બોથા, પીટર વિલેન (જ. 12 જાન્યુઆરી 1916, પાઉલરોક્સ, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના અગ્રણી રાજકારણી, વડાપ્રધાન અને પ્રથમ પ્રમુખ.

તેમણે યુનિવર્સિટી ઑવ્ ઑરેન્જ ફ્રી સ્ટેટમાં કાયદાનો અભ્યાસ આરંભ્યો, પરંતુ તે અધૂરો છોડ્યો. કિશોરાવસ્થાથી રાજકારણમાં સક્રિય. વીસ વર્ષની વયે તેઓ નૅશનલ પાર્ટીના પૂર્ણ સમયના સંગઠક બન્યા. 1948માં પ્રથમવાર સંસદમાં ચૂંટાયા અને 1958માં નાયબપ્રધાન બન્યા. વર્ષો સુધી વિવિધ ખાતાંઓના પ્રધાન તરીકે કામગીરી બજાવી; પરંતુ 1966થી 1980નાં 14 વર્ષ સુધી લગાતાર સંરક્ષણખાતાના પ્રધાન રહ્યા. સંરક્ષણ પ્રધાન તરીકે તેમણે સશસ્ત્ર દળોને મજબૂત કર્યાં. અંગોલામાં તેમણે વિવાદાસ્પદ લશ્કરી દરમિયાનગીરી કરી તેમજ અશ્વેત તથા મહિલાઓને સશસ્ત્ર દળોમાં પ્રવેશ આપતા કાયદાને ટેકો આપ્યો. વિશેષમાં તેમણે બંધારણીય સુધારા દાખલ કરવા પ્રયાસ કર્યો અને અશ્વેત સાથે મર્યાદિત સત્તા-ભાગીદારીની વાત કરી અને તે દ્વારા તેમણે રંગભેદની નીતિમાં બદલાવ લાવવા પ્રયાસ કર્યો. 1978માં તેઓ દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન બન્યા. તેમની સરકારને ઘરઆંગણે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આફ્રિકાના પાડોશી દેશો સાથે બાંધછોડની વિદેશનીતિ ચાલુ રાખીને તેમણે દક્ષિણ આફ્રિકામાં સુધારાવાદી કાર્યક્રમો ચાલુ કર્યા, જેને કારણે ગોરાઓ વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય લોકમત નરમ પડ્યો. અશ્વેતો દ્વારા થતા વિરોધ બાબતમાં તેમણે કુનેહપૂર્વક કામ કર્યું. આ જ અરસામાં નવા બંધારણના ઘડતરનો પ્રશ્ન ઊભો થયો. આ બાબતમાં તેમણે એશિયાવાસીઓ અને અન્ય વર્ણની પ્રજાઓને મર્યાદિત સત્તા આપવાની વાત કરી અને દેશમાં બહુમતી ધરાવતી શ્યામ પ્રજાને વિશિષ્ટ છૂટછાટો આપવા ઇન્કાર કર્યો. અલબત્ત, આ સૂચિત દરખાસ્તોમાં ગોરાઓની સર્વોચ્ચતા ચાલુ રાખવામાં આવી હતી. આથી તેમની નૅશનલ પાર્ટીમાં ભંગાણ પડ્યું અને નવો કૉન્ઝર્વેટિવ પક્ષ રચાયો. આમ છતાં, 1983માં લોકમત (referendum) દ્વારા તેમણે સૂચિત બંધારણ અંગે મંજૂરી મેળવી લીધી. 1984માં નવા બંધારણ હેઠળ થયેલ ચૂંટણીમાં તેઓ પ્રમુખ બન્યા. 1989માં માંદગીને કારણે તેમણે પક્ષમાંથી તથા પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

રક્ષા મ. વ્યાસ