયાની જૂની ગણાતી વસાહતોમાં બૉનનો સમાવેશ થાય છે. ઈ. પૂ. પહેલી સદીમાં સર્વપ્રથમ રોમનોએ આ સ્થળની શોધ કરી હતી; પરંતુ તે વસાહતો નાશ પામી. ત્યારબાદ ઈ.સ.ની પહેલી સદીમાં અહીં રોમનોએ જે વસાહતો ઊભી કરી તે ‘કાસ્ત્રા બૉનેન્સિયા’ નામે ઓળખાઈ. નવમી સદીમાં ફ્રેન્કિશ પરગણું બૉનબર્ગ નામે જાણીતુ બન્યું. 1265થી 1794 સુધી અહીં રાજાશાહી શાસન રહ્યું. 1794માં ફ્રાંસની ક્રાંતિને કારણે તે તેના આધિપત્ય હેઠળ આવ્યું. ઓગણીસમી સદી દરમિયાન તે આધુનિક શહેર બનતું ગયું. બીજા વિશ્વયુદ્ધમાં આ શહેરની અતિશય ખાનાખરાબી થઈ. 1949માં તેના વિકાસ માટેની યોજના ઘડાઈ. 1969માં કેટલાક પરાવિસ્તારોનો સમાવેશ કરીને તેની નવી સીમા નિર્ધારિત કરવામાં આવી. 1990માં મહાસત્તાઓના ઉદારીકરણની નીતિને લીધે જર્મનીનું એકીકરણ થયું. જર્મનીની રાજધાની બર્લિન બનતાં બૉન એક વહીવટી મથક તરીકે રહ્યું. 1939માં આ શહેરની વસ્તી આશરે 1,00,400 હતી તે 1993માં 2,97,900 જેટલી થઈ છે.

નીતિન કોઠારી