બોધનાત્મક વિસંવાદિતા (cognitive dissonance) : એક એવી અણગમતી માનસિક સ્થિતિ, જેમાં વ્યક્તિ બે પરસ્પર અસંગત માન્યતાઓ અનુભવે છે.

માણસ આસપાસના વિશ્વનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. તે અત્યારે પ્રાપ્ત થતા અનુભવોને ભૂતકાળના તેમજ બીજા લોકોના અનુભવો સાથે સરખાવતો રહે છે. એ તુલના દ્વારા તે પોતાના અનુભવોમાં સુસંગતતા શોધે છે, પદાર્થો, વ્યક્તિઓ અને સમૂહો વિશેની પોતાની સમજ અને માન્યતાઓ સાચી છે તેની ખાતરી મેળવવાનો પ્રયત્ન કરે છે; પણ ઘણી વાર તેની માન્યતાઓ અન્ય હકીકતો સાથે કે બીજી માન્યતાઓ સાથે બંધબેસતી હોતી નથી. તેથી તેના બોધનમાં વિસંવાદિતા સર્જાય છે.

ર્દષ્ટાંત 1. ધારો કે મેં એક ઓળખીતા માણસને દારૂના પીઠાવાળા સાથે વાતો કરતો જોયો. પણ એના ધર્મમાં તો મદ્યપાન પર કડક પ્રતિબંધ છે. શું એ દારૂડિયો હશે ?

ર્દષ્ટાંત 2. હું અમુક રાજકીય પક્ષની નીતિને ટેકો આપું છું. પણ આ પક્ષનો ઉમેદવાર કૌભાંડમાં સંડોવાયો છે. મારે એને મત આપવો કે નહિ ?

આ પ્રમાણે જ્યારે વ્યક્તિનાં બોધનોમાં વિસંગતતા સર્જાય ત્યારે શું બને એ અંગે ફેસ્ટિંજરે આપેલો સિદ્ધાંત જાણીતો બન્યો છે. આ સિદ્ધાંત કહે છે કે જ્યારે વ્યક્તિને પોતાનાં વિવિધ બોધનો વચ્ચે તાર્કિક વિરોધ છે એવું લાગે ત્યારે તેના મનમાં વ્યગ્રતા ઊપજે છે. પોતાની આ વ્યગ્રતાને દૂર કરવા માટે વ્યક્તિ એ રીતે વિચાર કે ક્રિયા કરે છે, જેથી બોધનો વચ્ચે અનુભવાતી વિસંવાદિતા દૂર થાય અને તેનાં બોધનો તર્કસંગત તેમજ તેની જરૂરિયાતો સાથે સુસંગત બને.

જેમ કે ઉપરના પ્રથમ ર્દષ્ટાંતમાં વ્યક્તિ નીચે પ્રમાણે કોઈ એક તર્ક કરીને બોધનો વચ્ચેની અસંગતતાને દૂર કરી શકે.

(1) એ માણસ તો દારૂના પીઠાવાળા સાથે માત્ર વાતો જ કરતો હતો. તેને મેં દારૂ પીતાં જોયો તો નથી જ. અને તેણે ભૂતકાળમાં દારૂ પીધો હોય એવું કદી સાંભળ્યું નથી. તેથી તેણે દારૂ નહિ પીધો હોય.

અથવા (2) એના ધર્મમાં ભલે દારૂ પર પ્રતિબંધ હોય, પણ તક મળતાં જ લોકોની નજર ચુકાવીને દારૂ પી આવ્યો હોય, અને પછી પીઠાવાળા સાથે વાત કરવા માંડી હોય.

આ જ રીતે બીજા ર્દષ્ટાંતમાં બોધનો વચ્ચેની વિસંગતિને નીચેનામાંથી કોઈ એક વિચાર (અને આચાર) વડે દૂર કરી શકાય.

(1) હું પક્ષની નીતિને જ મહત્વ આપીશ. ઉમેદવાર બોદો હશે તો પણ તેણે પોતાના પક્ષની સારી નીતિને અનુસરવું જ પડશે. તેથી તેના અંગત દોષોને ગૌણ ગણીને આ ઉમેદવારને જ મત આપીશ.

(2) પક્ષની નીતિ ગમે તેટલી ઉત્તમ હોય, પણ તેનો અમલ તો આખરે ચૂંટાયેલી વ્યક્તિઓ વડે જ થવાનો છે. આ ઉમેદવારે અત્યાર સુધી કૌભાંડો કર્યાં છે તો ચૂંટાયા પછી પણ કૌભાંડો કરશે જ. તેથી હું આને મત નહિ આપું; પણ બીજા સદાચારી ઉમેદવારને આપીશ.

(3) ઉત્તમ નીતિવાળા પક્ષ તરફ બેવફા બનવું મારે માટે યોગ્ય નથી. બીજી બાજુ કૌભાંડો કરનારા ઉમેદવારને મત આપવો પણ યોગ્ય નથી. તેથી આ વખતે હું કોઈને મત આપવા જ નહિ જાઉં.

આમ વ્યક્તિ અણગમતી માનસિક સ્થિતિને દૂર કરવા માટે પોતે જે જોયું, સાંભળ્યું અને માન્યું તેનો નવેસરથી અર્થ કરવાનું વલણ ધરાવે છે. પણ એ નોંધવું જોઈએ કે બોધનાત્મક વિસંગતતાને દૂર કરવાના પ્રયત્નો દર વખતે સંપૂર્ણ સફળ થતા નથી.

ચંદ્રાંશુ ભાલચન્દ્ર દવે