બૉથમ, ઇયાન ટેરેન્સ (જ. 24 નવેમ્બર 1955, હેસવેલ, ચેશાયર) : ઇંગ્લૅન્ડનો સમર્થ ઑલ-રાઉન્ડર ક્રિકેટ ખેલાડી. 5,000 રન કરનાર અને 300 વિકેટ લેનાર વિશ્વક્રિકેટનો ઉત્તમ ઑલ-રાઉન્ડર ઇયાન બૉથમ ડબ્લ્યૂ. જી. ગ્રેસ પછી ઇંગ્લૅન્ડે આપેલો બહુવિધ શક્તિ ધરાવતો ક્રિકેટર છે. રમત ખેલવાની અખૂટ નૈસર્ગિક શક્તિ, શારીરિક તાકાત, સંકલ્પબળ, આત્મવિશ્વાસ અને સાહસિકતાને કારણે ઇયાન બૉથમે ક્રિકેટના મેદાન પર નવાં સીમાચિહ્નો સ્થાપ્યાં છે.

ઇયાન ટેરેન્સ બૉથમ

બૉથમનાં માતા-પિતા ઈસ્ટ યૉર્કશાયરનાં વતની હતાં. ઇયાન અઢી વર્ષનો હતો ત્યારે જ તેનાં માતા-પિતા સમરસેટમાં જઈ વસ્યાં અને ઇયાનનો ઉછેર ત્યાં જ થયો. યોવિલ ખાતે તેની શાળામાં તે એક અગ્રગણ્ય ખેલાડી હતો. એમ. સી. સી. ગ્રાઉન્ડ સ્ટાફમાં તે જોડાયો અને 17 વર્ષની વયે 1973માં જૉન પ્લેયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તે સમરસેટ કાઉન્ટી ક્લબ તરફથી રમ્યો હતો.

21 વર્ષની વયે પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે નૉટિંગહૅમ ખાતે ટેન્ટબ્રિજના મેદાન પર ત્રીજી ટેસ્ટમાં ઇયાન બૉથમે ઇંગ્લૅન્ડ તરફથી ‘ટેસ્ટ-કૅપ’ મેળવી હતી. ટેસ્ટપ્રવેશે  જ બૉથમે તેની મધ્યમ ઝડપી ગોલંદાજીનો તરખાટ મચાવતાં પ્રથમ દાવમાં 74 રનમાં જ ઑસ્ટ્રેલિયાની 5 વિકેટો ઝડપી હતી. 1977–78માં ન્યૂઝીલૅન્ડ-પ્રવાસમાં ક્રાઇસ્ટ ચર્ચ ખાતે બીજી ટેસ્ટમાં ઇયાન બૉથમ ઑલ-રાઉન્ડર તરીકે ઉદય પામ્યો હતો. પોતાની ચોથી જ ટેસ્ટ રમતાં તેણે બૅટિંગ-કૌવત ઝળકાવતાં શાનદાર પ્રથમ સદી ફટકારીને 103 રન નોંધાવ્યા હતા અને ગોલંદાજીમાં એવો જ તરખાટ મચાવતાં પ્રથમ દાવમાં ન્યૂઝીલૅન્ડની પાંચ તથા બીજા દાવમાં ત્રણ વિકેટો ઝડપી બેવડી સિદ્ધિ નોંધાવી હતી. 1978માં પ્રવાસી પાકિસ્તાન સામે એજબાસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી 100 રન નોંધાવનારા ઇયાન બૉથમે લૉર્ડ્ઝના મેદાન પર બીજી ટેસ્ટમાં 108 રન નોંધાવવા સાથે પાકિસ્તાનની બીજા દાવની 34 રનમાં 8 વિકેટો ઝડપીને ફરીથી ઑલ-રાઉન્ડર તરીકે બેવડી સિદ્ધિ નોંધાવી હતી.

1979–80માં ભારતના પ્રવાસમાં મુંબઈ ખાતે ભારત સામેની ‘રણજી-ટ્રૉફી સુવર્ણ જયંતી’ ટેસ્ટમાં બૉથમ સોળે કળાએ ખીલ્યો હતો. આ ટેસ્ટમાં તેણે 114 રન નોંધાવવા સાથે 106 રનમાં 13 વિકેટો ઝડપી હતી.

ટેસ્ટ-ક્રિકેટમાં એક મૅચમાં એક દાવમાં સદી અને પાંચ કે વધુ વિકેટોની સિદ્ધિ બૉથમે ત્રીજી વાર મેળવી હતી. એક ટેસ્ટમાં સદી તથા દસ કે વધુ વિકેટો ઝડપનાર તે એકમાત્ર ઑલ-રાઉન્ડર છે.

પોતાના સાથીમિત્રોમાં ‘ગાય–ધ ગોરીલા’ના હુલામણા નામે ઓળખાતા ઇયાન બૉથમે 1987માં ઑસ્ટ્રેલિયાના ઝડપી ગોલંદાજ ડેનિસ લિલીનો 355 વિકેટોનો વિશ્વવિક્રમ તોડીને પોતાનો 373 વિકેટોનો નવો વિશ્વવિક્રમ સર્જ્યો હતો, જે 1988–89માં ન્યૂઝીલૅન્ડના રિચાર્ડ હેડલીએ ભારતપ્રવાસમાં બૅંગાલુરુ ટેસ્ટમાં તોડ્યો હતો.

ઇયાન બૉથમે વેસ્ટ ઇન્ડિઝ તથા ઑસ્ટ્રેલિયા સામેની 12 ટેસ્ટોમાં ઇંગ્લૅન્ડનું કપ્તાનપદ સંભાળીને 4 પરાજય વહોર્યા હતા. આઠ ટેસ્ટ ડ્રૉ થઈ હતી.

ઇયાન બૉથમે 102 ટેસ્ટમૅચોના 159 દાવમાં 6 વાર અણનમ રહી 14 સદીઓ (સર્વોચ્ચ રનસંખ્યા 208), 22 અર્ધસદીની સહાયથી કુલ 5,192 રન નોંધાવ્યા હતા. 120 કૅચ ઝડપ્યા હતા અને 383 વિકેટો ઝડપી હતી. એક દાવમાં પાંચ કે વધુ વિકેટો 27 વાર અને એક ટેસ્ટમાં 10 કે વધુ વિકેટો 4 વાર ઝડપનારા બૉથમનો 34 રનમાં 8 વિકેટોનો સર્વશ્રેષ્ઠ દેખાવ હતો. વન-ડે ક્રિકેટમાં, 116 મૅચોના 106 દાવમાં 15 વાર અણનમ રહી બૉથમે 9 અર્ધસદી (સર્વોચ્ચ 79) સાથે કુલ 2,113 રન નોંધાવ્યા હતા, 36 કૅચ તથા 145 વિકેટો ઝડપી હતી. વન-ડેમાં 31 રનમાં 4 વિકેટો એ તેનો શ્રેષ્ઠ દેખાવ હતો.

ટેલિવિઝન પર પોતાની આગવી પ્રતિભા ઊભી કરનાર, વારંવાર લાંબી પદયાત્રાઓ કરીને દર્દીઓ માટે ફાળો એકઠો કરનાર અને ઇંગ્લૅન્ડની ક્રિકેટ પર છવાઈ જનાર ઇયાન બૉથમને ‘ધ ક્રિકેટર’ સામયિકે વીસમી સદીમાં ક્રિકેટ પર સૌથી વધુ પ્રભાવ પાડનાર ગણાવ્યો છે.

જગદીશ બિનીવાલે